• Home
  • News
  • ચીનની ટેલિકોમ ચુંગાલમાંથી મુક્ત થવા બ્રિટને તૈયારી શરૂ કરી, પીએમ જોનસન હુવાવેના 5જી નેટવર્ક પર પ્રતિબંધ મૂકી શકે છે
post

અનેક દેશોએ હુવાવે પર તેના ટેલિકોમ ઉપકરણોની મદદથી જાસૂસીનો આરોપ લગાવ્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-11 09:17:29

લંડન: ટેલિકોમ સેક્ટરમાં ચીનની ચુંગાલમાંથી મુક્ત થવા માટે બ્રિટનને પરસેવો છૂટી રહ્યો છે. બ્રિટનના ટેલિકોમ ચીફ હાર્વર્ડ વૉટ્સન કહે છે કે જો મંત્રીઓના સમૂહના નિર્દેશ પર ચીનની 5જી નેટવર્ક સ્થાપિત કરતી કંપની હુવાવેનાં ઉપકરણો તાત્કાલિક હટાવવા પડશે તો દેશમાં બે દિવસ સુધી ટેલિફોન નેટવર્ક સંપૂર્ણપણે બંધ રહેશે.

બ્રિટનમાં 4જી, 2જી અને એટલું જ નહીં 5જીના નેટવર્કમાં જેટલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર કે ટાવર લગાવાયાં છે તેને સંપૂર્ણપણે હટાવવામાં ઓછામાં ઓછા 5થી 7 વર્ષ લાગી જશે. અહીં મનાય છે કે વડાપ્રધાન બોરિસ જોનસન હુવાવેને 5જી નેટવર્કની ટ્રાયલ માટે અપાયેલી મંજૂરી ગમે ત્યારે પાછી ખેંચી લેવાની જાહેરાત કરી શકે છે. જોનસને અધિકારીઓને નિર્દેશ આપ્યો છે કે તે હુવાવેની ભાગીદારી જલદી ઘટાડવાની યોજના તૈયાર કરે. 

હુવાવે પર આરોપ છે કે તે પોતાનાં ટેલિકોમ ઉપકરણોની મદદથી દુનિયાના અનેક દેશોમાં જાસૂસી કરે છે. આ ખતરાને જોતાં બ્રિટન ઉપરાંત અમેરિકા, જાપાન, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને તાઈવાને તેમની 5જી ટેક્નોલોજીને પોતાના દેશમાં પ્રતિબંધિત કરી છે કાં આકરા નિયમો લાગુ કરી દીધા છે. બીજી બાજુ અઠવાડિયા અગાઉ અમેરિકી ફેડરલ કમ્યુનિકેશન કમિશનના અધ્યક્ષ અજિત પાઈએ ટિ્વટર પર એ પત્ર પણ શેર કર્યો હતો જેમાં પુરાવાના આધારે હુવાવે અને ઝેડટીઈને અમેરિકાના કમ્યુનિકેશન નેટવર્ક અને રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો ગણાવાઈ હતી. 

પાઈએ કહ્યું કે એફસીસીના 62,416 કરોડ રૂપિયાના વાર્ષિક યુનિવર્સલ સર્વિસ ફંડનો ઉપયોગ આ સપ્લાયર્સ પાસેથી ઈક્વિપમેન્ટ કે સર્વિસ ખરીદવા માટે નહીં કરી શકાય. એફસીસીના કમિશનર જેફ્રી સ્ટાર્ક્સે કહ્યું કે અમેરિકાના ટેલિકોમ સેક્ટરમાં આ પ્રકારના અવિશ્વસનીય ઉપકરણો અનેક જગ્યાએ લાગેલાં છે અને એફસીસીને રિપ્લેસમેન્ટ પ્રોગ્રામ ચલાવવા કહેવાયું છે. એફસીસીએ રિપ્લેસમેન્ટ માટે 15 કરોડ રૂપિયા માગ્યા છે કે જેથી આ કાર્યક્રમને ઝડપથી લાગુ કરી શકાય.

ભારતે હુવાવેને ટ્રાયલ માટે મંજૂરી આપી છે, સ્પેક્ટ્રમની હરાજીમાં શરતો આકરી હોવી જોઈએ
ભારતે 5જી માટે હુવાવે અને ઝેડટીઈને પહેલાથી મંજૂરી આપી દીધી છે. જોકે ટેલિકોમ ઈક્વિપમેન્ટ એન્ડ સર્વિસિઝ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ડીજી આર.કે.ભટનાગર પહેલાથી જ કહી ચૂક્યા છે કે 5જી ટ્રાયલ સ્તરે કોઈ ખતરો નથી પણ જ્યારે સ્પેક્ટ્રમની હરાજી થશે અને જોગવાઈઓ નક્કી થશે તો સરકારે નિયમ આકરા કરી દેવા જોઈએ જેનાથી સુરક્ષા અંગે કોઈ સવાલ ઊભો ન થાય.