• Home
  • News
  • એક વર્ષમાં 97000 ભારતીયોએ અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો, USAનો ખુલાસો
post

ગેરકાયદે ઘૂસણખોરી મામલે ભારતીયોની ટીકા, અમેરિકામાં ભારતીયો 50 લાખ વસતી

Written By newsonline | Ahmedabad | Published: 2023-11-13 17:55:39

એક અંદાજ પ્રમાણે અત્યારે દુનિયામાં સાડા ત્રણ કરોડ ભારતીયો વિદેશમાં રહે છે. એમાંથી ૫૦ લાખ તો એકલા અમેરિકા (America)માં વસ્યા છે. યુએઈમાં પણ ૩૫ લાખ ભારતીયો રહે છે અને સાઉદીમાં ૨૫ લાખ ભારતીય મૂળના લોકો વસે છે. પંદરેક લાખ બ્રિટનમાં, સાતેક લાખ કેનેડામાં સેટ થયા છે. જર્મની, ન્યૂઝીલેન્ડ, ઈટાલી, ફ્રાન્સ જેવા દેશોમાં પણ બબ્બે-ત્રણ-ત્રણ લાખ ભારતીયો રહે છે. તે એટલે સુધી કે જે ચીન સાથે દાયકાઓથી ઘર્ષણ ચાલે છે એ ચીનમાં પણ ૫૦-૬૦ હજા૨ ભારતીય મૂળના નાગરિકોએ ઘર બનાવ્યાં છે. ભારતમાં જન્મેલા હોય અને વિદેશમાં સ્થાઈ થયા હોય તે અને ભારતીય મૂળના વિદેશમાં રહેતા હોય તે - એમ બે કેટેગરીમાં ઈન્ડિયન ડાયસ્પોરાની ગણતરી કરવામાં આવે છે.

છેલ્લાં થોડાં વર્ષોથી ભારતીયોની ઘૂસણખોરીનું પ્રમાણ પાંચ ગણું વધ્યું

અમેરિકન કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શનના તાજેતરના ડેટા પ્રમાણે છેલ્લાં એક જ વર્ષમાં ૯૭ હજાર ભારતીયોએ અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. સૌથી વધુ ૪૧ હજાર ભારતીય નાગરિકોએ મેક્સિકો- અમેરિકાની બોર્ડરેથી ઘૂસણખોરીનો પ્રયાસ કર્યો હતો. ૩૦ હજારથી વધુ ભારતીય નાગરિકોએ કેનેડાની હદમાંથી અમેરિકામાં ઘૂસવાની કોશિશ કરી હતી. ડેટા પ્રમાણે છેલ્લાં થોડાં વર્ષોથી ભારતીયોની ઘૂસણખોરીનું પ્રમાણ પાંચ ગણું વધી ગયું છે. 

૨૦૧૯-૨૦ના વર્ષમાં ૧૯,૮૮૩ ભારતીયો ગેરકાયદે ઘૂસણખોરીમાં પકડાયા હતા

૨૦૧૯-૨૦ના વર્ષમાં ૧૯,૮૮૩ ભારતીયો ગેરકાયદે ઘૂસણખોરીમાં પકડાયા હતા. ૨૦૨૦માં જ્યારે કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો ત્યારે ૨૧ લાખ ભારતીય નાગરિકોએ અમેરિકાની સરહદ પાર કરીને ઘૂસવાની કોશિશ કરી હતી અને પકડાઈ જતાં ભારત મોકલી દેવાયા હતા. ત્યારે વિમાની સેવા તો મહિનાઓ સુધી બંધ રહી હતી એટલે બોર્ડર સિક્યુરિટીના અધિકારીઓ એ એવો અંદાજ બાંધ્યો હતો કે દક્ષિણ અમેરિકાના દેશોમાં જે ભારતીય નાગરિકો ઘૂસવાની લાઈનમાં હતા તેમને એજન્ટોએ કોરોના વખતે એક સાથે ઘૂસાડવાની કોશિશ કરી હશે. અમેરિકામાં પણ કોરોનાનો હાહાકાર મચ્યો હતો એટલે સમગ્ર ધ્યાન એ તરફ હતું. એટલે મોટી સંખ્યામાં ઘૂસણખોરીના પ્રયાસો થયા હોવા જોઈએ.

૨૦૨૧માં આ આંકડો ૬૧,૯૨૭ થયો હતો. એમાંથી ૨૭ હજાર નાગરિકોએ કેનેડાની હદમાંથી અમેરિકામાં ઘૂસવાની કોશિશ કરી હતી ને ૧૭ હજારે મેક્સિકોની બોર્ડર પસંદ કરી હતી. ૨૦૨૨-૨૩ના વર્ષમાં વધારો થયો હતો અને ઘૂસણખોરીનો આંકડો એક લાખની નજીક પહોંચ્યો હતો. ઘૂસણખોરીને અમેરિકન એજન્સીએ ચાર કેટેગરીમાં વહેચી હતી. બાળકો, પરિવારો, એકલા વ્યક્તિઓ અને પરિવારથી અલગ પડીને ઘૂસતા એકલ-દોકલ ગ્રુપ. એમાંથી એકલા ઘૂસતા ભારતીયોની સંખ્યા ૮૪ હજા૨ છે ને એ લોકો ૨૨થી ૩૮ સુધીના વયજૂથના છે.

ભારતીયોની ઘૂસણખોરી બાબતે અમેરિકામાં ભારે ટીકા

ભારતીયોની ઘૂસણખોરી બાબતે અમેરિકામાં ભારે ટીકા થાય છે. અમેરિકન સાંસદોથી લઈને મિડીયા, થિંક ટેન્ક વગેરે ઘૂસણખોરીના મુદ્દે ભારતને ઘણું સંભળાવી જાય છે. ઘૂસણખોરીના કારણે તેમને ભારતની ધાર્મિક-રાજકીય-આર્થિક પરિસ્થિતિ વિશે બોલવાની તક મળી જાય છે. રિપબ્લિકન પાર્ટીના સાંસદ જેમ્સ લેન્ડફોર્ડે કટાક્ષ કર્યો હતો કે ભારતીયોને ભારતમાં રહેવું હવે સલામત લાગતું નથી અને નોકરીઓનો અભાવ હોવાથી એ અમેરિકામાં ઘૂસણખોરી કરી રહ્યાં છે. ડોનાલ્ડ ટ્રમ્પની પાર્ટીના આ સાંસદે કહ્યું હતું કે ગયા વર્ષે ૪૫ હજા૨ ભારતીયો અમેરિકાની દક્ષિણ સરહદ પાર કરીને દેશમાં ઘૂસી ચૂક્યા છે. તેનો નજર અર્થ એવો થતો હતો કે આટલા ભારતીયો બોર્ડર સિક્યોરિટીની ચૂકવીને અમેરિકામાં આવી ચૂક્યા છે. આ સાંસદે એવુંય કહ્યું હતું કે આવા ભારતીયોના કારણે અરાજકતા સર્જાય છે અને કેટલાય અમેરિકોને નોકરી મળતી નથી. યાદ રહે, ટ્રમ્પે ૨૦૧૬ની ચૂંટણીમાં જે મહત્ત્વના મુદ્દા ઉઠાવ્યા હતા એમાં ભારતીયોની ઘૂસણખોરીનો મુદ્દો બહુ જ અગત્યનો હતો. હવે રિપબ્લિન પાર્ટીનું વલણ પણ એ બાબતે બહુ જ આક્રમક થતું જાય છે.

ભારતીયની ઘૂસણખોરી મામલે અમેરિકી મીડિયાના ભારત પર ગંભીર આક્ષેપ

અમેરિકન મિડીયાએ પણ ભારતીયોના આ વલણની ઝાટકણી કાઢી હતી. ઘૂસણખોરીના આંકડાંને ટાંકીને વારંવાર અમેરિકન મિડીયા કહે છે કે ભારતમાં ધાર્મિક ભેદભાવ વધ્યો છે એટલે યુવાનો દેશ છોડવા ઉતાવળા બન્યા છે. રાજકારણની સ્થિતિ બદલાઈ છે અને આર્થિક તકો ઘટી ગઈ છે. નોકરીઓ મળતી નથી, બેરોજગારીનો દર ખૂબ ઊંચો છે તેથી મોટા પ્રમાણમાં ભારતીયો અમેરિકામાં આવવા માગે છે. અમેરિકા ઉપરાંત બ્રિટન સહિત યુરોપના દેશોમાં પણ હજારો ભારતીયો ઘૂસણખોરીનો પ્રયાસ કરે છે. ભારતીય નાગરિકોની, ખાસ તો યુવાનોની ઘૂસણખોરીનો પ્રશ્ન વિકટ બનતો જાય છે અને એ ચિંતાનો વિષય પણ છે વિવિધ યોજનાઓ વચ્ચે એક કેમ્પેઈન આ સંદર્ભમાં પણ ચલાવવા જેવું છે.