• Home
  • News
  • ભાજપનું રાહુલ પર નિશાન:રવિશંકર પ્રસાદે કહ્યું- દેશ તમને વારંવાર હરાવે છે તો તેનો ગુસ્સો વિદેશ જઈને ઓકો નહીં; ખડગે-સોનિયાને પણ કર્યા સવાલ
post

રાહુલ ગાંધીએ રવિવારે લંડનના હાઉસ્લોમાં 1500 પ્રવાસી ભારતીયો વચ્ચે સંબોધન કર્યું હતું.

Written By newsonline | Ahmedabad | Published: 2023-03-07 18:07:02

ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા રવિશંકર પ્રસાદે રાહુલ ગાંધીના બ્રિટન પ્રવાસ મામલે તેમના પર નિશાન સાધ્યું હતું. રવિશંકર પ્રસાદે મંગળવારે એક પ્રેસ-કોન્ફરન્સમાં કહ્યું, "જ્યારે રાહુલ ગાંધી વિદેશ જાય છે ત્યારે તેમને શું થઈ જાય છે? તમામ ગૌરવ, શિષ્ટતા, લોકશાહી શરમ ... બધું ભૂલી જાય છે. તેમણે કહ્યું હતું કે રાહુલ કહી રહ્યા છે કે તેમને બોલવા દેવામાં આવતા નથી. તેમણે નોર્થ-ઈસ્ટમાં ખૂબ પ્રચાર કર્યો, કોંગ્રેસને ઝીરો મળ્યો. રવિશંકરે વધુમાં કહ્યું હતું કે દેશમાં કોઈ સાંભળતું નથી તો હવે વિદેશ જઈને વિલાપ કરી રહ્યા છે. લંડન જઈને રાહુલે પોતાના સંબોધનમાં લોકશાહી, સંસદ, જનતા, રાજકીય વ્યવસ્થા સૌનું અપમાન કર્યું છે.

વિદેશની ધરતી પર જઈને ભારતનું અપમાન કરવાનું બંધ કરો
રવિશંકરે કહ્યું હતું કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની ટીકા આમ તો નેહરુજી પણ કરતા હતા, ઈંદિરાજી પણ કરતાં હતાં, રાજીવજી પણ કરતા હતા અને રાહુલ પણ કરે છે, પણ સંઘ ક્યાંથી ક્યાં પહોંચી ગયો અને તમે ક્યાંથી ક્યાં સમેટાઈ ગયા. વિદેશની ધરતી પર જઈને ભારતનું અપમાન કરવાનું બંધ કરો. જો દેશ તમને વારંવાર હરાવે છે તો એનો ગુસ્સો વિદેશ જઈને ઓકશો નહીં.

રવિશંકરે રાહુલ પર આરોપ લગાવતાં કહ્યું હતું કે રાહુલ ગાંધી કહે છે કે યુરોપ અને અમેરિકાએ ભારતમાં લોકશાહીને બચાવવા માટે દખલગીરી કરવી જોઈએ. આ બાબતે રવિશંકરે કહ્યું, સરકાર કોઈપણ પક્ષની હોય, અમે ભારતની આંતરિક બાબતમાં કોઈપણ વિદેશી તાકાતની દરમિયાનગીરીનો વિરોધ કરીએ છીએ. હવે જ્યારે દેશના લોકો ન તો તેમની વાત સાંભળે છે અને ન સમજે છે, ત્યારે તેઓ વિદેશમાં જઈને વિલાપ કરે છે કે ભારતની લોકશાહી જોખમમાં છે.

ભાજપે કોંગ્રેસ હાઇકમાન્ડ સામે સવાલ ઉઠાવ્યા
ભાજપના નેતાએ કોંગ્રેસ હાઇકમાન્ડ સામે સવાલ ઉઠાવતાં કહ્યું હતું કે તેઓ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે પાસેથી જાણવા માગે છે કે તેઓ રાહુલ ગાંધીના આ નિવેદનનું સમર્થન કરે છે? જો ન કરતા હોય તો એનો ઈનકાર કરે. ભાજપ સોનિયાજી પાસેથી પણ જાણવા માગે છે કે શું તેઓ પોતાના પુત્રના બેજવાબદારીભર્યાં નિવેદનનું સમર્થન કરે છે?

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી હાલમાં બ્રિટનના પ્રવાસે છે. રાહુલ ગાંધીએ સોમવારે લંડનમાં હાઉસ ઓફ પાર્લમેન્ટના પરિસરમાં બ્રિટિશ સાંસદો સાથે વાતચીત કરી હતી. તેમણે કહ્યું હતું કે ભારતની સંસદમાં વિપક્ષના નેતાઓનાં માઈક બંધ કરી દેવામાં આવે છે. ભારતમાં વિપક્ષ પર દમન ગુજારવામાં આવી રહ્યો છે.

બ્રિટનમાં વિપક્ષ લેબર પાર્ટીના ભારતીય મૂળના સાંસદ વિરેન્દ્ર શર્માએ પાર્લામેન્ટના ગ્રાન્ડ કમિટી રૂમમાં રાહુલ ગાંધી માટે એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં રાહુલે પોતાના ભારત જોડો યાત્રાના અનુભવો પણ શેર કર્યા હતા.

રાહુલે કહ્યું- ભારતમાં વિપક્ષનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે
કાર્યક્રમમાં રાહુલ જે માઈક્રોફોનનો ઉપયોગ કરી રહ્યા હતા એ ખરાબ હતો. રાહુલે જાણીજોઈને આ જ માઈકમાં બોલવાનું શરૂ કર્યું. તેમણે કહ્યું હતું કે ભારતમાં અમારા માઈક ખરાબ નથી હોતા, એ બરાબર કામ કરી રહ્યાં હોય છે, પરંતુ તમે એને ચાલુ કરી શકતા નથી. જ્યારે મેં ભારતીય સંસદમાં બોલવાનો પ્રયાસ કર્યો, તો મારી સાથે ઘણી વખત આવું બન્યું છે. ભારતમાં વિપક્ષનો અવાજ દબાવી દેવામાં આવે છે.

નોટબંધી અને GST પર કોઈ ચર્ચા કરવાની મંજૂરી નથી
કાર્યક્રમમાં રાહુલે નોટબંધીનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે નોટબંધી ભારતમાં એક વિનાશકારી નાણાકીય નિર્ણય હતો, પરંતુ અમને એ બાબતની ચર્ચા કરવાની મંજૂરી ન હતી. ચીનના સૈનિકોના ભારતીય ક્ષેત્રમાં ઘૂસણખોરી કરવાના મુદ્દે પણ ચર્ચા કરવાની અમને મંજૂરી નથી. આવી સ્થિતિમાં અમને ગૂંગળામણનો અનુભવ થાય છે.

જો ભારતીય લોકતંત્ર નબળું પડશે તો દુનિયા નબળી પડશે
કાર્યક્રમમાં રાહુલ ગાંધીએ આગળ કહ્યું હતું કે ભારતમાં લોકશાહી વૈશ્વિક જનહિત છે. ભારત ઘણું મોટું છે, જો ભારતમાં લોકશાહીને નબળી પાડવામાં આવે છે, તો તે આખી દુનિયામાં નબળી પડી જાય છે. ભારતની લોકશાહી અમેરિકા અને યુરોપ કરતાં ત્રણ ગણી છે અને જો આ લોકશાહી તૂટશે તો એની અસર સમગ્ર વિશ્વ પર પડશે. સમગ્ર દુનિયામાં લોકશાહી માટે એક મોટો ઝટકો હશે.

રાહુલે ચેથમ હાઉસમાં કહ્યું- કોંગ્રેસ ખતમ થઈ ગઈ છે એવું વિચારવું એક વાહિયાત વિચાર છે
સોમવારે સાંજે રાહુલે ચેથમ હાઉસમાં એક ઇન્ટરેક્ટિવ સેશનમાં હાજરી આપી હતી. અહીં તેમણે કહ્યું હતું કે ભાજપ વિચારે છે કે તે ભારતમાં કાયમ સત્તામાં બની રહેશે, પણ એવું નથી અને કોંગ્રેસનો અંત આવી ગયો છે એમ કહેવું એ વાહિયાત વિચાર છે. ભાજપનાં 10 વર્ષના શાસન પહેલાં કોંગ્રેસ 10 વર્ષ સત્તામાં રહી હતી. જો યોગ્ય રીતે જોવામાં આવે તો આઝાદીથી લઈને અત્યાર સુધી કોંગ્રેસ પાર્ટીએ લાંબા સમય સુધી દેશને સંભાળ્યો છે.

RSS એક સિક્રેટ સોસાયટી જેવું, જેણે તમામ ઈન્સ્ટિટ્યૂશન્સ પર કબજો કરી લીધો છે
રાહુલે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) બાબતે કહ્યું હતું કે એ એક સિક્રેટ સોસાયટી જેવું છે, જે ફાંસીવાદી છે. આ સંસ્થાએ દેશના લગભગ તમામ ઈન્સ્ટિટ્યૂશન્સ પર કબજો કરી લીધો છે. ભાજપ આ જ સંસ્થાનો એક ભાગ છે. એનો હેતુ હોય છે ચૂંટણીનો ઉપયોગ કરીને સત્તામાં આવવાનો અને પછી લોકશાહીથી કિનારે થઈ જવાનું. તેમણે વધુમાં કહ્યું હતું- હું એ જોઈને આશ્ચર્યમાં છું કે RSSએ કઈ રીતે આટલી સંસ્થાઓ પર કબજો મેળવી લીધો છે. પ્રેસ, જ્યુડિશિયરી, પાર્લામેન્ટ, ઈલેક્શન કમિશન તમામ ઈન્સ્ટિટ્યૂશન્સ એના દબાણ હેઠળ અને ભયભીતમાં છે. એવામાં વિપક્ષને કંઈ જ બોલવા દેવામાં આવતા નથી. એવામાં અમે લોકો સુધી પહોંચવા માટે ભારત જોડો યાત્રા યોજી હતી.

રાહુલ ગાંધીએ રવિવારે લંડનના હાઉસ્લોમાં 1500 પ્રવાસી ભારતીયો વચ્ચે સંબોધન કર્યું હતું. અહીં તેમણે કહ્યું હતું કે આપણો દેશ વધુ ખુલ્લા વિચારો ધરાવતો દેશ છે. એક એવો દેશ, જ્યાં આપણે એક-બીજાનું સન્માન કરીએ છીએ. હવે આ બધું સમાપ્ત થઈ ગયું છે. તમે આ મીડિયામાં પણ જોઈ શકો છો. આ પછી જ અમે ભારત જોડો યાત્રા યોજવાનું નક્કી કર્યું. તેમણે કહ્યું, મને ગજબનું લાગે છે. એક ભારતીય લીડર કેમ્બ્રિજમાં પોતાની વાત જણાવી શકે છે. હાર્વર્ડમાં પોતાની વાત કરી શકે છે, પરંતુ ભારતીય યુનિવર્સિટીમાં તેઓ પોતાની વાત રજૂ કરી શકતા નથી.

adv

Related News

post
post
post
post
post
post
post