• Home
  • News
  • અમેરિકા ફરી પરમાણુ બોમ્બ બનાવવામાં વ્યસ્ત, બે લાખ એકરમાં 30 વર્ષથી બંધ પડેલી ફેક્ટરીમાં ઉત્પાદન થશે, રૂ. 70 હજાર કરોડનો ખર્ચ
post

પરમાણુ હથિયાર બનાવતી અમેરિકન સંસ્થાએ કહ્યું- હાલના હથિયારો આઉટડેટેડ, તે બદલીશું

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-10 12:01:13

વોશિંગ્ટન: રશિયા અને ચીનના વધતા ખતરાને જોતા અમેરિકાએ ફરી એકવાર નવા પરમાણુ બોમ્બ બનાવવાનો નિર્ણય કર્યો છે. આગામી દસ વર્ષમાં તેના ઔદ્યોગિક ઉત્પાદન પર આશરે રૂ. 70 હજાર કરોડનો ખર્ચ કરવાનો પણ પ્રસ્તાવ મૂકાયો છે. આ ઉત્પાદન દક્ષિણ કેરોલિનામાં સવાના નદીના કિનારે સ્થિત ફેક્ટરીમાં અને ન્યૂ મેક્સિકોના લોસ એલ્મોસમાં થશે.

અમેરિકા અને રશિયા વચ્ચે શીત યુદ્ધ વખતે સવાના નદીની ફેક્ટરી અમેરિકન પરમાણુ હથિયારો માટે ટ્રિટિયમ અને પ્લુટોમિયમનું ઉત્પાદન કરતી હતી. બે લાખ એકરમાં ફેલાયેલી આ ફેક્ટરીમાં હજારો લોકો કામ કરતા હતા. હવે અહીં 3 કરોડ, 70 લાખ ગેલન રેડિયોએક્ટિવ પ્રવાહી કચરો ભેગો થઈ ચૂક્યો છે. 

30 વર્ષ પછી આ જ સ્થળે ફરી પરમાણુ શસ્ત્રસરંજામ તૈયાર કરાશે. અમેરિકાની સંસ્થા ધ નેશનલ ન્યુક્લિયર સિક્યોરિટી એડમિનિસ્ટ્રેશન અહીં પરમાણુ હથિયારો બનાવે છે, જે અમેરિકન ઊર્જા વિભાગનું જ એક અંગ છે. આ સંસ્થાનું માનવું છે કે, હાલના પરમાણુ હથિયારો આઉટડેટેડ થઈ ચૂક્યા છે અને તેને બદલવાની જરૂરિયાત છે. તેમાં કોઈ મુશ્કેલી નહીં સર્જાય કારણ કે, નવી ટેક્નોલોજી અનેકગણી વધુ સુરક્ષિત છે. હકીકતમાં અહીંના લોકોમાં ભય છે કે, ફેક્ટરી શરૂ થઈ તો લોકો રેડિયેશનની ચપેટમાં આવી શકે છે. 

જોકે, ઓબામા સરકારના કાર્યકાળમાં અમેરિકન કોંગ્રેસ અને ખુદ પ્રમુખ ઓબામાએ અહીં પરમાણુ હથિયારોના ઉત્પાદન પર સંમતિ દર્શાવી હતી. 2018માં પ્રમુખ ટ્રમ્પે આ યોજનાને મંજૂરી આપી, જે હેઠળ દર વર્ષે કુલ 80 ખાડા તૈયાર કરાશે. તેમાં 50 દક્ષિણ કેરોલિનામાં અને 30 ન્યૂ મેક્સિકોમાં હશે. અહીં પ્લુટોનિયમના ફૂટબોલ જેવા ગોળા બનાવાશે, જે પરમાણુ હથિયારોમાં ટ્રિગરનું કામ કરે છે. 

બીજી તરફ, વૈશ્વિક સુરક્ષા નીતિના નિષ્ણાત સ્ટીફન યંગનું કહેવું છે કે, આ યોજના ખર્ચાળ જ નહીં, ખતરનાક પણ છે. ફેક્ટરી નજીક રહેતા 70 વર્ષીય પીટ લાબર્જનું કહેવું છે કે, હજુ સુધી એવું પ્રમાણ નથી મળ્યું કે, નવી ટેક્નોલોજી સુરક્ષિત હશે. જોકે, ન્યુક્લિયર સિક્યોરિટી એડમિનિસ્ટ્રેશનનું માનવું છે કે, અમેરિકા આ કામને ના રોકી શકે કારમ કે, આ કામમાં મોડું થશે તો રાષ્ટ્રીય સુરક્ષા જોખમાશે. 

અમેરિકા પાસે 7,550 પરમાણુ હથિયાર 
સ્ટૉકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટના આંકડા પ્રમાણે, અમેરિકા પાસે 7,550 પરમાણુ હથિયાર છે. અમેરિકાએ 1,750 પરમાણુ બોમ્બના મિસાઈલો અને બોમ્બ વરસાવી શકતા વિમાનો પણ તહેનાત રાખ્યા છે, જેમાંથી રશિયાને ધ્યાનમાં રાખી 150 પરમાણુ બોમ્બ યુરોપમાં તહેનાત કરાયા છે. રશિયા પાસે પણ 6,375 અને ચીન પાસે 320 પરમાણુ હથિયાર છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post