• Home
  • News
  • મ્યાનમાર સેનાના હવાઈ હુમલામાં 53નાં મોત:બળવાખોરોના વિસ્તારમાં હેલિકોપ્ટરથી 20 મિનિટ સુધી ફાયરિંગ, આ અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો
post

મ્યાનમારની ન્યૂઝ વેબસાઈટ ઈરાવડી અનુસાર, ત્યાં બે વર્ષમાં 31022 લોકોએ જીવ ગુમાવ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-11 21:04:15

મંગળવારે મ્યાનમારની સેનાના હવાઈ હુમલામાં 53 લોકોએ જીવ ગુમાવ્યા. મૃતકોમાં 15 મહિલાઓ અને કેટલાક બાળકોનો સમાવેશ થાય છે. અલજઝીરાના અહેવાલ મુજબ મૃત્યુઆંક વધી પણ શકે છે.

સેનાએ આ હવાઈ હુમલા બળવાખોરોનો ગઢ ગણાતા પાજીગી વિસ્તારમાં કર્યા હતા, જે ત્યાંના સાગૈંગ પ્રાંતમાં છે. હુમલા સમયે એક ઓફિસના ઉદ્ઘાટન માટે લોકો એકઠા થયા હતા. બે વર્ષ પહેલા થયેલા બળવા બાદ આ સેનાનો સૌથી મોટો હુમલો ગણાવામાં આવી રહ્યો છે.

પહેલા બોમ્બ ફેંક્યા, પછી ગોળીબાર શરૂ કર્યો
હુમલા દરમિયાન હાજર એક વ્યક્તિએ બીબીસીને જણાવ્યું કે સવારે 7 વાગ્યે સેનાનું એક જેટ ગામમાં આવ્યું. તેણે બોમ્બ ફેંક્યો, ત્યારપછી કેટલાય હેલિકોપ્ટરથી ફાયરિંગ શરૂ થયું. આ ગોળીબાર સતત 20 મિનિટ સુધી ચાલુ રહ્યો.

નજીકમાં રહેતા લોકોએ તેમના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. જેમાં ચારેબાજુ મૃતદેહો દેખાય છે. ત્યાં હાજર લોકોના જણાવ્યા અનુસાર, તેઓએ મૃતદેહોની ગણતરી શરૂ કરી, પરંતુ શરીરના અંગો અલગ-અલગ જગ્યાએ ફેલાયેલા હોવાના કારણે તેઓ ગણતરી કરી શક્યા નહીં.

2022માં માત્ર હવાઈ હુમલામાં 460 લોકો મૃત્યુ પામ્યા હતા
ધ ગાર્ડિયનના અહેવાલ મુજબ, મ્યાનમારમાં હવાઈ હુમલાઓ રોજની કહાની બની રહી છે. સેના તેના વિરોધીઓને શોધવામાં કોઈ કસર છોડી રહી નથી. જેના કારણે તે સામાન્ય લોકોને નિશાન બનાવી રહી છે. મ્યાનમાર વિટનેસના રિપોર્ટ અનુસાર છેલ્લા 6 મહિનામાં આવી 135 ઘટનાઓ બની છે.

1 ફેબ્રુઆરીએ મ્યાનમારમાં બળવાને બે વર્ષ પૂર્ણ થયા છે. વર્ષ 2021માં સેનાએ ત્યાં ચૂંટાયેલી આંગ સાન સૂ કીની સરકારને તોડી પાડી હતી અને તેમને પકડીને જેલમાં ધકેલી દીધા હતા. ત્યારથી લોકો અલગ-અલગ રીતે સેનાનો વિરોધ કરી રહ્યા છે. બીબીસીના જણાવ્યા અનુસાર, જ્યારે સેના વિરોધીઓનો સામનો કરવા માટે જમીન પર નબળી પડવા લાગી, ત્યારે તેણે હવાઈ હુમલા કરીને લોકો પર આફત વરસાવાનું શરૂ કર્યું.

મ્યાનમારની ન્યૂઝ વેબસાઈટ ઈરાવડી અનુસાર, ત્યાં બે વર્ષમાં 31022 લોકોએ જીવ ગુમાવ્યા છે. જેમાંથી 2022માં હવાઈ હુમલામાં 460 લોકો માર્યા ગયા હતા. હવાઈ હુમલામાં માર્યા ગયેલા મોટાભાગના નાના બાળકો છે. યુએન અનુસાર હવાઈ હુમલાના કારણે 11 લાખ લોકોને તેમના ઘર છોડવાની ફરજ પડી છે.

મ્યાનમારના મીડિયા પોર્ટલ ધ ઈરાવડીના જણાવ્યા અનુસાર 40 વર્ષ પછી ગત વર્ષે જુલાઈમાં મૃત્યુદંડની સજા અપાઈ હતી. સરકારે એક્ટિવિસ્ટ જીમી નેશનલ લીગ ફોર ડેમોક્રેસીના લૉમેકર ફ્યો જેયા થા અને અન્ય બેને ફાંસી આપી હતી. એક અંદાજ મુજબ મ્યાનમારની સેનાએ એક વર્ષમાં લગભગ 100 લોકોને મોતની સજા આપી છે.

ચીન અને રશિયન ફાઇટર જેટથી હુમલા
તાજેતરમાં, યુએનએ તેના એક અહેવાલમાં ખુલાસો કર્યો હતો કે મ્યાનમાર તેના પોતાના લોકોને મારવા માટે ઝડપથી હથિયારોનો સ્ટોક વધારી રહ્યું છે. પ્રતિબંધોને કારણે મ્યાનમાર અન્ય દેશો પાસેથી શસ્ત્રો ખરીદી શકતું નથી. જેના કારણે તે પોતાના હથિયાર બનાવી રહ્યું છે.

આ કામમાં ભારત, અમેરિકા અને જાપાન સહિત 13 દેશોની કંપનીઓ મ્યાનમારને મદદ કરી રહી છે. તો બીબીસીના અહેવાલમાં ખુલાસો થયો છે કે મ્યાનમાર લોકો પર હવાઈ હુમલા કરવા માટે જે વિમાનોનો ઉપયોગ કરી રહ્યું છે તે રશિયા અને ચીનના છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post