• Home
  • News
  • અમેરિકાએ 9/11 આતંકી હુમલા બાદ દુનિયાભરમાં જેટલાં યુદ્ધ લડ્યાં, તેના લીધે 3.70 કરોડ લોકોએ બેઘર થવું પડ્યું
post

અમેરિકામાં આતંકી હુમલાની કાલે 19મી વરસી, બ્રાઉન યુનિવર્સિટીનો વૉર પ્રોજેક્ટ રિપોર્ટ જારી

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-10 09:44:33

અમેરિકાએ 9-11ના હુમલા બાદ દુનિયાભરમાં જેટલાં યુદ્ધ લડ્યાં તેનાથી આશરે 3.70 કરોડ લોકોએ બેઘર(વિસ્થાપિત) થવું પડ્યું. બ્રાઉન યુનિવર્સિટીના કોસ્ટ ઓફ વૉર પ્રોજેક્ટના તાજેતરના રિપોર્ટમાં આ દાવો કરાયો હતો. આ રિપોર્ટમાં 11 સપ્ટેમ્બર 2001થી અત્યાર સુધીના યુદ્ધ પ્રભાવિતોના આંકડા અપાયા છે. બીજા વિશ્વયુદ્ધને છોડી દઈએ તો આ આંકડો 1900 બાદ કોઈ પણ સંઘર્ષમાં થયેલા વિસ્થાપિતોમાં સૌથી વધુ છે.

રિપોર્ટ ત્યારે પ્રકાશિત કરાયો હતો જ્યારે અમેરિકા આતંકવાદ વિરુદ્ધ યુદ્ધની શરૂઆત કરવાનાં 19 વર્ષ પૂરાં કરવા જઈ રહ્યું છે. અમેરિકાએ 7 ઓક્ટોબર 2001ના રોજ અફઘાનિસ્તાનમાં આતંકવાદ વિરુદ્ધ લડાઈ શરૂ કરી હતી. રિપોર્ટમાં અફઘાનિસ્તાન, ઈરાક, પાકિસ્તાન, યમન, સોમાલિયા, ફિલિપાઈન્સ, લિબિયા અને સીરિયાથી વિસ્થાપિત થયેલા લોકોની સંખ્યા જણાવાઈ હતી. આંકડો 5થી 6 કરોડનો હોઈ શકે છે કેમ કે તેમાં નાના અભિયાનવાળા દેશોમાં વિસ્થાપિત થયેલા લોકો સામેલ નથી. આ દેશ બુર્કિના ફાસો, કેમરુન, સેન્ટ્રલ આફ્રિકન રિપબ્લિક, ચાડ, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કાંગો, માલી, નાઈજર છે.

રિપોર્ટના મુખ્ય લેખક અને અમેરિકી યુનિવર્સિટીના પ્રોફેસર ડેવિડ વાઈન અનુસાર વિસ્થાપન નુકસાનનો એક મોટો હિસ્સો રહ્યો છે. તેની સાથે જ યુદ્ધને લીધે અનેક લોકો મૃત્યુ પણ પામ્યા. રિપોર્ટ મુજબ લોકોએ હવાઈ બોમ્બમારા, ડ્રોન હુમલા જેવા કારણોસર પોતાના ઘર છોડી દીધાં. અનેક દેશોમાં લડાઈ આશરે બે દાયકાથી ચાલી રહી છે. તેનાથી લોકોની નોકરીઓ અને વ્યવસાય સંપૂર્ણપણે ખતમ થઈ ગયા છે.

ટ્રમ્પના શાસન હેઠળ યુદ્ધ વિસ્થાપિતોને અમેરિકામાં સૌથી ઓછી શરણ મળી
અમેરિકાએ શરણાર્થીઓને સ્થાન આપ્યું છે. વિયેતનામની લડાઈ બાદ આશરે 10 લાખ લોકોને સાઉથ કેલિફોર્નિયાના કેમ્પમાં રખાયા છે. જોકે તાજેતરનાં વર્ષોમાં શરણાર્થીઓનું આગમન ઓછું થઈ ગયું છે. ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા બાદ શરણાર્થીઓની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો છે. જાન્યુઆરી 2017થી 2,955 ઈરાકી અને 2,705 સોમાલિયન નાગરિકો અહીં આવ્યા છે. જે બરાક ઓબામાના કાર્યકાળથી આશરે 90-95% ઓછા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post