• Home
  • News
  • બિહારના બાહુબલી:કહાની એ વ્યક્તિની, જેઓ જેલમાં બાર-ડાન્સરને બોલાવતા હતા, DM-મંત્રીની હત્યાના કેસમાં સજા મળી ચૂકી છે
post

જેલમાં જ બાર-ડાન્સર બોલાવતા હતા, Ph.D. પણ જેલમાંથી જ કર્યું

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-06 12:12:04

બિહારના મુઝફ્ફરપુરમાં ભીડ ધોળા દિવસે DMને ઢોર માર મારીને મારી નાખે છે. આરોપીઓમાં બે બાહુબલી નેતા પણ હોય છે. બન્નેની ધરપકડ થાય છે. સજા મળે છે. પછીથી હાઈકોર્ટ એકને છોડી મૂકે છે. ડીએમની હત્યાનાં 4 વર્ષ પછી એક મંત્રી પર ફાયરિંગ કરવામાં આવે છે. આ કેસમાં જે લોકોની ધરપકડ કરાઈ એમાં છોડી મુકાયેલા આ બાહુબલી નેતા પણ હોય છે. તેમને સજા થાય છે, પણ આ કસમાં તેઓ હાઈકોર્ટમાંથી છૂટી જાય છે.

અમે વાત કરી રહ્યા છીએ બાહુબલી નેતા અને પૂર્વ ધારાસભ્ય વિજય કુમાર ઉર્ફે મુન્ના શુક્લાની. શુક્લાજી ભણેલાગણેલા પણ છે. તેમની આગળ ડોક્ટર લગાવે છે. તેમને આ ડિગ્રી જેલમાં રહીને જ મળી છે. જેલના સમયમાં તેમણે ડો. બીઆર આંબેડકર પર Ph.D. કર્યું હતું.

પિતા વકીલ હતા, ભાઈની હત્યા થઈ તો ક્રાઈમમાં આવી ગયા
મુઝફ્ફરપુરની એક કોર્ટમાં વકીલ હતા રામદાસ શુક્લા. તેમના ચાર દીકરા હતા. સૌથી મોટા હતા કૌશલેન્દ્ર ઉર્ફે છોટન શુક્લા, બીજા નંબર પર હતા અવધેશ ઉર્ફે ભુટકુન શુક્લા, ત્રીજા નંબરે વિજય કુમાર ઉર્ફે મુન્ના શુક્લા હતા અને સૌથી નાના હતા મારુ મર્દન ઉર્ફ્ લલન શુક્લા.

મુઝફ્ફપુરની જાણીતી કોલેજ લંગટ સિંહ કોલેજની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ વચ્ચે જાતિ અને વિસ્તારમાં વર્ચસ્વ અંગે લડાઈ ચાલતી હતી. આ લડાઈમાંથી બહાર આવ્યા હતા કૌશલેન્દ્ર એટલે કે છોટન શુક્લા. છોટન દંબગાઈ કરવા માટે ઠેકેદારીનાં કામમાં આવી ગયા. જોતજોતાંમાં વિસ્તારના મોટા ઠેકેદાર બની ગયા. 1994માં તેમની હત્યા કરી દેવાઈ. કહેવામાં આવે છે કે આ હત્યામાં એ વખતના મંત્રી અને બાહુબલી ધારાસભ્ય બૃજબિહારી પ્રસાદનો હાથ હતો.

મુન્ના શુક્લાએ તેમના મોટાભાઈ છોટન શુક્લાની અંતિમ યાત્રા કાઢી. ઠેર ઠેર આ હત્યા અંગે દેખાવો પણ થયા. એ વખતે ગોપાલગંજના ત્યારના ડીએમ જી. કૃષ્ણૈયા પસાર થઈ રહ્યા હતા. ભીડે લાલબત્તીની ગાડી જોતાંની સાથે જ હુમલો કરી દીધો અને તેમને ઢોર માર માર્યો અને પછી ગોળી મારી દીધી. ડીએમની હત્યાનો આરોપ મુન્ના શુક્લા અને બાહુબલી આનંદ મોહન પર લાગ્યો હતો. આ પહેલી વખત હતું જ્યારે કોઈ ગુનામાં મુન્ના શુક્લાનું નામ આવ્યું હતું. આ કેસમાં મુન્ના શુક્લાને ઉંમરકેદની સજા સંભળાવવામાં આવી હતી, પણ 2008માં હાઈકોર્ટે પુરાવા ન હોવાના કારણે તેમને છોડી મૂક્યા હતા.

ભાઈના મોત પછી મુન્ના શુક્લાએ કામ સંભાળ્યું અને ઠેકેદારી કરવા લાગ્યા. ચાર વર્ષ પછી 1998માં બૃજબિહારી પ્રસાદ રાબડી દેવીની સરકારમાં મંત્રી બની ગયા. આ વાતને મુન્ના શુક્લા સહિત ઘણા બાહુબલી સહન ન કરી શક્યા.

3 જૂન 1998ના રોજ પટનાના ઈન્દિરા ગાંધી આયુર્વિજ્ઞાન સંસ્થાના પાર્કમાં બૃજવિહારી લટાર મારી રહ્યા હતા ત્યારે અમુક લોકો આવ્યા અને તેમની પર તાબડતોડ ફાયરિંગ કરવાનું શરૂ કરી દીધું. આ કેસમાં મુન્ના શુક્લા, રાજન તિવારી, સૂરજભાન સિંહ સહિત 8 લોકોનાં નામ જોડાયાં હતાં. તમામને ઉંમરકેદની સજા મળી હતી, પણ 2014માં હાઈકોર્ટે તેમને છોડી મૂક્યા હતા.

DMની હત્યામાં જેલની સજા થઈ, તો રાજકારણમાં ઊતરી ગયા
ડીએમ જી. કૃષ્ણૈયાની હત્યાના કેસમાં મુન્ના શુક્લાને જેલની સજા થઈ. આ દરમિયાન તેમણે રાજકારણમાં આવવાનો નિર્ણય કર્યો. 2000 વિધાનસભા ચૂંટણીમાં તેમણે વૈશાલી જિલ્લાના લાલગંજ સીટથી અપક્ષ ફોર્મ ભર્યું. એ વખતે તેઓ જેલમાં જ હતા. પહેલી જ ચૂંટણીમાં જેલમાં રહેતી વખતે મુન્નાએ RJDના રાજકુમાર સાહને 52,705 વોટથી હરાવી દીધા હતા.

ત્યાર પછી ફેબ્રુઆરી 2005માં તેઓ આ સીટ પરથી LJPની ટિકિટ પર જીત્યા અને ઓક્ટોબર 2005માં JDUની ટિકિટ પર. 2009માં સુપ્રીમ કોર્ટે સજા મળી હોય તેવા લોકોના ચૂંટણી લડવા પર પ્રતિબંધ લગાવી દીધા, પણ વર્ચસ્વ બનાવવા માટે મુન્નાએ તેમનાં પત્ની અન્નુ શુક્લાને JDUથી ટિકિટ અપાવી. તેઓ પણ જીતી ગયાં.

હત્યાના મામલામાં છૂટ્યા પછી 2015માં મુન્ના શુક્લા ફરી JDUની ટિકિટ પર અહીંથી લડ્યા, પણ હારી ગયા. આ વખતે લાલગંજ સીટ ભાજપ પાસે ગઈ. તેમની ટિકિટ કપાઈ, તો અપક્ષ જ ઊભા રહી ગયા.

જેલમાં જ બાર-ડાન્સર બોલાવતા હતા, Ph.D. પણ જેલમાંથી જ કર્યું
ડીએમની હત્યાના કેસમાં મુન્ના શુક્લા જ્યારે જેલમાં સજા કાપી રહ્યા હતા ત્યારે તેમની એક તસવીર છાપામાં છપાઈ હતી. આ તસવીરમાં તેમના એક હાથમાં બંદૂક અને બીજા હાથમાં સિગારેટ હતી. બાજુમાં ડાન્સર નાચી રહી હતી.આ તસીવર સામે આવ્યા પછી પણ કંઈ ન થયું અને બે-ચાર દિવસમાં મામલો ઠંડો થઈ ગયો.

2012માં મુન્નાએ જેલમાંથી જ એક એન્જિનિયરિંગ કોલેજના ડાયરેક્ટર સાથે 2 કરોડ રૂપિયાની ખંડણી માગી. કેસ થયો. જેલમાં દરોડા પડાયા તો મુન્ના પાસેથી એક મોબાઈલ જપ્ત કરી લેવાયો. આ વર્ષે મુન્નાએ જેલમાં રહેતી વખતે જ ડો. બીએ આંબેડકર પર Ph.D. કર્યું હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post