• Home
  • News
  • 60 વર્ષમાં પહેલી વાર એશિયાનો જીડીપી ગ્રોથ 0% રહી શકે : IMF
post

અર્થતંત્રે ફરી પાટે ચઢાવવા ભારતે વધારાના 10 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવાની જરૂર: : સુબ્રમણ્યન

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-17 09:19:36

નવી દિલ્હી: કોરોના વાઈરસની મહામારીના કારણે ચાલુ વર્ષે એશિયાનો આર્થિક વિકાસદર શૂન્ય રહી શકે છે. જો એવું થશે તો આ છેલ્લાં 60 વર્ષનું સૌથી ખરાબ પ્રદર્શન હશે. ઈન્ટરનેશનલ મોનિટરી ફંડ(આઈએમએફ)એ આ આશંકા વ્યક્ત કરી હતી. સાથે એમ પણ કહ્યું કે ગતિવિધિઓના સંદર્ભમાં અન્ય ક્ષેત્રોની તુલનાએ એશિયા હાલ પણ શ્રેષ્ઠ સ્થિતિમાં છે. તેમ છતાં આ મહામારીની એશિયા-પેસિફિક ક્ષેત્ર પર ગંભીર અને અનપેક્ષિત અસર થશે.


આઈએમએફનો આ અંદાજ ‘કોવિડ-19 મહામારી અને એશિયા-પેસિફિક ક્ષેત્ર
1960ના દાયકા પછીનો સૌથી ઓછી વૃદ્ધ’ શીર્ષક હેઠળના એક બ્લોગમાં રજૂ કરાયો છે. તે અનુસાર એશિયાનો આર્થિક વિકાસદર વૈશ્વિક નાણાકીય સંકટ દરમિયાન 4.7 ટકા અને એશિયાઈ નાણાકીય સંકટ  દરમિયાન 1.3 ટકા હતો. શૂન્ય વિકાસદર આશરે 60 વર્ષની સૌથી ખરાબ સ્થિતિ હશે. જોકે હાલ પણ એશિયા ક્ષેત્ર અન્ય ક્ષેત્રોની તુલનાએ શ્રેષ્ઠ કરી શકે છે. 


આઈએમએફના વડા ક્રિસ્ટાલિના જોર્જિવાએ કહ્યું કે કોરોના વાઈરસને લીધે સભ્ય દેશો ભારે મદદની માગ કરી રહ્યા છે. 189 સભ્ય દેશો પૈકી 102 દેશ અત્યાર સુધી મદદ માગી ચૂક્યા છે. અમે સંકટગ્રસ્ત દેશોની માગ પૂરી કરવા લોન પેટે એક લાખ કરોડ ડૉલર(76 લાખ કરોડ રૂપિયા)ની નાણાકીય મદદ કરવા પ્રતિબદ્ધ છીએ.


વૈશ્વિક જીડીપી 3 ટકા ઘટી શકે 
આઈએમએફ પ્રમુખે કહ્યું કે આ એવું સંકટ છે જે પહેલાં ક્યારેય જોવા મળ્યું નથી. આ મહામારીને કારણે વૈશ્વિક અર્થતંત્ર 1930ના દાયકાની મહામંદી બાદથી સૌથી મોટા સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. વૈશ્વિક જીડીપી પણ 3 ટકા ઘટી શકે છે. 


ચીનનો વિકાસદર 1.2 ટકા થઈ જવાની આશંકા
આઈએમએફ અનુસાર એશિયાના બે મોટા વેપાર ભાગીદાર અમેરિકા અને યુરોપના વિકાસદરમાં ક્રમશ: 6 ટકા અને 6.6 ટકાના ઘટાડાનો અંદાજ છે. જોકે ચીનનો આર્થિક વૃદ્ધિદર પણ 2019ના 6.1 ટકાથી ઘટીને 1.2 ટકા થઈ જવાનો અંદાજ છે. આઈએમએફએ કહ્યું કે કોરોનાના કારણે એશિયામાં ઉત્પાદકતામાં ભારે ઘટાડો જોવા મળી શકે છે.  ચીને વૈશ્વિક નાણાકીય સંકટ દરમિયાન જીડીપીના 8 ટકા બરાબરના રાહત ઉપાયો કર્યા હતા. તેના કારણે 2009ના વૈશ્વિક સંકટ વખતે ચીનનો વિકાસદર 9.4 ટકા રહ્યો હતો. આ વખતે ચીન એશિયાના વૃદ્ધિદરને સહારો આપવાની સ્થિતિમાં નથી. 


દુનિયામાં સૌથી ઝડપી વિકાસ કરશે ભારત : આઈએમએફ
વિકસિત અને વિકાસશીલ દેશોના અર્થતંત્રમાં ગ્રોથ નેગેટિવ રહેશે પણ બે દેશ ભારત અને ચીનમાં વિકાસદર પોઝિટિવ જોવા મળશે. ચીનના વિકાસદરનો અનુમાન 1.2 ટકા અને ભારતના વિકાસદરનું અનુમાન સૌથી વધુ 1.9 ટકા રહેશે. 2021માં ચીન 9.2 ટકા અને ભારત 7.4 ટકાના દરે વિકાસ કરી શકે છે. આઈએમએફના એશિયા અને પેસિફિક વિભાગના નિર્દેશક ચાંગ યોંગ રીએ બુધવારે કહ્યું કે આર્થિક મંદી છતાં સરકારે દેશવ્યાપી લૉકડાઉન લાગુ કર્યુ. અમે ભારતના આ નિર્ણયને ટેકો આપીએ છીએ. હાલ આ બિઝનેસનો સમય નથી. વર્ષના અંત સુધીમાં આર્થિક પ્રવૃત્તિઓમાં ઉછાળો જોવા મળશે.


ભારતના ગ્રોથ અંગે વર્લ્ડ બેન્ક-આઈએમએફનું અનુમાન અતિ આશાવાદી : સુબ્રમણ્યન
નાણામંત્રાલયના પૂર્વ આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યને કહ્યું કે વર્લ્ડ બેન્ક અને આઈએમએફએ ભારતના જીડીપીના આંકડા વિશે જે અંદાજ વ્યક્ત કર્યો છે તે અત્યંત આશાવાદી છે. કોરોના વાઈરસથી પ્રભાવિત અર્થતંત્રે ફરી પાટે ચઢાવવા દેશે વધારાના 10 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરવાની જરૂર છે. વર્લ્ડ બેન્કે ચાલુ નાણાકીય વર્ષમાં ભારતના 1.5 ટકાથી 2.8 ટકાના દરેક વિકાસ કરવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. આ રીતે આઈએમએફએ મંગળવારે તેના અનુમાન કહ્યું હતું કે 2020માં ભારતનો જીડીપી ગ્રોથ 1.9 ટકા રહેશે. જો ભારત આ અંદાજ મુજબ વિકાસદર કેળવશે તો આ 1991ના ઉદારીકરણ પછી દેશનો સૌથી ખરાબ વિકાસદર હશે. સુબ્રમણ્યન આર્થિક થિન્ક ટેન્ક એસીઈઆરના એક વેબિનારને સંબોધી રહ્યા હતા.

adv

Related News

post
post
post
post
post
post
post