• Home
  • News
  • કેનેડાના બદહાલ કેર હોમ્સમાં 6500 મોત, વડાપ્રધાને કહ્યું- હું પરેશાન થઇ ગયો છું
post

અમેરિકા બાદ હવે કેનેડા, મેક્સિકોમાં સ્થિતિ બદતર થઇ રહી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-29 09:13:06

ટોરન્ટો: કેનેડામાં કોરોનાથી 80 ટકા એટલે કે 6,500 મોત કેર હોમ્સમાં થયાં છે. ઓન્ટારિયો પ્રાંતના વહીવટીતંત્રએ તેના રિપોર્ટમાં આ દાવો કર્યો છે. ઓન્ટારિયોના પ્રમુખ ડગ ફોર્ડે આ રિપોર્ટ જારી કર્યો છે, જેમાં જણાવાયું છે કે જે કેર હોમ્સમાં આ મોત થયાં છે ત્યાં બહુ ગંદકી હતી. વૃદ્ધો ઘણાં અઠવાડિયાંથી નાહી પણ નહોતા શક્યા. તેમને ભોજન પણ નહોતું મળતું. તેમના બેડ ગંદા પડ્યા હતા. આ વૃદ્ધો ઘણી વાર જીવ બચાવવા માટે પોકાર કરતા સંભળાયા હતા પણ તેમની મદદ માટે કોઇ ન પહોંચ્યું. સૌથી ખરાબ હાલત ઓન્ટારિયો અને ક્યૂબેક પ્રાંતોના કેર હોમ્સની છે. ત્યાં સ્થિતિ સંભાળવા સૈન્ય તહેનાત કરી દેવાયું છે. વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોએ કહ્યું કે સ્થિતિ જાણીને તેઓ પરેશાન થઇ રહ્યા છે. કેનેડામાં 86,647 કેસ સામે આવ્યા છે. ઓન્ટારિયોના વહીવટીતંત્રના રિપોર્ટ મુજબ અહીં 8,125 મોત થયાં છે. 


મેક્સિકો: પહેલી વાર એક દિવસમાં 500થી વધુ મોત
મેક્સિકોમાં પહેલી વાર કોરોનાથી એક જ દિવસમાં થયેલાં મોતનો આંકડો 500ને પાર પહોંચ્યો છે. અહીં વધુ 501 મોત થયાં છે. ઉત્તર અમેરિકાના દેશોમાં અમેરિકા અને કેનેડા બાદ હવે મેક્સિકો સૌથી વધુ સંક્રમિત દેશ છે. અહીં એક દિવસમાં સૌથી વધુ 3,455 લોકો સંક્રમિત પણ થયા છે. દેશમાં અત્યાર સુધીમાં 74,560 કેસ નોંધાયા છે. 8,134 મોત થયાં છે. દરમિયાન, સ્વાસ્થ્ય અધિકારીઓએ સારી પીપીઇ કિટની માગ સાથે મેક્સિકો સિટીમાં દેખાવ કર્યા. મેક્સિકોની વસતી 12.5 કરોડ છે અને અત્યાર સુધીમાં 2.30 લાખ ટેસ્ટ કરાયા છે.


અમેરિકા: 62,344 સ્વાસ્થ્યકર્મી સંક્રમિત, 291નાં મોત થયાં છે
અમેરિકાની ટોચની હેલ્થ એજન્સી CDCએ કહ્યું કે દેશમાં 62,344 સ્વાસ્થ્યકર્મી કોરોના સંક્રમિત જણાયા છે, જેમાંથી 291નાં મોત થઇ ચૂક્યાં છે. નિષ્ણાતોનું કહેવું છે કે આંકડો વધુ હોઇ શકે છે, કેમ કે આમાં નોકરી છોડી ચૂકેલા સ્વાસ્થ્યકર્મીઓની માહિતી સામેલ નથી. અમેરિકામાં અત્યાર સુધીમાં 17,27,992 કેસ નોંધાયા છે અને 1,00,629 મોત થયાં છે. 


બ્રાઝિલ: 3 દિવસથી સૌથી વધુ મોત, 24 કલાકમાં 1,027 મોત થયાં
ત્રણ દિવસથી વિશ્વમાં કોરોનાથી સૌથી વધુ મોત બ્રાઝિલમાં થયાં છે. ત્યાં 24 કલાકમાં 1,027 મોત થયાં છે. બ્રાઝિલમાં અત્યાર સુધીમાં 3,94,507 કેસ સામે આવ્યા છે અને 24,593 મોત થયાં છે. WHOના અમેરિકી ઝોનના ડાયરેક્ટર કેરિસા ઇટિને કહ્યું કે આ સમય લૉકડાઉનમાં છૂટછાટ આપવાનો નથી. ઓગસ્ટ સુધીમાં બ્રાઝિલમાં સ્થિતિ વધુ ખરાબ થઇ શકે છે. 

adv

Related News

post
post
post
post
post
post
post