• Home
  • News
  • એરફોર્સ ચીફ પ્રથમ C-295 ટ્રાન્સપોર્ટ પ્લેન લેવા સ્પેન પહોંચ્યા:56માંથી 16 પ્લેન રેડી ટુ ફ્લાય કંડીશનમાં આવશે, બાકીના 40 ટાટા કંપની બનાવશે
post

સપ્ટેમ્બર 2021માં ભારતે C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ માટે યુરોપિયન કંપની એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસ (ADSpace) સાથે રૂ. 21 હજાર કરોડની ડીલ પર હસ્તાક્ષર કર્યા હતા.

Written By newsonline | Ahmedabad | Published: 2023-09-12 15:18:26

ભારતને બુધવારે તેનું પ્રથમ C-295 ટેક્ટિકલ મિલિટરી એર લિફ્ટ પ્લેન મળી જશે. તેને લાવવા માટે એરફોર્સ ચીફ એર ચીફ માર્શલ વીઆર ચૌધરી સ્પેન પહોંચી ગયા છે.

C-295 સ્પેનના સેવિલે પ્લાન્ટમાં બનાવવામાં આવી રહ્યું છે. એરફોર્સમાં તેનું અંતિમ ઇન્ડક્શન આ મહિને હિંડન એરબેઝ પર થશે. બીજું એરક્રાફ્ટ મે 2024 સુધીમાં આવશે.

અહેવાલો અનુસાર, પ્રથમ C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ આગરા એરબેઝ પર તૈનાત કરવામાં આવશે. જ્યાં તેના પાઇલોટ્સ માટેનું ટ્રેનિંગ સેન્ટર પણ આવતા વર્ષ સુધીમાં તૈયાર થઇ જશે.

સપ્ટેમ્બર 2021માં ભારતે C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ માટે યુરોપિયન કંપની એરબસ ડિફેન્સ એન્ડ સ્પેસ (ADSpace) સાથે રૂ. 21 હજાર કરોડની ડીલ પર હસ્તાક્ષર કર્યા હતા.

56 વિમાનોની માંગ કરાઈ હતી. તેમાંથી 16 પ્લેન સ્પેનથી રેડી ટુ ફ્લાય કન્ડીશનમાં આવશે. બાકીના 40 વિમાનોનું ઉત્પાદન વડોદરામાં ટાટા એડવાન્સ સિસ્ટમ્સ કંપની દ્વારા ​​​​​​કરવામાં આવશે.

ભારતમાં 2024થી બનાવવાનું શરૂ થશે
ટાટા એડવાન્સ સિસ્ટમ લિ. વડોદરામાં 2024ના મધ્ય સુધીમાં C-295 એરક્રાફ્ટનું ઉત્પાદન શરૂ કરશે. હાલમાં તેની અંતિમ એસેમ્બલી લાઇનનું કામ ચાલી રહ્યું છે. પ્રથમ સ્વદેશી સી-295 એરક્રાફ્ટ 2026માં તૈયાર થઈ જશે. એરબસ અને ટાટાના હૈદરાબાદ અને નાગપુર પ્લાન્ટમાં 14,000 થી વધુ સ્વદેશી પાર્ટનું ઉત્પાદન કરવામાં આવશે અને અંતિમ એસેમ્બલિંગ માટે વડોદરા મોકલવામાં આવશે. કંપની 2031 સુધીમાં તમામ 40 એરક્રાફ્ટ એરફોર્સને સોંપશે.

નેવી અને કોસ્ટ ગાર્ડ પણ 15 પ્લેન ખરીદી શકે છે
એરફોર્સ સિવાય નેવી અને કોસ્ટ ગાર્ડ પણ 15-16 પ્લેન ખરીદી શકે છે. હાલ આ અંગે વાતચીત ચાલી રહી છે. દરિયાકાંઠાની દેખરેખ અને પેટ્રોલિંગ માટે નેવી માટે 10 પ્લેન તૈયાર કરવામાં આવશે. તમજ કોસ્ટ ગાર્ડ 6 એરક્રાફ્ટ દ્વારા સર્વેલન્સ અને ટુકડીની મૂવમેન્ટ પણ કરશે.

આટલું જ નહીં દેશની સરહદોની રક્ષા કરનાર BSF પણ સી-295 ખરીદવાની તૈયારી કરી લીધી છે. લગભગ 3 સુરક્ષા એજન્સીઓ પણ તેને સર્વેલન્સ માટે ખરીદવા તૈયાર છે. 6 પાયલોટ અને 10 એન્જિનિયર્સની ટીમે સેવિલમાં આ પ્લેનના હેન્ડલિંગને લગતી ટ્રેનિંગ પૂરી કરી લીધી છે.

એરક્રાફ્ટ C-295ની વિશેષતાઓ

·         આ એરક્રાફ્ટ શોર્ટ ટેક-ઓફ અને લેન્ડિંગ કરી શકે છે. કંપનીના જણાવ્યા અનુસાર આ એરક્રાફ્ટ માત્ર 320 મીટરના અંતરે જ ટેક-ઓફ કરી શકે છે. તેમજ 670 મીટરની લંબાઈ લેન્ડિંગ માટે પૂરતી છે. તેનો અર્થ એ છે કે તે લદ્દાખ, કાશ્મીર, આસામ અને સિક્કિમ જેવા પર્વતીય વિસ્તારોમાં એરક્રાફ્ટ ઓપરેશનમાં મદદરૂપ થશે.

·         એરક્રાફ્ટ 7,050 કિલોગ્રામ પેલોડ લઈ શકે છે. તે એક સમયે 71 સૈનિકો, 44 પેરાટ્રૂપર્સ, 24 સ્ટ્રેચર અથવા 5 કાર્ગો પેલેટ લઈ જઈ શકે છે.

·         11 કલાક સુધી સતત ઉડી શકે છે. 2-વ્યક્તિ ક્રૂ કેબિનમાં ટચસ્ક્રીન નિયંત્રણો સાથે સ્માર્ટ કંટ્રોલ સિસ્ટમ પણ છે.

·         C-295MW ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટમાં પાછળના ભાગમાં રેમ્પ ડોર છે, જે સૈનિકો અથવા કાર્ગોને ઝડપી લોડિંગ અને ડ્રોપ કરવાની મંજૂરી આપે છે.

·         એરક્રાફ્ટ 2 Pratt & Whitney PW127 ટર્બોટ્રોપ એન્જિન દ્વારા સંચાલિત છે. આ તમામ વિમાનો સ્વદેશી બનાવટના ઈલેક્ટ્રોનિક વોરફેર સ્યુટથી સજ્જ હશે.

એરફોર્સ આને શા માટે ખરીદી રહી છે
C-295
વિમાનો ભારતીય એરફોર્સમાં એવરો એરક્રાફ્ટનું સ્થાન લેશે. વાસ્તવમાં, એરફોર્સ પાસે 60 વર્ષ પહેલા ખરીદેલા 56 એવરો ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ છે. ઘણા વર્ષોથી તેમને બદલવાની માંગ થઈ રહી હતી. મે 2013માં કંપનીઓને રિક્વેસ્ટ ફોર પ્રપોઝલ (RFP) મોકલવામાં આવી હતી. મે 2015માં ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ (DAC) એ ટાટા ગ્રુપ અને એરબસના C-295 એરક્રાફ્ટ માટેના ટેન્ડરને મંજૂરી આપી હતી.

એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે દેશમાં 40 પ્લેન બનાવીને લગભગ 15 હજાર હાઈ સ્કિલ્ડ જોબ ક્રિએટ થશે. આ સાથે 10 હજાર લોકોને ઈનડાયરેક્ટ રોજગાર મળશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post