• Home
  • News
  • બાઇડને પુતિનને કહ્યું- યુક્રેનને ક્યારેય જીતી શકશો નહીં:રશિયાની સેના નિર્દયી અને ક્રૂર છે; મહિલાઓ સાથે રેપનો હથિયારની જેમ ઉપયોગ કર્યો
post

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું હતું રશિયાએ શરૂઆતમાં યુદ્ધ ટાળવા માટે તમામ ડિપ્લોમેટિક કોશિશ કરી, પરંતુ નાટો અને અમેરિકાએ તેને સફળ થવા દીધી નહીં.

Written By newsonline | Ahmedabad | Published: 2023-02-22 18:50:14

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને યુક્રેન યુદ્ધ અંગે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના નિવેદનનો કડક શબ્દોમાં જવાબ આપ્યો છે. પોલેન્ડમાં મંગળવારે મોડી રાતે બાઇડને કહ્યું હતું કે અમેરિકા અને નાટો યુક્રેન સાથે હતા અને રહેશે. રશિયન સેનાએ ગુનાઓ કર્યા છે. મહિલાઓ સાથે દુષ્કર્મનો હથિયારની જેમ ઉપયોગ કર્યો. પુતિન યાદ રાખે કે તેઓ યુક્રેનને ક્યારેય જીતી શકશે નહીં. બાઇડન યુક્રેનની મુલાકાત પછી મંગળવારે પોલેન્ડ પહોંચ્યા. અહીં તેમણે એક સભાને સંબોધી હતી

આ પહેલાં મંગળવારે જ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને કહ્યું હતું રશિયાએ શરૂઆતમાં યુદ્ધ ટાળવા માટે તમામ ડિપ્લોમેટિક કોશિશ કરી, પરંતુ નાટો અને અમેરિકાએ તેને સફળ થવા દીધી નહીં. અમે હજુ પણ વાતચીત ઇચ્છીએ છીએ, પરંતુ એના માટે શરતો મંજૂર નથી. નોંધનીય છે કે રશિયા-યુક્રેન યુદ્ધને 24 ફેબ્રુઆરીએ એક વર્ષ પૂર્ણ થઈ રહ્યું છે.

બાઇડનના ભાષણની 3 મુખ્ય વાત...

·         રશિયાના રાષ્ટ્રપતિ પુતિનનો દાવો ખોટોઃ પુતિન કહે છે કે અમે રશિયાને કંટ્રોલ કરવા ઇચ્છીએ છીએ. હું આજે રશિયાના લોકોને એવું જણાવવા ઇચ્છુ છું કે અમેરિકા કે યુરોપના લોકો રશિયાને નષ્ટ કરવા ઇચ્છતા નથી. રશિયાએ યુક્રેનનાં બાળકોનું ભવિષ્ય છીનવી લીધું છે. ટ્રેન, સ્કૂલ, હોસ્પિટલ અને અનાથાલય ઉપર બોમ્બ ફેંક્યા છે. આ દરેક બાબતને કેવી રીતે ઇગ્નોર કરી શકાય. યુક્રેનના લોકો પણ ખાસ છે અને હું દાવા સાથે કહી શકું છું કે રશિયા ક્યારેય યુક્રેન જીતી શકશે નહીં.

·         યુક્રેનનો સાથ ક્યારેય છોડીશું નહીંઃ આ વાતમાં કોઈ શંકા હોવી જોઈએ નહીં કે અમેરિકા દરેક પરિસ્થિતિમાં અને દરેક સમયે યુક્રેન સાથે ઊભું છે. પુતિને એ યાદ રાખવું જોઈએ કે નાટોમાં ભાગલા શક્ય નથી. અમે અટક્યા વિના અને થાક્યા વિના યુક્રેનની મદદ કરતા રહીશું. પુતિન જમીન ઉપર કબજો મેળવવા માટે આ બધું કરી રહ્યા છે.

·         તાનાશાહી માટે એક શબ્દ- ના અને ના જઃ યુક્રેનના લોકો વતન પ્રેમના લીધે પોતાનો જીવ આપવા માટે તૈયાર છે. તાનાશાહ અને તાનાશાહી માટે માત્ર એક જ શબ્દ છે- ના, ના અને ના જ. કોઈ તમારા દેશ પર કબજો કરી શકે નહીં. તમારી આઝાદી, ભવિષ્ય કે સપનાંને છીનવી શકે નહીં. યુક્રેન ઉપર હુમલો માત્ર યુક્રેનની જ પરીક્ષા નથી, આ આખી દુનિયાની પરીક્ષા છે.

 

પુતિનનો આરોપ- યુદ્ધની શરૂઆત વેસ્ટર્ન પાવર્સને કારણે
પુતિને કહ્યું- હકીકત એવી છે કે આ જંગની શરૂઆત વેસ્ટર્ન પાવર્સને કારણે થઈ છે. આપણે એ સમયે પણ દરેક સફળ કોશિશ કરી. તે લોકો કિવ અને યુક્રેનના ખભા પર બંદૂક ચલાવી રહ્યા છે, તેમને મૂર્ખ બનાવી રહ્યા છે. આપણે આપણા વતનની સુરક્ષા કરવાનું જાણીએ છીએ.

અમેરિકા અને તેના સાથી માત્ર પોતાનું વર્ચસ્વ વધારવા માટે અન્ય લોકોને પ્યાદાં બનાવી રહ્યા છે. વેસ્ટર્ન પાવરે જ યુદ્ધના જીનને બોટલમાંથી બહાર કાઢ્યું છે, હવે તે જ તેને બોટલમાં પાછું નાખી શકે છે. આપણે તો માત્ર આપણા દેશ અને લોકોની સુરક્ષા કરવા ઇચ્છીએ છીએ અને એવું કરી પણ રહ્યા છીએ.

 

પુતિનના ભાષણની 3 મુખ્ય વાત

·         વેસ્ટર્ન લીડર્સે માત્ર દગાબાજી કરીઃ જ્યાં સુધી ડોનબાસ વિસ્તારનો મામલો છે ત્યારે આપણે હંમેશાં કહ્યું છે કે પહેલા એને શાંતિથી ઉકેલવો જોઈએ, પરંતુ રશિયાને દોષ આપનારા લોકો એવું પણ જોઈ લે કે વેસ્ટર્ન લીડર્સનો રોલ શું રહ્યો. આ લોકો સતત દગાબાજી કરીને ખોટું બોલ્યા. વેસ્ટર્ન પાવર સન્માન આપવાનું ઇચ્છતા નથી. તેઓ આખી દુનિયા પર થૂંકવાની કોશિશ કરે છે. આ જ રીત તે પોતાના દેશની જનતા સાથે પણ અપનાવે છે.

·         કિવ ડોનબાસનો મામલો એકલા હાથે ઉકેલી શકે નહીંઃ કિવમાં એટલી તાકાત નથી કે તેઓ ડોનબાસનો મામલો ઉકેલે. ત્યાંના લોકો ઇચ્છે છે કે રશિયા આવે અને તેમની પરેશાનીઓનો ઉકેલ કરી આપે. મેં એવું ક્યારેય કહ્યું નથી કે યુદ્ધથી જ આ વિવાદનો ઉકેલ શોધી શકાય છે. વાતચીત તો હોવી જ જોઈએ, પરંતુ એમાં યોગ્ય રીત અપનાવવી જોઈએ. પ્રેશર ટેક્ટિક્સ આગળ રશિયા ક્યારેય નમ્યું નથી અને નમશે પણ નહીં

·         અમેરિકાએ હંમેશાં રશિયાને ઇગ્નોર કર્યુંઃ અમને તો વેસ્ટર્ન પાવર્સ સાથે પણ વાતચીત કરવામાં કોઈ મુશ્કેલી નથી. અમે ઇચ્છીએ છીએ કે અમારી વચ્ચે જોઇન્ટ સિક્યોરિટી સ્ટ્રક્ચર બને. એના માટે મેં અનેક વર્ષ કોશિશ કરી, પરંતુ અમેરિકા અને અન્ય વેસ્ટર્ન પાવર ઉકેલ લાવવાનું ઇચ્છતા નથી. આપણને હંમેશાં ઇગ્નોર કરવામાં આવે છે. દુનિયામાં એવો કયો દેશ છે, જ્યાં અમેરિકા જેવો દુનિયાના અન્ય દેશોમાં મિલિટરી બેઝ છે? એ પછી તેઓ શાંતિની વાત કરે છે તો વિચારવું પડે છે.

 

પુતિને અમેરિકા સાથે ન્યૂક્લિયર ટ્રીટી સસ્પેન્ડની પુતિને ભાષણની છેલ્લી મિનિટોમાં મુખ્ય ઘોષણા કરી. તેમણે કહ્યું હતું કે રશિયા પરમાણુ હથિયારોને લઇને અમેરિકા સાથે કરવામાં આવેલી ન્યૂ સ્ટાર્ટ ટ્રીટીને માનશે નહીં. એને સસ્પેન્ડ કરી શકાય છે.

ન્યૂ સ્ટાર્ટ ટ્રીટી

·         5 ફેબ્રુઆરી 2011ના રોજ રશિયા અને અમેરિકાની વચ્ચે ન્યૂ સ્ટાર્ટ ટ્રીટીને લાગુ કરવામાં આવ્યું હતું

·         ટ્રીટીનું લક્ષ્ય બંને દેશમાં પરમાણુ હથિયારોની સંખ્યાને સીમિત કરવાનું હતું

·         બંને દેશોએ નક્કી કર્યું હતું કે તેઓ પોતાની પાસે 1550થી વધારે પરમાણુ હથિયાર અને 700થી વધારે સ્ટ્રેટેજિક લોન્ચર રાખશે નહીં

·         એનો સમયગાળો દસ વર્ષ એટલે વર્ષ 2021 સુધી હતો. પછી એને 5 વર્ષ વધારીને 2026 સુધી કરી દેવામાં આવ્યો હતો.

એનો અર્થ શું છે

·         ન્યૂયોર્ક ટાઇમ્સ સાથે વાતચીતમાં NATOના સેક્રેટરી જનરલ જેન્સ સ્ટોલેનબર્ગે પુતિનના નિર્ણય અંગે કહ્યું- આવું કરવાથી એટમી હથિયારો પર કંટ્રોલની સિસ્ટમ જ ખતમ થઈ જશે. રશિયાના નિર્ણય પર ફરી એકવાર વિચાર કરવો જોઈએ.

·         અમેરિકી વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે- આ નિર્ણયમાં કશું જ નવું નથી, કેમ કે રશિયા પહેલાં જ આ કરારનું પાલન કરતું નહોતું. અમે જાન્યુઆરીમાં જ આ અંગે જાણકારી આપી હતી. રશિયાએ અમેરિકાની ટીમને પોતાની ન્યૂક્લિયર સાઇટ્સનું ઇન્સ્પેક્શન કરવાથી રોકી હતી.

·         જોકે પુતિને એક રસ્તો ખુલ્લો રાખ્યો છે. પુતિને કહ્યું- અમે એટમી ટ્રીટીને છોડતા નથી. હાલ એને સસ્પેન્ડ કરવામાં આવ્યું છે. આ અંગે ફરીથી વિચાર કરવો જોઈએ. નાટો, ફ્રાન્સ અને બ્રિટન પાસે તો એટમીનો વિશાળ જથ્થો છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post