• Home
  • News
  • ગુજરાતમાં કોરોના કાબૂમાં આવતો નથી ત્યારે ભાજપના નેતાઓએ સોશિયલ મીડિયામાં નહેરા અને મીડિયા સામે અભિયાન છેડ્યું
post

મીડિયાએ ધમણ-1, ખાનગી હોસ્પિ.-લેબ અને માસ્કના મુદ્દા ઉઠાવ્યા તો ઋત્વીજ પટેલે મીડિયા વેચાઈ ગયું છે તેવા આક્ષેપ કર્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-26 10:23:03

અમદાવાદ: રાજ્યમાં કોરોના હવે બેકાબુ બની ગયો છે અને દરરોજે 400 જેટલા (એ પણ મર્યાદિત ટેસ્ટિંગ વચ્ચે) કોરોનાના કેસ સામે આવી રહ્યા છે. રાજ્ય સરકારની નીતિ-રીતી સામે સવાલો ઉઠી રહ્યા છે ત્યારે ટ્વીટર સહિત સોશિયલ મીડિયા પર ભાજપના નેતાઓ અને IT CELL મારફતે #StopTargetingGujarat ટ્રેન્ડ શરૂ કરાયો છે. આ ટ્રેન્ડમાં અલગ અલગ મુદ્દે સાચું શું છે અને ખોટું શું છે તેના દાવા-પ્રતિદાવા કરાઈ રહ્યા છે. સરકાર કોરોનાને કાબુમાં ન લાવી શકતા બચાવ માટે મેદાનમાં ઉતરેલા ભાજપના નેતાઓએ હવે સલાહ આપી રહ્યા છે કે, ગુજરાતને ટાર્ગેટ બનાવવાનું બંધ કરો. કોરોના વિશે માત્ર પોતે જ સાચા-ખોટાની માહિતી આપી રહ્યા હોય તેવા દાવા કરીને સોશિયલ મીડિયા પર આ ટ્રેન્ડ શરૂ કરાયો છે. જો કે ઋત્વિજ પટેલે ફેરવી તોળતા કહ્યું હતું કે, મીડિયા વિશે આવું હું ક્યારેય ન લખું. મારું એકાઉન્ડ હેન્ડલ કરનારને પણ મેં પૂછ્યું. આવું કોણે લખ્યું એની તપાસ કરીશ. પૂર્વ મીડિયા કન્વીનર વિક્રમ જૈને પણ કહ્યું હતું કે મને આઈટી સેલમાંથી મેસેજ આવ્યો હતો એટલે મેં ટ્વિટ કર્યું હતું. 

ભૂપેન્દ્ર પટેલ, ધારાસભ્ય-ઘાટલોડિયાઃ સૌથી વધુ શ્રમિક ટ્રેન ગુજરાતે દોડાવ્યાનો દાવો, ભાડાં મુદ્દે ચૂપ

ભાજપના અગ્રણી નેતા અને ઘાટલોડિયાના ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી છે કે ગુજરાતે બીજા કોઈ પણ રાજ્યની તુલનામાં મહત્તમ શ્રમિક ટ્રેન દોડાવી છે તો પણ મીડિયા આ મુદ્દે ચૂપ છે કારણ કે તેને તો મસાલા ન્યૂઝ જોઈએ છે પોતાની પબ્લિસિટી માટે... શરમ કરો.. જો કે, ભૂપેન્દ્ર પટેલે એ બાબતે કોઈ સ્પષ્ટતા નથી કરી કે પરપ્રાંતિય શ્રમિકો પોતાના ખિસ્સામાંથી ભાડું ખર્ચીને ગયા છે કે કેન્દ્ર સરકારે નાણાં ભોગવ્યા. ઉપરાંત ભાજપના જ કહેવાતા કાર્યકરોએ સુરત સહિતના સ્થળોએ પરપ્રાંતિયોને મોકલવાના નામે ટિકિટના કાળાબજાર કર્યા તે મામલે પણ ટ્વીટમાં કોઈ ઉલ્લેખ નથી.

જગદીશ વિશ્વકર્મા, ભાજપ આઈટી સેલઃ ધમણ-1 તો જીવ બચાવનારું પ્રાથમિક વેન્ટિલેટર
વિશ્વકર્માએ પોતાની ટ્વીટમાં લખ્યું છે કે, ધમણ-1ની ખરીદીમાં કૌભાંડ થયું હોવાના આક્ષેપો તદ્દન પાયાવિહોણા છે. ઊલટાનું 866 ધમણ-1 તો કંપનીએ ગુજરાત સરકારને દાનમાં આપ્યા છે. બસ, તેને કારગત બનાવવા ફક્ત તેમાં કોમ્પ્રેસર, મિક્સચલ, હ્યુમિડિફાયર અને કેલિબ્રેશન જેવા ઉપકરણો જ લગાવવાના બાકી છે જે લાગી જાય તો ધમણ-1 શ્રેષ્ઠ કક્ષાનું વેન્ટિલેટર બની જાય. 

ડૉ. પંકજ શુક્લા, ભાજપ આઈટી સેલઃ લોકડાઉનમાં પણ ગુજરાતમાં 40 હજાર બાંધકામ સાઈટ ધમધમતી
ભાજપ આઈટી સેલના અગ્રણી ડૉ. શુક્લાએ તો ત્યાં સુધી લખ્યું છે કે, ભલે ગુજરાતમાં લોકડાઉનનો કડક અમલ કરાવાયો હોય પણ તેમાં રાજ્યની અંદર 40 હજાર બાંધકામ સાઈટો તો ધમધમતી જ હતી અને તેમાં 7.20 લાખ શ્રમિકોને રોજગાર મળતો જ હતો.

ઋત્વિજ પટેલ, પ્રમુખ- ગુજરાત ભાજપ યુવા મોરચાઃ મીડિયા વેચાઈ ગયું છે
ઋત્વિજ પટેલે ત્યાં સુધી કહ્યું હતું કે, ગુજરાતમાં ખાનગી લેબ ટેસ્ટિંગ માટે સરકારી નિયમોનો ભંગ કરતી હતી તો તેની પર કડક પગલાં ભર્યા તો વેચાઈ ગયેલી મીડિયા એને એક મસાલેદાર સમાચાર તરીકે પોતાની ટીઆરપી વધારવામાં લાગી ગઈ. હવે કોરોનાના દર્દીઓને હોસ્પિટલો પાંચ-દસ લાખના બિલ પકડાવતી હતી તે નિયમનો ભંગ નહોતો...


નેહરા પરનું ટ્વીટઃ નેહરા એ કોઈ આધાર વિના કહ્યું, 8 લાખ લોકોને કોરોના થઈ જશે
ટ્વીટના આ ટ્રેન્ડિંગ વોરમાં પૂર્વ મ્યુનિ. કમિશનર વિજય નેહરાને પણ ટાર્ગેટ કરાયા હતા. તેમની બદલી કરાઈ તે પાછળ તેમને અમદાવાદમાં કોરોનાને કાબૂમાં લેવાના પ્રયત્નો કરવાને બદલે સોશિયલ મીડિયામાં રચ્યા-પચ્યા રહેવાની વૃત્તિ માટે દોષી ઠેરવાયા હતા. નેહરાને અમદાવાદના લોકોની સમસ્યા સાથે પણ કોઈ લેવાદેવા ન હોવાનો તેમજ અમદાવાદમાં 8 લાખ કેસો થશે તેવા ભ્રમ અને આધાર વગરના ડર ફેલાય તેવા આંકડા રજૂ કરવાનો આ ટ્વીટમાં દાવો કરાયો છે.

ટ્વીટર પર ચાલેલા ટ્રેન્ડમાં 21 હજારથી વધુ ટ્વીટ થઈ ચૂક્યા છે
ટ્વીટર પર #StopTargetingGujarat ટ્રેન્ડમાં ભાજપના IT CELLના કન્વીનર પંકજ શુક્લ, ભાજપના ધારાસભ્યો, યુવા મોરચાના પ્રમુખ ઋત્વિજ પટેલ,BJPના તમામ IT CELLના સભ્યો અને નેતાઓ દ્વારા અત્યારે ટ્વીટ કરવામાં આવી રહ્યા છે. ધમણ-1 વેન્ટીલેટર મુદ્દે પણ સાચું અને ખોટું શું છે તેનું ટ્વીટ કરવામાં આવ્યું છે. ટ્વીટર પર ચાલેલા આ ટ્રેન્ડમાં 21 હજારથી વધુ ટ્વીટ થઈ ચૂક્યા છે.

નેતાઓએ ખુલાસા કર્યા

હું મીડિયાનું હંમેશાં સન્માન કરું છું
ભાજપ યુવા મોરચા પ્રમુખ ડો. ઋત્વિજ પટેલે કહ્યું કે, હું મીડિયાનું સન્માન કરનારો છું. મીડિયા વિશે આવું હું ક્યારેય ન લખું. મારું એકાઉન્ડ હેન્ડલ કરનારને પણ મેં પૂછ્યું. આવું કોણે લખ્યું એની તપાસ કરીશ. 


મને આઈટી સેલમાંથી મેસેજ આવ્યો હતો 

મને આઇટી સેલમાંથી મેસેજ આવ્યો હતો અને સૂચના આપવામાં આવી હતી. એટલે મેં ટ્વિટ કર્યું હતું.- વિક્રમ જૈન, પૂર્વ મીડિયા કન્વીનર, અમદાવાદ

મને પૂછ્યા વગર ટ્વિટ કરવામાં આવી છે
ધારાસભ્ય ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, મીડિયા સમાજનો આઇનો છે. ઘરે ઘરે જાગૃતતા માટે મીડિયા જરૂરી છે. મને પૂછ્યા વગર કોઇએ આ ટ્વીટ કર્યું હશે. જો કોઇએ લખ્યું છે તો તે ભૂલ છે.  

 

 

adv

Related News

post
post
post
post
post
post
post