• Home
  • News
  • ભારત સાથેના વિવાદમાં કેનેડાને નુકશાન, આ દેશોને થશે જોરદાર ફાયદો
post

કેનેડિયન ફંડ્સ માટે ભારતીય શેરબજાર અને ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ ઉત્તમ વળતરનો સ્ત્રોત સાબિત થયા

Written By newsonline | Ahmedabad | Published: 2023-09-26 18:26:54

India Canada Dispute : ભારત અને કેનેડા વચ્ચે ચાલી રહેલ વિવાદ વિશ્વભરમાં ચર્ચાનો વિષય બની ગયો છે. દાયકાઓથી મિત્રો રહેલા આ બંને દેશો હવે સામસામે આવી ગયા છે. બંને દેશોએ એક બીજાના વરિષ્ઠ રાજદૂતોની હકાલપટ્ટી કરી દોઢી છે. ભારતે કેનેડા માટે વિઝા સર્વિસ પર પાબંદી લગાવી દીધી છે. હવે બંને દેશો વચ્ચેના ખરાબ સંબધોની અસર દુર સુધી ફેલાય તેવી શંકા પ્રબળ બની છે. જો આ વિવાદ ચાલુ રહ્યો તો આર્થિક બાબતોમાં (disadvantages of canada's economy) કેનેડાને સૌથી વધુ નુકશાન થવાનું છે,જ્યારે અમુક દેશોને મોટો ફાયદો થવાનો છે જેમાં તેના મિત્ર દેશો પણ સામેલ છે. 

સૌપ્રથમ દ્વિપક્ષીય વેપાર અસર થશે 

ભારત અને કેનેડા વચ્ચેનો આર્થિક સંબંધ ગાઢ રહ્યો છે. કેનેડા સરકારના સત્તાવાર ડેટા અનુસાર, 2022માં બંને દેશો વચ્ચેનો દ્વિપક્ષીય વેપાર $13.7 બિલિયનનો હતો. છેલ્લા કેટલાક વર્ષોમાં તે ઝડપથી વિકસ્યું છે અને કેનેડાની ધીમી અર્થવ્યવસ્થા પર તેની અસરો બહુપક્ષીય છે. બંને દેશો તાજેતરના વિવાદ પહેલા અર્લી પ્રોગ્રેસ ટ્રેડ એગ્રીમેન્ટ પર વાટાઘાટો કરી રહ્યા હતા. બંને પક્ષો આ વર્ષના અંત સુધીમાં વાટાઘાટો પૂર્ણ કરવા અને સોદાને અંતિમ સ્વરૂપ આપવાની તૈયારી કરી રહ્યા હતા. આ ડીલથી બંને દેશો વચ્ચેના પરસ્પર વેપારમાં અનેકગણો વધારો થવાની અપેક્ષા હતી અને આગામી વર્ષોમાં કેનેડાના અર્થતંત્રને અબજો ડોલરનો ફાયદો થશે. અત્યારે કેનેડાએ વાતચીત અટકાવી દીધી છે. જેથી હાલ કોઈ ફાયદો થાય તેવી સ્થિતિ પણ રહી નથી. 

ભારતીય બજારમાં મોટું રોકાણ

કેનેડિયન ફંડ્સ માટે ભારતીય શેરબજાર અને ભારતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ ઉત્તમ વળતરનો સ્ત્રોત સાબિત થયા છે. ઊભરતાં બજારોમાં ભારતીય શેરબજાર શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહ્યું છે. ભારત ઝડપથી ઉભરતું અર્થતંત્ર હોવાથી આપણા શેરબજારની સંભાવનાઓ અપાર છે. આ જ કારણ છે કે ઘણા વિકસિત દેશોના પેન્શન ફંડ વધુ સારા વળતર માટે ભારતીય બજાર તરફ વળ્યા છે. હાલમાં ભારતીય બજારમાં કેનેડાનું રોકાણ 36 અબજ ડોલરથી વધુ છે અને તેમાંથી એકલા પેન્શન ફંડ CPPIBએ જ ભારતીય શેરોમાં 32 અબજ ડોલરથી વધુનું રોકાણ કર્યું છે.

કેનેડા માટે રોકાણ બંધ થઇ શકે છે 

કેનેડા સહિત ઘણા વિકસિત દેશો તેમના ફંડ પર વધુ સારું વળતર મેળવવા માટે ઉભરતા બજારોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં રોકાણ કરી રહ્યા છે. આ સંદર્ભમાં, ભારત કરતાં વધુ સારું બજાર કોઈ નથી. ભારત સરકારના આંકડા મુજબ દેશમાં દર વર્ષે 10 હજાર કિલોમીટરથી વધુ હાઇવે બનાવવામાં આવી રહ્યા છે. ભારતનો ઈન્ફ્રાસ્ટ્રક્ચર પરનો ખર્ચ આ વર્ષે 33 ટકા વધીને $122 બિલિયન થઈ ગયો છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર આવા મોટા પાયે કામ કરવાથી વિશ્વભરના ભંડોળને રોકાણ કરવાની અને વધુ સારું વળતર મેળવવાની તક મળે છે.

મોટાભાગના વિદ્યાર્થીઓ ભારતમાંથી જાય છે

ઉચ્ચ શિક્ષણમાં કેનેડાને સૌથી મોટું નુકશાન થઇ શકે છે. હાલમાં, કેનેડિયન અર્થતંત્રમાં શિક્ષણ મુખ્ય ભૂમિકા ભજવે છે. દર વર્ષે અન્ય દેશોમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે કેનેડા આવે છે. ઉચ્ચ શિક્ષણના બદલામાં તેઓ પહેલા કેનેડિયન શૈક્ષણિક સંસ્થાઓને ફી ચૂકવે છે. આ સિવાય, જ્યાં સુધી તે અભ્યાસક્રમ દરમિયાન કેનેડામાં રહે છે, ત્યાં સુધી તે એકંદર વપરાશમાં મોટો હિસ્સો ધરાવે છે. કેનેડા આવતા વિદેશી વિદ્યાર્થીઓમાં સૌથી વધુ ભારતીયો છે. આ આંકડામાં એકલા ભારતનો ફાળો લગભગ 40 ટકા છે.

કેનેડાના અર્થતંત્રમાં આટલું યોગદાન

એક અહેવાલ અનુસાર કેનેડા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પાસેથી દર વર્ષે લગભગ 30 અબજ ડોલર એટલે કે રૂ. 2.50 લાખ કરોડ મેળવે છે. આમાં 40 ટકા એટલે કે રૂ. 1 લાખ કરોડથી વધુનું યોગદાન એકલા ભારતના વિદ્યાર્થીઓનું છે. એક રિપોર્ટ જણાવે છે કે એકલા પંજાબમાંથી દર વર્ષે સરેરાશ 1.36 લાખ વિદ્યાર્થીઓ કેનેડા જાય છે અને તેઓ કેનેડાની અર્થવ્યવસ્થામાં વાર્ષિક 70 હજાર કરોડ રૂપિયાનું યોગદાન આપે છે.

વિવાદની વ્યાપક અસર દેખાવા લાગી

ભારત અને કેનેડા વચ્ચેના વિવાદની અસર હવે વ્યાપક બની રહી છે. જો વિવાદ વધશે તો કેનેડિયન ફંડ્સ માટે ભારતીય શેરબજાર સુધી પહોંચવું મુશ્કેલ બની શકે છે. સંબંધોમાં તણાવ હોય ત્યારે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સમાં રોકાણના રસ્તા સૌથી પહેલા બંધ થાય તે સ્વાભાવિક છે. વેપારના મોરચે વાટાઘાટો પહેલાથી જ અટકી ગઈ છે અને બાકીનું નુકસાન સ્ક્રુટિની કડક થવાને કારણે થઈ શકે છે. સ્ટડી વિઝા પર કોઈ પ્રતિબંધ ન હોવા છતાં શૈક્ષણિક બાબતોને પણ અસર થઈ રહી છે.

ભારતીય વિદ્યાર્થીઓએ વિકલ્પો શોધવાનું શરૂ કર્યું

કેનેડિયન શૈક્ષણિક સંસ્થાઓ ભારતીય વિદ્યાર્થીઓને આશ્વાસન આપવાનો પ્રયાસ કરી રહી છે, પરંતુ અનિશ્ચિતતાને કારણે ભારતીય વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોએ વિકલ્પો શોધવાનું શરૂ કર્યું છે. કેનેડાના મિત્ર દેશો અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા વગેરેને અહીં ફાયદો થઈ શકે છે. ઘણા શૈક્ષણિક સલાહકારોને ટાંકીને એક અહેવાલમાં એવું કહેવામાં આવ્યું છે કે લોકોએ વિકલ્પો શોધવાનું શરૂ કરી દીધું છે અને જો ટૂંક સમયમાં સંબંધ સામાન્ય નહીં થાય તો ભારતીય વિદ્યાર્થીઓ કેનેડાના બદલે અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલીયા જેવા વિકલ્પ પસંદ કરવાનું શરૂ કરશે.