• Home
  • News
  • બ્રિટનના સુધારેલા ઈમિગ્રેશન લૉમાં ગુનાઇત પૃષ્ઠભૂમિવાળા બૅન થશે, દેશમાં રહેવા માટે 70 પોઇન્ટ જરૂરી હશે, જાન્યુઆરીથી લાગુ થઇ શકે
post

ગંભીર ગુનાના દોષિતોને રોકવામાં મદદ મળશે

Written By newsonline | Ahmedabad | Published: 2020-07-14 12:09:04

લંડન: બ્રિટનમાં નવો ઇમિગ્રેશન કાયદો લાગુ કરાશે, જે અંતર્ગત 1 વર્ષથી વધુ સમય સુધી જેલમાં રહેલા વિદેશી ગુનેગારોનો બ્રિટનમાં પ્રવેશ પ્રતિબંધિત કરાશે. બ્રિટનનાં ગૃહમંત્રી પ્રીતિ પટેલ સીમા દળ અને ઇમિગ્રેશન અધિકારીઓ માટે વધારાના સુરક્ષા ઉપાયો જાહેર કરશે, જે આગામી જાન્યુઆરીથી અમલમાં આવી શકે છે. 

મીડિયા રિપોર્ટમાં જણાવાયું છે કે ખિસ્સાકાતરુ કે ચોરી કરતા ગુનેગારો પર પણ પ્રતિબંધ લદાઇ શકે છે, પછી ભલે તેમને અગાઉ 1 વર્ષથી ઓછી સજા થઇ હોય. આ ફેરફારનો અર્થ એ છે કે ઇયુના ગુનેગારો સાથે પણ એવો જ વ્યવહાર કરાશે કે જેવો હાલ યુરોપીય સંઘ બહારના દેશોના ગુનેગારો સાથે થાય છે.

ગંભીર ગુનાના દોષિતોને રોકવામાં મદદ મળશે
આ ફેરફાર બાદ સીમા દળ અને ઇમિગ્રેશન અધિકારીઓ કોઇ ગંભીર ગુનામાં દોષિત ઠરેલા લોકોને બ્રિટનમાં ઘૂસતા રોકવા સક્ષમ બનશે. આ નવો નિયમ બ્રિટનમાં પ્રવેશતી એવી દરેક વ્યક્તિને અસર કરશે કે જેનાથી જનતાની સુરક્ષાને ખતરો જણાય. તદુપરાંત, નફરત ફેલાવનારા કે તોફાનીઓ કે સામાજિક તંગદિલી ફેલાવવાની મુરાદ સાથે બ્રિટનમાં વસવાની આશા રાખતા અન્ય લોકોને પકડવા મંત્રી મંજૂરી આપી શકશે. 

આ કાર્યવાહી નવા નિયમોનો મહત્ત્વનો ભાગ છે. તેનાથી હાઇલી સ્કિલ્ડ વર્કર્સને ફાયદો થશે અને તેમના માટે બ્રિટનના વિઝા મેળવવા સરળ બનશે. આ પોઇન્ટ સિસ્ટમ હશે, જેથી બ્રિટનમાં રહેવા અને કામ કરવા ઇચ્છતા લોકોએ વિઝા માટે અરજી કરવા 70 પોઇન્ટ મેળવવા જરૂરી રહેશે. એક ચોક્કસ લેવલ સુધી અંગ્રેજી બોલવામાં સક્ષમ હોય, માન્ય એમ્પ્લોયર તરફથી નોકરીની ઓફર હોય અને લઘુત્તમ વેતન મર્યાદા પૂરી કરવા જેવી કેટલીક મુખ્ય અપેક્ષાઓ સંતોષાય તો જ પોઇન્ટ અપાશે.