• Home
  • News
  • બિલ ગેટ્સે કહ્યું- ખરા બિલ ગેટ્સ તો મારા પિતા જ હતા, કહેતા હતા- હંમેશા નવી બાબતો અમલમાં મૂકો, જેથી જીવનની ફિલસૂફી સરળ રહે
post

બિલ ગેટ્સના પિતા અને જાણીતા વકીલ વિલિયમ ગેટ્સ-IIનું નિધન, બ્લોગ પર શ્રદ્ધાંજલિ આપી

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-17 09:29:33

માઇક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સના પિતા અને જાણીતા વકીલ વિલિયમ હેનરી ગેટ્સ-IIનું સોમવારે 94 વર્ષની જૈફ વયે નિધન થયું. તેઓ અલ્ઝાઇમરથી પીડિત હતા અને લાંબા સમયથી બીમાર હતા. બિલ ગેટ્સે તેમની યાદમાં લખેલા બ્લોગમાં જણાવ્યું- મારા પિતા ખરા બિલ ગેટ્સ હતા. હું હંમેશા તેમના જેવો બનવા ઇચ્છતો. તેમને રોજ યાદ કરીશ. તેમના વિના મેલિન્ડા એન્ડ બિલ ગેટ્સ ફાઉન્ડેશન ક્યારેય અસ્તિત્વમાં ન આવ્યું હોત. તેમણે જ આ ફાઉન્ડેશનની કલ્પના કરી અને તે કેવી રીતે કામ કરશે એ પણ તેમણે જ જણાવ્યું. તેઓ સમાજ પ્રત્યેની મનુષ્યની જવાબદારીઓ અંગે ખૂબ સજાગ હતા અને મારી પાસેથી પણ તે જ અપેક્ષા રાખતા હતા.બ્લોગના સંપાદિત અંશ...

દરેક મોટા રિસ્કમાં પિતાએ સાથ આપ્યો, હું જાણતો હતો કે નિષ્ફળ રહીશ તો તેઓ મારી પડખે રહેશે
મારા પિતાનું જવું અનપેક્ષિત નહોતું. ઉંમરના આ પડાવ પર તેઓ દિન-પ્રતિદિન અશક્ત થઇ રહ્યા હતા. તેમણે અમારા બધાની હાજરીમાં છેલ્લા શ્વાસ લીધા. મારી બહેનો ક્રિસ્ટી અને લિબી તથા હું બહુ નસીબદાર રહ્યાં કે અમને આવા પિતા મળ્યા. તેમણે હંમેશા અમને પ્રેરિત કર્યા અને ધીરજ સાથે કામ કર્યું.

હું કોલેજમાં હતો અને અભ્યાસ છોડીને માઇક્રોસોફ્ટ શરૂ કરવા વિચારતો હતો ત્યારે મારું સમર્થન કરનાર તેઓ પ્રથમ વ્યક્તિ હતા. મેં જીવનમાં જ્યારે-જ્યારે મોટાં રિસ્ક લેવાની વાત કરી ત્યારે તેમણે કાયમ મારી તરફેણ કરી. હું જાણતો હતો કે જો હું નિષ્ફળ જઇશ તોપણ તેઓ મારી પડખે હશે.

માઇક્રોસોફ્ટની સ્થાપનાના શરૂના દિવસોમાં હું કાનૂની સલાહ લેવા હંમેશા તેમની પાસે જતો. તેઓ રૂઢિચુસ્ત અને સંતાનો પર પોતાના નિર્ણયો થોપનાર માણસ નહોતા. તેઓ ઘણી વાર એમ કહેતા કે જીવનમાં હંમેશા નવી-નવી બાબતો અમલમાં લાવો. જેમાં આપણી મજબૂત પકડ હોય તેને છોડીને નવી અજમાઇશ પર ધ્યાન આપો. તેનાથી જીવનની ફિલસૂફી સરળ થઇ જશે. તેઓ તેમના કામમાં નૈતિકતાને હંમેશા સર્વોચ્ચ સ્થાન આપતા. મેલિન્ડા એન્ડ બિલ ગેટ્સ ફાઉન્ડેશનનું અસ્તિત્વ તેમના કારણે જ છે. તેના કામકાજમાં તેઓ છેલ્લા 2 દાયકાથી એક માર્ગદર્શકની ભૂમિકા ભજવતા રહ્યા.

સાચું કહું તો મારા પિતાનો પ્રભાવ મારા કામ, મારી રીત-ભાત અને જીવન જીવવાના દ્રષ્ટિકોણ બધા પર રહ્યો છે. તેમના પુત્ર હોવાનો અનુભવ શાનદાર રહ્યો છે. લોકો ઘણી વાર મારા પિતાને પૂછતા કે શું તેઓ અસલ બિલ ગેટ્સ છે? સત્ય એ છે કે હું જે કંઇ બનવાનો પ્રયાસ કરી રહ્યો છું તે મારા પિતા હતા. હું તેમને રોજ યાદ કરતો રહીશ.

 

adv

Related News

post
post
post
post
post
post
post