• Home
  • News
  • તુર્કી અને ગ્રીસમાં પાયમાલી:તુર્કીમાં 7ની તીવ્રતાનો ભૂકંપ, 6નાં મોત; આંચકા બાદ ઈઝમિર શહેરમાં ઘૂસ્યાં દરિયાના પાણી
post

અહીં 6 લોકોએ જીવ ગુમાવ્યાં છે અને 202 લોકો ઈજાગ્રસ્ત થયા છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-10-31 10:48:32

તુર્કી અને ગ્રીસમાં શુક્રવારે સાંજે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. ભૂકંપની તિવ્રતા 7 રિક્ટર સ્કેલ નોંધાઈ છે. તુર્કીમાં વધુ નુકસાન થયું હોવાની માહિતી સામે આવી રહી છે. અહીં 6 લોકોએ જીવ ગુમાવ્યાં છે અને 202 લોકો ઈજાગ્રસ્ત થયા છે. તુર્કીમાં અનેક ઈમારતો ધરાથાયી થઈ ગઈ છે. ગ્રીસમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે જેના પગલે લોકોમાં ભય જોવા મળતા ઘરની બહાર દોડી આવ્યા હતા.

તુર્કીનું ઇઝમિર પ્રાંત એક્ટિવ ફોલ્ટ લાઈન પર છે. પ્રમુખ ઉત્તરી અનાતોલિયન ફોલ્ટ લાઈનના કારણે 1999માં ઈસ્તાંબુલની પાસે ઘણો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. જેમાં 17,000થી વધુ લોકોના મોત નિપજ્યા હતા.ઈસ્તાબુંલ (1.55 કરોડ) અને અંકારા (57 લાખ) પછી વસ્તીની દ્રષ્ટીએ ઈઝમિર તુર્કીનું ત્રીજું સૌથી મોટું શહેર છે. અહીની જનસંખ્યા લગભગ 43 લાખ છે.

તુર્કીના ડીઝાસ્ટર મેનેજમેન્ટે જણાવ્યું કે માત્ર બારાકલી જિલ્લામાં ઓછામાં ઓછી 10 બિલ્ડિંગ પડી ગઈ છે. લોકલ મીડિયામાં ચાલી રહેલા અનેક વીડિયોમાં પત્તાના મહેલની જેમ ઈમારત ધ્વસ્ત થતા દેખાડવામાં આવી છે. અનેક એપાર્ટમેન્ટની દીવાલોમાં પણ મોટી મોટી તિરાડો પણ પડી ગઈ છે.ભૂકંપ બાદ દરિયાનું જળસ્તર વધી ગયું અને તુર્કીના ઇઝમિર શહેરમાં દરિયાના પાણી ઘૂસી ગયા હતા. કેટલાંક લોકોએ તે અંગેનો વીડિયો પણ શેર કર્યો છે.

તુર્કીના રાષ્ટ્રપતિએ કહ્યું- મદદ માટે તૈયાર છું
તુર્કીના રાષ્ટ્રપતિ રજબ તૈયબ અર્દોઆને ટ્વિટ કર્યું છે કે તેઓ સરકાર પાસે ઉપલબ્ધ સંશાધનો સાથે લોકોને મદદ માટે તૈયાર છે. બીજી બાજુ તુર્કીના સ્વાસ્થ્ય મંત્રી ફહાર્તીન કોકાએ ટ્વિટ પર ભૂકંપથી મૃત્યુની પુ્ષ્ટી કરી છે. તેમણે લખ્યુ છે કે ઈજમિરમાં લોકો બચવા માટે ઘરોમાંથી ભાગી માર્ગો પર આવી ગયા હતા. અહીં ઓછામાં ઓછી 20 ઈમારત તૂટી પડી છે.

ઈઝમિરના ગવર્નર યાવુઝ સેલિમ કોસગરે કહ્યું કે, અત્યાર સુધી કાટમાળમાંથી 70 લોકોને બચાવવામાં આવ્યા છે. અનાડોલુ ન્યૂઝ એજન્સી મુજબ રક્ષા મંત્રાલયે ભૂકંપને લઈને એક ક્રાઈસિસ ડેસ્ક બનાવ્યું છે. બે મિલિટ્રી હેલિકોપ્ટર સર્ચ અને રેસ્ક્યૂમાં કાર્યરત છે.

અલગ-અલગ રહી ભૂકંપની તીવ્રતા

·         તુર્કીના હોનારત અને ઈમર્જન્સી બાબતના વડાએ કહ્યું છે કે ભૂકંપનું કેન્દ્ર એજિયન સાગરમાં 16.5 કિલોમીટર ઉંડાઈ પર હતું.

·         યુરોપિયન-મેડિટેરિયન સીસ્મોલોજીકલ સેન્ટરે કહ્યું છે કે ભૂકંપની તીવ્રતા 6.9 હતી. તેનું કેન્દ્ર સમોસના ગ્રીક આઈસલેન્ડથી 13 કિલોમીટર ઉત્તર-પૂર્વમાં હતું.

·         યુનાઈટેડ સ્ટેટ્સ જીયોલોજીકલ સરવેના જણાવ્યા પ્રમાણે ભૂકંપની તીવ્રતા 7 હતી.

·         1999માં ભૂકંપથી 17,000 લોકોના મોત નિપજ્યા હતા

·         જાન્યુઆરીમાં તુર્કીના સિવ્રીસમાં ભૂકંપ આવવાથી 30થી વધુ લોકોના મોત નિપજ્યા હતા અને 1600થી વધુ લોકો ઘાયલ થયા હતા. તુર્કીના ઈઝમિત શહેરમાં વર્ષ 1999માં ભૂકંપથી 17,000 લોકોના મોત નિપજ્યા હતા.


પડોશી દેશોમાં પણ ભૂકંપના ઝાટકા

ભૂકંપ આવ્યો તે સમેય 15 વખત ઝાટકા અનુભવાયા હતા જેનાથી લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. ભૂકંપની ઝાટકા તુર્કીના પડોશી દેશ ઈરાક, સીરિયા અને લેબનાનમાં પણ અનુભવાયા. જો કે આ દેશમાં નુકસાનની હજુ કોઈ માહિતી નથી.

 

 

adv

Related News

post
post
post
post
post
post
post