• Home
  • News
  • સેનિટાઇઝરનું ઇન્જેક્શન લગાવવાની સલાહ આપ્યા બાદ હવે ટ્રમ્પે કહ્યું- હું હાઇડ્રોક્સિક્લોરોક્વિન લઈ રહ્યો છું
post

મેડિકલ એક્સપર્ટે કહ્યું- આવું કરવું ટ્રમ્પના આરોગ્ય માટે જોખમી, તેમનું નિવેદન બિનજવાબદારી ભર્યું અને ગંભીર હોઇ શકે

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-20 09:06:52

ન્યૂયોર્ક: કોરોના વાઇરસથી બચાવ માટે ક્યારે મજાકમાં સેનિટાઝરનું ઇન્જેક્શન લગાવવાની સલાહ આપતા અમેરિકી પ્રમુખ ટ્રમ્પે હવે કહ્યું કે છેલ્લા 10 દિવસથી હું હાઇડ્રોક્સિક્લોરોક્વિન નામની દવા લઇ રહ્યો છું અને જુઓ હું તમારી સામે બિલકુલ સ્વસ્થ છું. 73 વર્ષના ટ્રમ્પે સોમવારે કહ્યું કે તમને એ જાણીને આશ્ચર્ય થશે કે ઘણા લોકો આ દવા લઇ રહ્યા છે. ખાસ કરીને ફ્રન્ટલાઇન વર્કર કોરોનાવાઇરસથી બચવા માટે આ દવા લઇ રહ્યા છે. હું પોતે આ દવા ઝિન્કની સાથે લઇ રહ્યો છું. 

તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે આ દવાનાં શું પોઝિટિવ પરિણામો મળ્યાં છે? તો તે તેમણે કહ્યું કે મને આ અંગે ઘણા કોલ આવ્યા છે. તે એના પુરાવા છે. ટ્રમ્પને જ્યારે પૂછવામાં આવ્યું કે શું વ્હાઇટ હાઉસના ફિઝિશિયનની સલાહથી તેમણે આ દવા લેવાનું શરૂ કર્યું છે? તો તેમણે કહ્યું કે મેં જાતે ડૉ. સીન કોનલે (પ્રમુખના અંગત ફિઝિશિયન)ને અનુરોધ કર્યો હતો.


ટ્રમ્પની આ વાત લોકો માટે ગંભીર બની શકે
તેમના આ નિવેદનથી તેમના ઘણા સાથીઓ આશ્ચર્યમાં પડી ગયા છે. સાથે જ ઘણા મેડિકલ નિષ્ણાતોએ તેમની ટીકા પણ કરી અને કહ્યું કે આવું કરવું માત્ર પ્રમુખના આરોગ્ય માટે જોખમી હશે, પણ બીજા માટે આ ઉદાહરણ આરોગ્ય સંકટ ઊભું કરી શકે છે. ક્લિવલેન્ડ ક્લિનિકમાં મિલર ફેમિલી હાર્ટ, વેસ્કુલર એન્ડ થોરેસિક ઇન્સ્ટિટ્યૂટના ચીફ એકેડેમિક ઓફિસર ડૉ. સ્ટીવન ઇનિસેને કહ્યું કે તેનાથી ગંભીર મુશ્કેલીઓ થઇ શકે છે. જ્યારે હાર્વર્ડ મેડિકલ સ્કૂલમાં મેડિસિનના પ્રોફેસર ડૉ. સ્કોટ સોલોમને કહ્યું કે ટ્રમ્પે પોતાના ડોક્ટર બાદ આ દવા લીધી છે. પરંતુ આ વાત એ લોકો માટે ગંભીર ઉદાહરણ બની શકે છે, જેઓ બિનજવાબદારી ભર્યું પગલું લઇ આવી કરે છે.


ટ્રમ્પની ડબ્લ્યુએચઓને ધમકી-30 દિવસમાં સુધારો ન થયો તો ફન્ડિંગ બંધ કરી દઈશ
ટ્રમ્પે ડબ્લ્યુએચઓને પત્ર લખી ધમકી આપી છે કે 30 દિવસમાં સંગઠનમાં સુધારો કરો નહીંતર તમને અપાતું ફન્ડિંગ કાયમી ધોરણે ફ્રીઝ કરી દેવાશે અને અમેરિકા સંગઠનનો સભ્ય બની રહેવા માટે પણ ફેરવિચારણા કરશે. ટ્રમ્પે અગાઉ પણ ડબ્લ્યુએચઓની ટીકા કરતા કહ્યું હતું કે ડબ્લ્યુએચઓ ચીન કેન્દ્રિત છે. અમેરિકા તેમને વાર્ષિક 45 કરોડ ડોલર આપે છે. 


હાઇડ્રોક્સિક્લોરોક્વિનના ઉપયોગ જોખમી
ટ્રમ્પના આ નિવેદનથી એક મહિના પહેલાં જ અમેરિકી સરકારના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (એફડીએ)એ ચેતવણી આપી હતી કે કોરોનાની સારવાર માટે હાઇડ્રોક્સિક્લોરોક્વિનનો ઉપયોગ જોખની છે. તેનો ઉપયોગ મેલેરિયામાં થાય છે, પરંતુ તે કોરોનાની સારવારમાં તેની અસરકારકતાના કોઈ પુરાવા નથી. કેટલાક  ડોક્ટરોના મતે, ડોક્ટરની સલાહ વિના તે લેવી ગંભીર હોઇ શકે છે. આ દવા હૃદય, કિડની અને લિવરને ખરાબ કરી શકે છે.