• Home
  • News
  • બાંગ્લાદેશીઓ હવે ગુજરાતની ડુંગળીનો સ્વાદ માણશે, ધોરાજીથી 2440 ટન ડુંગળી સાથે પહેલી ગૂડ્સ ટ્રેન રવાના
post

ગુજરાતમાંથી પહેલીવાર કોઈ ટ્રેન વિદેશ મોકલાઈ, રેલવેને 46 લાખની આવક થશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-08-06 09:55:56

અમદાવાદ: ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશના નાગરિકો હવે ગુજરાતની ડુંગળીનો સ્વાદ માણશે. પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝને રાજકોટના ધોરાજી સ્ટેશનેથી 2440 ટન ડુંગળી સાથે પહેલી ગૂડ્સ ટ્રેન બાંગ્લાદેશના દર્શન સ્ટેશન મોકલી છે.

ગુજરાતમાંથી પહેલીવાર 42 વેગન (ડબ્બા) સાથેની કોઈ ટ્રેન વિદેશ મોકલવામાં આવી છે. આ ટ્રેન ધોરાજીથી 4 ઓગસ્ટે રાત્રે રવાના થઈ હતી અને લગભગ સાડા ત્રણ દિવસ એટલે કે 75થી 80 કલાકમાં 2437 કિલોમીટરનું અંતર પસાર કરી બાંગ્લાદેશ પહોંચશે. ઓગસ્ટમાં તબક્કાવાર વધુ 3થી 4 ગૂડ્સ ટ્રેનમાં ડુંગળી બાંગ્લાદેશ મોકલવામાં આવે તેવી શક્યતા છે. બાંગ્લાદેશ રવાના કરાયેલી પહેલી ગૂડ્સ ટ્રેનથી રેલવેને 46 લાખની આવક થશે.

રેલવે અધિકારીએ જણાવ્યું કે, પશ્ચિમ રેલવેના તમામ 6 ડિવિઝનમાં બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટની સ્થાપના કરવામાં આવી છે. ભાવનગર ડિવિઝનના આ બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટ દ્વારા ધોરાજી, ઉપલેટા, ગોંડલ સહિત આસપાસના વેપારીઓ અને એપીએમસી સાથે ચર્ચા ચાલી રહી છે. આ વિસ્તારમાંથી ડુંગળી મોકલવાનો નિર્ણય કરાયો છે. બાંગ્લાદેશ માટે નિકાસનો માર્ગ ખૂલતા આ વિસ્તારના ખેડૂતોને તેનો સીધો લાભ મળશે. ઉલ્લેખનીય છે કે, બાંગ્લાદેશ ડુંગળી માટે મોટું બજાર માનવામાં આવે છે.

હજુ વધુ 3થી 4 ટ્રેન મોકલવામાં આવશે
પશ્ચિમ રેલવેના સીપીઆરઓ સુમિત ઠાકુરે જણાવ્યું કે, ભાવનગર ડિવિઝનના બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટના પ્રયત્નોથી સ્થાનિક ખેડૂતો, વેપારીઓ સાથે મંત્રણાના પગલે ડુંગળીના નિકાસની સ્વીકૃતિ મળતા ખેડૂતોને સીધો લાભ મળશે અને તેની સાથે જ રેલવે માટે નવો ટ્રાફિક રૂટ પણ શરૂ થશે. ધોરાજીથી 2440 ટન ડુંગળી સાથે બાંગ્લાદેશ રવાના થયેલી પહેલી ગૂડ્સ ટ્રેન દ્વારા રેલવેને 46 લાખ રૂપિયાની આવક થશે. વધુમાં ચાલુ મહિનામાં વધુ 3થી 4 ગૂડ્સ ટ્રેન મોકલવામાં આવે તેવી શક્યતા છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post