• Home
  • News
  • AC ચેરકાર અને એક્ઝિક્યુટિવ ક્લાસનું ભાડું 25% સુધી ઘટશે:જે ટ્રેનોમાં ગત મહિને 50% સીટ ભરાઈ હતી, ત્યાં લાગુ થશે રાહત દર
post

નાગપુર-બિલાસપુર વંદે ભારતની સીટો પણ ભરાતી નથી

Written By newsonline | Ahmedabad | Published: 2023-07-08 19:33:36

રેલવે બોર્ડે એસી ચેરકાર અને તમામ ટ્રેનોના એક્ઝિક્યુટિવ ક્લાસના ભાડામાં 25% સુધીનો ઘટાડો કરવાની જાહેરાત કરી છે. આ રાહત દરો ફક્ત એ જ ટ્રેનો પર લાગુ થશે, જેમાં છેલ્લા 30 દિવસ દરમિયાન માત્ર 50% સીટો જ ભરાઈ હતી. એમાં વંદે ભારત, અનુભૂતિ અને વિસ્ટાડોમ ડબ્બાવાળી ટ્રેનો સામેલ છે.

ટ્રેનોનું ભાડું પણ કૉમ્પિટિટિવ મોડ ઓફ ટ્રાન્સપૉર્ટ પર નિર્ભર રહેશે. રેલવે મંત્રાલયે તમામ રેલવે ઝોનના ચીફ કોમર્શિયલ મેનેજર્સને એસી સીટવાળી ટ્રેનોમાં રાહત ભાડાની યોજનાઓ દાખલ કરવા માટે સત્તા આપી છે. તેઓ તેમના સંબંધિત ઝોનમાં ભાડું નક્કી કરી શકશે. આમાં અન્ય ચાર્જ, જેવા કે રિઝર્વેશન ચાર્જ, સુપરફાસ્ટ સરચાર્જ, GST વગેરે અલગથી વસૂલવામાં આવશે.

સીટ બુક કરાવનાર મુસાફરોને ભાડું રિફંડ કરવામાં આવશે નહીં
રેલવેના આદેશ મુજબ, રાહત ભાડું તરત જ લાગુ થશે, પરંતુ જે મુસાફરોએ પહેલાંથી જ સીટો બુક કરાવી છે તેમને ભાડું પરત કરવામાં આવશે નહીં. આદેશમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ યોજના રજાઓ અથવા તહેવારોની સીઝન દરમિયાન દોડતી સ્પેશિયલ ટ્રેનો પર લાગુ થશે નહીં.

જૂનમાં ભોપાલ-જબલપુર વંદે ભારત એક્સપ્રેસમાં માત્ર 29% સીટો ભરાઈ
રિપોર્ટ અનુસાર જૂન મહિનામાં ભોપાલ-જબલપુર વંદે ભારત એક્સપ્રેસમાં માત્ર 29% સીટો જ ભરાઈ હતી. જ્યારે ઈન્દોર-ભોપાલ વંદે ભારત એક્સપ્રેસમાં માત્ર 21% ઓક્યુપન્સી રહી. ભોપાલથી જબલપુર સુધીની એસી ચેરકારનું ભાડું રૂપિયા 1055 છે, જ્યારે એક્ઝિક્યુટિવ ચેરકારની ટિકિટ રૂપિયા 1,880 છે. જોકે પરત ફરવાનું ભાડું અલગ છે. AC ચેર માટે એની કિંમત રૂપિયા 955 અને એક્ઝિક્યુટિવ ચેરકાર માટે રૂપિયા 1790 છે. આ સિવાય ઈન્દોરથી ભોપાલ સુધીની AC ચેરનું ભાડું રૂપિયા 810 અને એક્ઝિક્યુટિવ ચેર કારની ટિકિટ રૂપિયા 1,510 છે.

નાગપુર-બિલાસપુર વંદે ભારતની સીટો પણ ભરાતી નથી
નાગપુર-બિલાસપુર વંદે ભારત એક્સપ્રેસની માત્ર 55% સીટો જ ભરાઈ રહી છે. નાગપુર-બિલાસપુર વંદે ભારત એક્સપ્રેસનું ભાડું એક્ઝિક્યુટિવ ક્લાસ માટે રૂપિયા 2,045 છે, જ્યારે ચેરકારનું ભાડું રૂપિયા 1,075 છે.

સૌથી વધુ મુસાફરો કાસરગોડ-ત્રિવેન્દ્રમ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છે
અત્યારસુધીમાં દેશભરમાં 25 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનો દોડાવવામાં આવી છે. ટોચની ઓક્યુપન્સીવાળી વંદે ભારત ટ્રેનોમાં કાસરગોડથી ત્રિવેન્દ્રમ (183%), ત્રિવેન્દ્રમથી કાસરગોડ (176%), ગાંધીનગર - મુંબઈ સેન્ટ્રલ (134%)નો સમાવેશ થાય છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post