• Home
  • News
  • ઇઝરાયેલમાં સત્તા પરિવર્તન:વિરોધી પક્ષો વચ્ચે ગઠબંધન પર સંમતિ, બેનેટ બનશે આગામી વડાપ્રધાન; 12 વર્ષથી સત્તા પર રહેલા નેતન્યાહુનું શાસન સમાપ્ત
post

આઠ વિરોધ પક્ષ વચ્ચે ગઠબંધન પર હસ્તાક્ષર થયા, ઇઝરાયેલના વડાપ્રધાનપદેથી નેતન્યાહુની વિદાય નક્કી

Written By newsonline | Ahmedabad | Published: 2021-06-03 11:18:47

ઇઝરાયેલના ચાલી રહેલ ઘમસાણ વચ્ચે વિપક્ષી રાજકીય પાર્ટીઓ વચ્ચે ગઠબંધન બાબતે સંમતિ થઈ ગઈ છે. ત્યાર બાદ 12 વર્ષથી સત્તા પર રહેલા હાલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુ સરકારનું જવું હવે નિશ્ચિત થઈ ગયું છે. માર્ચમાં યોજાયેલી ચૂંટણીમાં તેમની પાર્ટી બહુમતના આંકડાને સ્પર્શી શકી ન હતી.

સૌથી મોટી પાર્ટીના નેતા હોવાથી નેતન્યાહુએ વડાપ્રધાનપદે શપથ લીધા. જોકે તેઓ બહુમતી સાબિત કરી શક્યાા નહોતા. આ પછી બીજા નંબરની પાર્ટી અને તેમનાં સાથી દળોને સરકાર બનાવવા માટે આમંત્રણ અપાયું હતું. આ માટે તેમણે 2 જૂન, બુધવારે મધ્યરાત્રિ સુધીમાં પોતાનો બહુમત સાબિત કરવાનો હતો.

8 પાર્ટી વચ્ચે ગઠબંધન
આ સમયમર્યાદા પૂરી થયાના માત્ર 38 મિનિટ પહેલાં જ વિપક્ષના નેતા યેર લેપિડે સરકાર બનાવવાની જાહેરાત કરી. તેમણે કહ્યું હતું કે આઠ વિરોધી પક્ષો વચ્ચે ગઠબંધન પર હસ્તાક્ષર થયા છે. હવે તેઓ સરકાર બનાવશે. તેમણે રાષ્ટ્રપતિ રુવેન રિવલિનને ગઠબંધનની સંમતિ અંગેની માહિતી આપી છે. હવે ગૃહમાં મતદાન કર્યા બાદ સરકારને શપથ ગ્રહણ કરાવવામાં આવી શકે છે.

બંને પક્ષના નેતાઓ એક બાદ એક વડાપ્રધાન બનશે
વિરોધી પક્ષો વચ્ચે થયેલા કરાર મુજબ, હવે બંને પક્ષના નેતાઓ એક બાદ એક વડાપ્રધાન બનશે. સૌથી પહેલા દક્ષિણપંથી યામિના પાર્ટીના નેતા નેફ્ટાલી બેનેટ પ્રથમ વડાપ્રધાન પદના શપથ લેશે, તેઓ 2023 સુધી આ પદ પર રહેશે. ત્યાર બાદ યેશ અટિડ પાર્ટીના યર લેપિડ વડાપ્રધાન બનશે.

ઇઝરાયેલના નાગરિકો માટે કામ કરશે સરકાર
લેપિડે કહ્યું હતું કે આ સરકાર ઇઝરાયેલના તમામ નાગરિકો માટે કામ કરશે. જે લોકોએ અમને મત આપ્યો અને જેમણે નથી આપ્યો તેમના માટે પણ. ઇઝરાયેલમાં એકતા બનાવી રાખવાની જવાબદારી સરકારની છે.

બે વર્ષમાં અત્યારસુધીમાં 4 વાર ચૂંટણી યોજાઈ છે
જો વિપક્ષ પણ સરકાર બનાવવામાં નિષ્ફળ જાય તો એ નિશ્ચિત હતું કે ઇઝરાયેલમાં પાંચમી વખત ચૂંટણી યોજાશે. છેલ્લાં બે વર્ષથી અહીં રાજકીય અસ્થિરતા હતી. માર્ચમાં યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં નેતન્યાહુની પાર્ટી બહુમતી પ્રાપ્ત કરવામાં અસમર્થ રહી હતી અને સાથીપક્ષોનો ટેકો મળ્યો ન હતો. બહુમતી સાબિત કરવા માટે તેમને 120 માંથી 61 બેઠકની જરૂર હતી. ત્યાર બાદ વિપક્ષના નેતાઓને સરકાર બનાવવા માટે 28 દિવસનો સમય આપવામાં આવ્યો હતો, પરંતુ ગાઝામાં સંઘર્ષને ધ્યાનમાં લેતા પ્રક્રિયામાં મોડું થતું રહ્યું હતું.

પ્રથમ વખત ગઠબંધનની સરકાર
જોકે આ નવા ગઠબંધનમાં લેફ્ટ વિંગની મેરેટઝથી લઈને બેનેટની દક્ષિણપંથીની યામિના પાર્ટીનો ભાગ છે, સાથે જ એમાં ઇસ્લામિક પાર્ટી યુનાઇટેડ અરબનો પણ સમાવેશ છે. આ પહેલીવાર છે કે જ્યારે અરબ ઇઝરાયેલ પાર્ટી કોઈ ગઠબંધનનો ભાગ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post