• Home
  • News
  • બ્રિટનની ઋષિ સુનક સરકારે કહ્યું- અમે BBCની સાથે છીએ:સંસદમાં ચર્ચા દરમિયાન IT રેડ પર કહ્યું- લોકતંત્રમાં મીડિયાની આઝાદી જરૂરી
post

ભારત સાથેના પોતાના સંબંધોનો ઉલ્લેખ કરતા રેટલીએ કહ્યું કે, UK અને ભારત વચ્ચે ગાઢ મિત્રતા છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-02-22 19:09:36

દિલ્હી અને મુંબઈમાં BBCની ઑફિસો પર દરોડા પાડવાનો મુદ્દો હવે બ્રિટિશ સંસદમાં ઉઠાવવામાં આવ્યો છે. બ્રિટિશ હાઉસ ઑફ કોમન્સના સાંસદ જિમ શેનને સરકાર પાસે આ મામલે જવાબ માગ્યો છે. આ અંગે સુનક સરકારના સાંસદ ડેવિડ રેટલીએ કહ્યું કે, અમે BBCની સાથે છીએ. બ્રિટિશ સંસદ BBCને ફંડિગ કરે છે અને અમે તેની સ્વતંત્રતાનું સન્માન કરીએ છીએ. બ્રિટનમાં પણ BBC કન્ઝર્વેટિવ અને લેબર બંને પાર્ટીનો વિરોધ કરતું આવ્યું છે.

સાંસદ ડેવિડ રેટલીએ વધુમાં કહ્યું કે, BBCને બોલવાની સ્વતંત્રતા છે જે અમારા મતે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમે ભારત સરકારને પણ કહેવા માગીએ છીએ કે લોકશાહીમાં મીડિયાની સ્વતંત્રતા ખૂબ જ જરૂરી છે. જોકે તેમણે રેડ અંગે કોઈ ઉલ્લેખ કર્યો નહોતો.

BBC માટે કોન્સ્યુલર સમર્થન ઉપલબ્ધ
ભારત સાથેના પોતાના સંબંધોનો ઉલ્લેખ કરતા રેટલીએ કહ્યું કે, UK અને ભારત વચ્ચે ગાઢ મિત્રતા છે અને અન્ય મુદ્દાઓ સાથે આ અંગે પણ ભારત સરકાર સાથે વાતચીત ચાલી રહી છે. બ્રિટિશ સરકાર સમગ્ર મામલામાં નજર રાખી રહી છે. BBC ફક્ત તેના સ્ટાફનુ સમર્થન કરી રહી હતી અને તેના માટે કોન્સ્યુલર સમર્થન ઉપલબ્ધ છે. બીજી તરફ કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદ જુલિયન લુઈસે આ કાર્યવાહીને અત્યંત ચિંતાજનક ગણાવી હતી.

વિપક્ષે કાર્યવાહીને ચિંતાજનક ગણાવી
મંગળવારે બ્રિટિશ સાંસદોએ તાત્કાલિક પ્રશ્ન દ્વારા નીચલા ગૃહમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. ચર્ચા દરમિયાન સાંસદ જિમ શેનને કહ્યું કે, ભારતના નેતા વિરૂદ્ધ રિલીઝ થયેલી ડૉક્યુમેન્ટ્રીને જોતા આ ધમકાવવાનો પ્રયાસ હતો. અન્ય એક લેબર પાર્ટીના સાંસદ ફેબિયન હેમિલ્ટને કહ્યું કે, રેડ પાછળ ભલે ગમે તે કારણ હોય પરંતુ BBC પરની કાર્યવાહી બ્રિટન માટે ચિંતાનો વિષય છે. આ અંગે બંને સરકારો વચ્ચે થયેલી વાતચીતની જાણકારી આપવી જોઈએ.

BBCની દિલ્હી-મુંબઈ ઑફિસ પર દરોડા પડ્યા હતા
નોંધનીય છે કે 14 ફેબ્રુઆરીએ IT વિભાગે દિલ્હી અને મુંબઈમાં BBCની ઑફિસ પર દરોડા પાડ્યા હતા. આવકવેરા વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર BBC પર ઈન્ટરનેશનલ ટેક્સમાં ગેરરીતિનો આરોપ હતો. BBCએ ટ્વિટ કર્યું હતું કે, આવકવેરા વિભાગની ટીમ દિલ્હી અને મુંબઈની ઑફિસમાં હાજર છે. અમે તેમને સંપૂર્ણ સહકાર આપી રહ્યા છીએ. સર્વેની કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન IT ટીમે ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટના લોકોના મોબાઈલ, લેપટોપ-કમ્પ્યુટર્સ જપ્ત કર્યા હતા.

adv

Related News

post
post
post
post
post
post
post