• Home
  • News
  • રોશની કૌભાંડ:જમીન ગોટાળાની CBI તપાસ શરૂ, જમ્મુ કાશ્મીર હાઈકોર્ટે રદ કર્યો હતો સરકારી જમીન પર કબજો મેળવવાનો કાયદો
post

ફારૂક અબ્દુલ્લા CM હતા ત્યારે જમ્મુ કાશ્મીરમાં વિવાદિત રોશની એક્ટ લાગુ કરાયો હતો. હાઈકોર્ટે જેને રદ કરી દીધો હતો

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-24 09:50:58

જમ્મુ કાશ્મીરના વિવાદિત રોશની કૌભાંડ કેસમાં CBIએ તપાસ શરૂ કરી દીધી છે. મીડિયા રિપોટ્સ મુજબ, આ કૌભાંડ લગભગ 25 હજાર કરોડ રૂપિયાનું છે. જમ્મુ કાશ્મીર હાઈકોર્ટે રોશની એક્ટને ગેરબંધારણીય ગણાવી તે અંતર્ગત વહેંચવામાં આવેલી તમામ જમીનનું રજિસ્ટ્રેશન રદ કરવા અને 6 મહિનામાં જમીન પરત લેવાના આદેશ આપ્યા હતા. હાઈકોર્ટે જ એક્ટની આડમાં થયેલા કૌભાંડની તપાસ CBIને સોંપી હતી.

મળતી માહિતી મુજબ, તપાસ એજન્સીએ આ મામલે રાજ્ય સરકારના અધિકારીઓને આરોપી બનાવ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કૌભાંડમાં જમ્મુ કાશ્મીરના એક પૂર્વ મંત્રી સહિત અનેક નેતાઓના પણ નામ સામે આવ્યા છે. આ લોકોએ સરકારી જમીન ગેરકાયદે રીતે પોતાના નામે કરાવી લીધી હતી.

પહેલાં પણ સામે આવ્યો હતો ભ્રષ્ટાચાર આ મામલે જમ્મુ કાશ્મીરના એન્ટી કરપ્શન ડિપાર્ટમેન્ટે પહેલાં જ કેસ દાખલ કર્યો હતો. કોર્ટના આદેશ પછી CBIએ સંપૂર્ણ તપાસ પોતાના હાથમાં લીધી છે. CBIએ આ મામલે ગુનાકિય ષડયંત્ર અંગે 3 FIR દાખલ કરી છે.

શું છે વિવાદિત રોશની એક્ટ?
જમ્મુ કાશ્મીરમાં 2001માં લાવવામાં આવેલો જમ્મુ કાશ્મીર રાજ્ય ભૂમિ એક્ટને જ રોશની સ્કીમના નામથી પણ ઓળખવામાં આવે છે. જે અંતર્ગત, રાજ્ય સરકારે ઘણી જ નજીવી કિંમતે સરકારી જમીન પર અતિક્રમણ કરનારા લોકોને તે જમીન પર જ સ્થાયી કબજો આપવાની વાત કરી હતી. સીધા શબ્દોમાં કહીએ તો, આ એક્ટની મદદથી સરકારી જમીન પર થયેલા ગેરકાયદે કબજાને કાયદાકીય મહોર મારવામાં આવી હતી.

આ એક્ટને રોશની કેમ કહેવામાં આવ્યું?
ફારૂક સરકારે જમીનના એક્ટને લાગુ કરતા સમયે કહ્યું હતું કે જમીન પરના કબજાને કાયદાકીય માન્યતા આપવાથી જે ફંડ આવશે, તેને રાજ્યના પાવર પ્રોજેક્ટસ પર ખર્ચ કરવામાં આવશે. જે બાદ જ એક્ટના નામ સાથે રોશની જોડાય ગયું. માર્ચ 2002થી રોશની એક્ટ લાગુ થયું. ફારૂક અબ્દુલ્લા CM હતા ત્યારે લાવવામાં આવેલી સ્કીમના દાયરામાં 1990થી થયેલા તમામ અતિક્રમણોને સામેલ કરવામાં આવ્યા હતા.

કેટલી જમીન પર ગેરકાયદે કબજો?
જમ્મુ કાશ્મીરમાં લાખો એકર સરકારી જમીન પર નેતાઓ, પોલીસ, પ્રશાસન અને રેવેન્યૂ ડિપાર્ટમેન્ટના અધિકારીઓનો કબજો હતો. આ એક્ટની મદદથી લગભગ અઢી લાખ એકર જમીન પરના કબજાને કાયદાકીય સ્વરૂપ આપવામાં આવ્યું હતું. કરોડો રૂપિયાની આ જમીનો નામ માત્રની કિંમત પર આપવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં ખ્યાલ આવે છે કે રાજ્યના અનેક પૂર્વ મંત્રીઓએ પોતાની સાથે તેમના સંબંધીઓના નામે પણ અનેક એકર સરકારી જમીન પર કબજો જમાવી દીધો હતો.

 

adv

Related News

post
post
post
post
post
post
post