• Home
  • News
  • ચીન અને પાકિસ્તાન પાસે ભારત કરતા વધારે પરમાણું હથિયાર, અણુશક્તિમાં રશિયા સૌથી આગળ છે: રિપોર્ટ
post

આંતરરાષ્ટ્રીય સ્તરે હથિયારોની ખરીદીમાં 10 વર્ષમાં (2010-2019) 5.5%નો વધારો થયો

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-17 10:48:40

નવી દિલ્હી: સ્વિડનની થિંક ટેન્ક સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (સિપરી રિપોર્ટ 2020) દ્વારા એક રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં દાવો કરાયો છે કે, ચીન અને પાકિસ્તાન પાસે ભારત કરતા વધારે પરમાણુ હથિયારો છે. હાલમાં ચીન પાસે 320 અને પાકિસ્તાન પાસે 160 પરમાણુ શસ્ત્રો છે. ભારત પાસે 150 પરમાણુ હથિયારો છે. આ રિપોર્ટમાં એવા દેશોનો ઉલ્લેખ છે કે જેઓ પાસે સત્તાવાર રીતે પરમાણુ શસ્ત્રો છે.

સિપરીના જણાવ્યા અનુસાર- વિશ્વના કુલ પરમાણુ શસ્ત્રોનો 90% હિસ્સો રશિયા અને અમેરિકા પાસે છે. બંને દેશો જૂના શસ્ત્રોને ખતમ કરી રહ્યા છે. આ જ કારણ છે કે ગયા વર્ષે પરમાણુ શસ્ત્રોની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હતો. જો કે, ચિંતાનો વિષય છે કે જૂનાને બદલે આ બંને દેશો નવા પરમાણુ હથિયારો બનાવી રહ્યા છે.

સૈન્ય ખર્ચમાં વધારો
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2010થી 2019ની વચ્ચે હથિયારોની ખરીદીમાં 5.5%નો વધારો થયો છે. 2018માં, લગભગ 1,917 અબજ ડોલર (રૂ. 145 લાખ કરોડ) સૈન્ય સુવિધાઓ પર ખર્ચવામાં આવ્યા હતા. આ 10 વર્ષમાં સૌથી વધુ ખર્ચ છે. ઉત્તર આફ્રિકાના દેશોએ 2019ની તુલનામાં આ વર્ષે તેમની સૈન્ય સુવિધાઓ પર 67% વધુ ખર્ચ કર્યો છે.

ચીન પરમાણુ શક્તિમાં વધારો કરી રહ્યું છે
ચીન તેની પરમાણુ શક્તિ વધારવાનો પ્રયાસ કરી રહ્યું છે. આ માટે તે જમીન, હવા અને સમુદ્રથી હુમલો કરી શકે તેવી નવી મિસાઇલો તૈયાર કરી રહ્યું છે. એટલું જ નહીં, તે કેટલાક ફાઈટર જેટ્સ પણ તૈયાર કરી રહ્યું છે જે અણુ હુમલો કરી શકે. ચીને અગાઉ પરમાણુ શક્તિ વિશે વધારે માહિતી આપી નહોતી. પરંતુ, કેટલાક વર્ષોથી તે વિશ્વને પરમાણુ શસ્ત્રો અને ભાવિ યોજનાઓ વિશે થોડી માહિતી આપી રહ્યું છે.

વિશ્વમાં 13,400 પરમાણુ શસ્ત્રો
સિપરીના જણાવ્યા અનુસાર 9 દેશો પાસે પરમાણુ શસ્ત્રો છે. કુલ મળીને હાલમાં આ દેશોમાં 13,400 પરમાણુ હથિયારો (ન્યુક્લિયર વોરહેડ્સ) છે. આમાં 6,375 શસ્ત્રો સાથે રશિયા પ્રથમ સ્થાન ધરાવે છે. ઉત્તર કોરિયા 30થી 40 શસ્ત્રો સાથે છેલ્લે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post