• Home
  • News
  • કિમ જોંગે અગાઉ કહ્યું હતું, મારી બહેન સેક્સ એડિક્ટ છે, હવે એ જ બહેન કિમની ગાદીવારસ બનવા તૈયાર
post

કિમ જોંગની બહેન સ્વિત્ઝરલેન્ડના અભ્યાસ દરમિયાન પોતાના છેલબટાઉ સ્વભાવના કારણે યુરોપ-અમેરિકાના માધ્યમોમાં ચર્ચાસ્પદ બની હતી

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-26 10:29:53

ઉ. કોરિયાના આપખુદ શાસક કિમ જોંગ ઉનના આરોગ્ય વિશે જાતભાતની અટકળો વચ્ચે હાલ એવું કહેવાઈ રહ્યું છે કે કિમ કોમામાં હોવાથી તેમની નાની બહેન કિમ યો જોંગ શાસનની ધૂરા સંભાળી રહી છે. માત્ર 33 વર્ષની કિમ યો જોંગ સાથે સખત અણબનાવ હોવાથી કિમ જોંગ ઉને એક વખત પોતાની બહેન વિશે અણછાજતા શબ્દો વાપર્યા હતા. જોકે છેલ્લાં કેટલાંક વર્ષોથી બંને વચ્ચે સુમેળ સર્જાયો હતો અને દરેક મહત્વની બેઠકમાં બહેન કિમ જોંગ ઉનનો પડછાયો બનીને રહેતી હતી.

બહેનના અંગત જીવનથી કિમ ખફા હતા
સ્વિત્ઝરલેન્ડમાં ભણેલી કિમ યો જોંગનો છેલબટાઉ મિજાજ અને અંગત સંબંધો યુરોપના માધ્યમોમાં ભારે ચર્ચાસ્પદ બન્યા હતા. એથી અકળાઈને એક તબક્કે કિમ જોંગ ઉને કહ્યું હતું કે, મારી બહેન સેક્સ એડિક્ટ છે. એ દેશનું સુકાન સંભાળવા માટે બિલકુલ અસમર્થ છે. જોકે કિમ યો જોંગ અભ્યાસ પૂર્ણ કર્યા પછી ઉત્તર કોરિયા પરત ફરી ત્યારે કિમ જોંગની નારાજગી છતાં તેના શાસક પિતા કિમ જોંગ ઈલે દીકરીને પક્ષના સંગઠન માળખામાં મહત્વનો હોદ્દો આપ્યો હતો. પિતાના અવસાન પછી કિમ જોંગ ગાદીવારસ બન્યા ત્યાં સુધીમાં ભાઈ-બહેન વચ્ચે સુલેહભર્યા સંબંધો બંધાઈ ગયા હતા.

 

વ્યભિચાર એ સમગ્ર ખાનદાનની પ્રકૃતિ છે
કિમ જોંગ ઈલના પિતા કિમ સુંગને ઉત્તર કોરિયામાં ક્રાંતિના પ્રણેતા માનવામાં આવે છે. હાલ એમની ત્રીજી પેઢી તરીકે કિમ જોંગ ઉન ઉત્તર કોરિયાના સુપ્રીમ લીડર છે. 'કોરિયાઝ ટ્વેન્ટિએથ સેન્ચુરી ઓડિસી' નામના પુસ્તકમાં લેખક મિશેલ રોબિન્સને કરેલ દાવા મુજબ, કિમ સુંગ સ્ત્રીસંગના શોખીન ગણાતા હતા અને તેમના હરમમાં કોરિયા, જાપાન ઉપરાંત આરબ અને આફ્રિકન સ્ત્રીઓ પણ રહેતી હતી. કિમ સુંગની બીજી પત્નીનું મૃત્યુ પણ રહસ્યમય સંજોગોમાં થયું હતું. કિમ સુંગ પછી સત્તાવારસ બનેલા તેમના પુત્ર કિમ જોંગ ઈલ સત્તાવાર રીતે બે પત્ની અને ચાર ઉપપત્ની ધરાવતા હતા. ઉપપત્નીઓથી તેમને સંતાનો પણ થયા છે. કિમ જોંગના પુત્ર અને હાલના સુપ્રીમ કમાન્ડર કિમ જોંગ ઉન પણ વ્યભિચારના મામલા પોતાના પિતા અને દાદાથી ઓછા ઉતરે એવા નથી. મોટાભાગે પરિવારના પુરુષોના વ્યભિચારના કિસ્સા ચર્ચાસ્પદ બન્યા છે. પરંતુ કિમ યો જોંગ પરિવારની પહેલી દીકરી છે જેની સેક્સ લાઈફ યુરોપ, અમેરિકાના માધ્યમોમાં ચર્ચાસ્પદ બની હતી.

હવે કિમ યો જોંગનું ઈમેજ મેકઓવર
ભાઈ સાથે સુલેહ કર્યા પછી સત્તાના મુખ્ય વર્તુળમાં પ્રવેશી ચૂકેલી કિમ યો જોંગે બહુ ઝડપભેર પોતાની છેલબટાઉ યુવતી તરીકેની છબી બદલીને હવે ટેક્નોક્રેટ, દૂરંદેશી ધરાવતી મક્કમ મહિલા તરીકેની છાપ ઉપસાવવા માંડી હતી. હવે તે આધુનિક કોરિયન મહિલાનું પ્રતીક ગણાય છે. કમ્પ્યૂટર એન્જિનિયરિંગ ભણેલી કિમ યો જોંગ શાસનમાં ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરવાની આગ્રહી છે. જોકે સ્ત્રી સશક્તિકરણ સંદર્ભે તેણે હજુ સુધી ક્યારેય ભાઈ કિમ જોંગ ઉનના નકારાત્મક પગલાંનો વિરોધ કર્યો નથી. પરંતુ ઉત્તર કોરિયામાં સત્તા એક જ પરિવારને વરેલી છે અને તેના લોખંડી શાસન હેઠળ અનેક કડવા સત્યો કદી ઉજાગર નથી થતાં.