• Home
  • News
  • અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનની બેદરકારી કે ઉતાવળ: ગઈકાલે પાલડી અંડરપાસનું ઉદ્ધાટન કર્યુ, આજે 1 વીક માટે બંધ કરી દીધો
post

હવે નવી ડિઝાઈન મુજબ સર્કલ બનાવવાનું બાકી હોવાને કારણે હજી 15 દિવસ સુધી નાગરિકોને રાહ જોવી પડશે.

Written By newsonline | Ahmedabad | Published: 2024-03-05 17:34:49

અમદાવાદ: અમદાવાદના પાલડી વિસ્તારમાં જલારામ મંદિર પાસે રૂ.82 કરોડના ખર્ચે બનાવવામાં આવેલો સ્વ. ધીરુભાઈ શાહ અંડરપાસનું રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 4 માર્ચના રોજ ઉદઘાટન તો કરી દીધું, પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના લાખો રૂપિયાનો પગાર લેતા અધિકારીઓની અણઘડ આયોજનના અભાવે હજી સુધી નાગરિકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો નથી. પાલડી તરફ અંડરપાસમાંથી બહાર નીકળતાં ચાર રસ્તા આવે છે, જ્યાં ભવિષ્યમાં ટ્રાફિક થાય એવું હવે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓના ધ્યાનમાં આવતાં તેઓ દ્વારા ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. હવે નવી ડિઝાઈન મુજબ સર્કલ બનાવવાનું બાકી હોવાને કારણે હજી 15 દિવસ સુધી નાગરિકોને રાહ જોવી પડશે.

ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવશે
મ્યુનિસિપલ કોર્પોરેશનના ઉચ્ચ અધિકારીઓના જણાવ્યા મુજબ, પાલડી જલારામ મંદિર પાસેના અંડરપાસની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. જોકે અંડરપાસમાં પાલડી તરફ બહાર નીકળતા ટ્રાફિકની સમસ્યા ન સર્જાય એ માટે ડિઝાઇનમાં ફેરફાર કરવામાં આવશે. પાલડી તરફ બે મોબાઈલ ટાવર નડતા હતા, જેમાંથી એક ટાવર દૂર કરી દેવામાં આવ્યો છે. બીજો ટાવર એક બે દિવસમાં દૂર કરી દેવામાં આવશે. ત્યાર બાદ નવી ડિઝાઈન કરી સર્કલ બનાવવામાં આવશે.

કોઈપણ પ્રકારની કામગીરી બાકી નથી
મેટ્રો રેલ પ્રોજેક્ટ તરફથી જણાવવામાં આવ્યું હતું કે મેટ્રો રેલ પ્રોજેક્ટ દ્વારા અંડરપાસની તમામ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. કોઈપણ પ્રકારની કામગીરી બાકી નથી. અંડરપાસમાં ડામરનો રોડ બનાવવાની કોઈ વાત હોય તો હાલમાં એ બનાવવાની જરૂરિયાત નથી. જેથી મેટ્રો તરફથી તમામ પ્રકારની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. અંડરપાસ ચાલુ કરવો કે બંધ કરવો એ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની જવાબદારી હેઠળ આવે છે.

નાગરિકોને હજી રાહ જોવી પડશે
પાલડી અંડરપાસ બનાવવામાં આવ્યો ત્યારથી જ વિવાદ શરૂ થયો હતો. જ્યારે અંડરપાસ બનાવવા માટે પ્રોજેક્ટ મૂકવામાં આવ્યો ત્યારે સ્થાનિક રાજકારણીઓ અને લોકો દ્વારા અંડરપાસને લઈ રોડ બંધ થવા મામલે વિરોધ કરવામાં આવ્યો હતો. એ બાદ મેટ્રો પ્રોજેક્ટ રેલવે વિભાગ અને મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર ત્રણેય વચ્ચે કોણ અંડર પાસ બનાવશે એ મામલે પણ વિવાદ થયો હતો, જેના કારણે અંડરપાસની કામગીરી પાંચ વર્ષ સુધી પૂર્ણ થઈ શકી નહોતી. હવે જ્યારે અંડરપાસ બનીને તૈયાર થઈ ગયો છે ત્યારે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને ટ્રાફિકનો પ્રશ્ન યાદ આવ્યો અને હવે નવી ડિઝાઈન પ્રમાણે અંડરપાસ પાસે સર્કલ બનાવવા માટે થઈ હજી 10 દિવસનો સમય લગાવશે. મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રોજેક્ટ વિભાગ અને ઇજનેર વિભાગના બેદરકારીના કારણે નાગરિકો માટે હજી પણ અંડરપાસ શરૂ કરાશે નહીં.

સોશિયલ મીડિયા X પર કરેલી પોસ્ટ હાંસીને પાત્ર બની
મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર અને ભાજપના સત્તાધીશોએ ઉતાવળે અંડરપાસનું મુખ્યમંત્રી પાસે લોકાર્પણ કરાવી દીધું, પરંતુ નાગરિકો અંડરપાસ ચાલુ હોવા છતાં કેમ ખોલ્યો નથી અને કોર્પોરેશન અને નેતાઓ સામે રોષ ઠાલવી પરત જતા રહે છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સોશિયલ મીડિયા X પર કોર્પોરેશને પોસ્ટ કરીને મુખ્યમંત્રી દ્વારા ધીરુભાઈ શાહ અંડરપાસનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું એવી પોસ્ટ કરવામાં આવી છે, પરંતુ અંડરપાસ તો હાલમાં બંધ છે, જે હાંસીને પાત્ર બન્યો છે.







adv

Related News

post
post
post
post
post
post
post