• Home
  • News
  • આજથી થયા આ મોટા ફેરફાર:ITR ફાઇલ કરવા માટે આપવી પડશે લેટ ફી, કોમર્શિયલ ગેસ-સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાનો ઘટાડો
post

સ્થાનિક કાચા તેલ પર વિન્ડફોલ ટેક્સ વધ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2023-08-01 19:33:07

1 ઓગસ્ટથી દેશભરમાં કેટલાક ફેરફારો થયા છે. હવે ITR ફાઈલ કરવા માટે લેટ ફી ચૂકવવી પડશે. તો કોમર્શિયલ ગેસ-સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાનો ઘટાડો થયો છે. આવો જાણીએ આજથી કયા-કયા ફેરફાર થઇ રહ્યા છે.

1. ITR ફાઇલ કરવા માટે લેટ ફી
નાણાકીય વર્ષ 2022-23 (આકારણી વર્ષ 2023-24) માટે ઈન્કમટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવાની અંતિમ તારીખ 31 જુલાઈએ પૂરી થઈ ચૂકી છે. આવકવેરા વિભાગના જણાવ્યા અનુસાર, 31 જુલાઈના રોજ સાંજે 6 વાગ્યા સુધી 6.50 કરોડથી વધુ ITR ફાઈલ કરવામાં આવ્યા હતા, એમાંથી છેલ્લા દિવસે લગભગ 36.91 લાખ ITR ફાઈલ કરવામાં આવ્યાં હતાં.

જો તમે આ સમયમર્યાદા ચૂકી ગયા છો, તો તમારે રિટર્ન ફાઇલ કરવા માટે દંડ ભરવો પડશે. જો વ્યક્તિગત કરદાતાની વાર્ષિક આવક 5 લાખ રૂપિયાથી વધુ હોય તો તેણે 5000 રૂપિયાની લેટ ફી ચૂકવવી પડશે. જો કરદાતાની વાર્ષિક આવક 5 લાખ રૂપિયાથી ઓછી હોય તો તેણે લેટ ફી તરીકે 1000 રૂપિયા ચૂકવવા પડશે.

2. કોમર્શિયલ ગેસ-સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાનો ઘટાડો
સરકારી તેલ કંપનીઓએ આજથી એટલે કે 1 ઓગસ્ટથી કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 100 રૂપિયાનો ઘટાડો કર્યો છે. હવે દિલ્હીમાં કિંમત રૂ.1680 થઈ ગઈ છે. કોલકાતામાં 1802.50 રૂપિયા, મુંબઈમાં 1640.50 રૂપિયા અને ચેન્નઈમાં 1852.50 રૂપિયામાં વેચાઈ રહ્યું છે. અગાઉ 4 જુલાઈએ કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં 7 રૂપિયાનો નજીવો વધારો થયો હતો.

એ જ સમયે ઘરેલુ એટલે કે 14.2 કિલોગ્રામ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આ સિલિન્ડર દિલ્હીમાં રૂ.1103માં વેચાઈ રહ્યું છે. મુંબઈમાં એની કિંમત 1102.50 રૂપિયા અને કોલકાતામાં 1129 રૂપિયા છે. છેલ્લી વખત એની કિંમતમાં 1 માર્ચ, 2023ના રોજ 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો.

નાણાકીય વર્ષ 2022-23માં કિંમતમાં રૂ. 153.50નો વધારો થયો છે
ગત નાણાકીય વર્ષમાં ઘરેલુ ગેસ-સિલિન્ડરની કિંમતમાં કુલ 4 વખત ફેરફાર થયો છે. દિલ્હીમાં એની કિંમત 949.50 રૂપિયાથી વધીને 1003 રૂપિયા થઈ ગઈ છે.

·         7 મે, 2022ના રોજ કિંમતમાં 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો, જેના કારણે એ 949.50 રૂપિયાથી વધીને 999.50 રૂપિયા થઈ ગયો.

·         19 મે, 2022ના રોજ ફરીથી કિંમતોમાં 2.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. આ પછી કિંમત વધીને રૂ.1003 થઈ ગઈ હતી.

·         6 જુલાઈ, 2022ના રોજ એલપીજીના ભાવમાં રૂ. 50નો વધારો કરવામાં આવ્યો હતો. આ વધારા બાદ કિંમત 1053 રૂપિયા થઈ ગઈ હતી.

·         1 માર્ચ, 2023ના રોજ કિંમતમાં ફરીથી 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો, જેના કારણે સિલિન્ડરની કિંમત 1103 રૂપિયા થઈ ગઈ છે.

જૂન 2020થી એલપીજી સિલિન્ડર પર સબસિડી બંધ થઈ ગઈ છે
મોટા ભાગના લોકોને જૂન, 2020થી એલપીજી સિલિન્ડર પર સબસિડી મળતી બંધ થઇ ગઈ છે. હવે માત્ર ઉજ્જ્વલા યોજના હેઠળ સિલિન્ડર અપાતા લોકોને જ 200 રૂપિયાની સબસિડી મળે છે. આ માટે સરકાર લગભગ 6,100 કરોડ રૂપિયા ખર્ચે છે. જૂન 2020માં દિલ્હીમાં સબસિડી વિનાનું સિલિન્ડર 593 રૂપિયામાં મળતું હતું, જે હવે વધીને 1103 રૂપિયા થઈ ગયું છે.

ભારત તેની સ્થાનિક એલપીજી માગ કેવી રીતે પૂરી કરે છે?
ભારત તેની સ્થાનિક જરૂરિયાતો પૂરી કરવા માટે એલપીજીની આયાત પર નિર્ભર છે. અમેરિકા, સાઉદી અરેબિયા અને મધ્ય પૂર્વના અન્ય દેશો ભારતમાં એલપીજીની નિકાસ કરે છે. FY21 અને FY23 વચ્ચે સરેરાશ સાઉદી CP (LPG કિંમત નિર્ધારણ માટેનું આંતરરાષ્ટ્રીય ધોરણ) $415 પ્રતિ મિલિયન ટનથી વધીને $712 પ્રતિ મિલિયન ટન થયું છે.

3. સ્થાનિક કાચા તેલ પર વિન્ડફોલ ટેક્સ વધ્યો
કેન્દ્ર સરકારે આજથી સ્થાનિક ક્રૂડ ઓઈલ પર વિન્ડફોલ ટેક્સમાં વધારો કર્યો છે. ક્રૂડ પેટ્રોલિયમ પર વિશેષ વધારાની આબકારી જકાત (SAED) રૂ 1600/ટનથી વધારીને રૂ 4250/ટન કરવામાં આવી છે. ડીઝલ પર વિન્ડફોલ ટેક્સ અગાઉના શૂન્યથી વધારીને 1 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવ્યો છે. પેટ્રોલ અને એવિએશન ટર્બાઈન ઈંધણ પર વિન્ડફોલ ટેક્સમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

 

adv

Related News

post
post
post
post
post
post
post