• Home
  • News
  • ચીનમાં 84 હજાર નહીં, 6.4 લાખ દર્દી હતાઃ ચીનનાં 230 શહેરમાં કોરોનાના કેસ હતા
post

ચીનની નેશનલ યુનિવર્સિટી ઑફ ડિફેન્સ ટેક્નોલોજીનો કોરોના સંબંધી ડેટા લીક

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-18 09:25:03

વુહાન: ચીન કોરોનાના કુલ કેસનો સાચો આંકડો છુપાવી રહ્યું છે? તેવો સવાલ બે-ત્રણ મહિનામાં ઘણી વખત ઊઠ્યો છે પણ આ અંગે કોઇ નક્કર પુરાવા નહોતા મળતા. હવે તાજેતરના એક ખુલાસા મુજબ ચીનમાં કોરોનાના કુલ કેસ 84 હજાર નહીં પણ 6.4 લાખ હતા. આ માહિતી મિલિટરીના નેતૃત્ત્વ હેઠળ ચાલતી નેશનલ યુનિ. ઑફ ડિફેન્સ ટેક્નોલોજીમાંથી લીક થઇ છે, જેના ડેટા મુજબ ચીનમાં કોરોનાના પિક દરમિયાન કુલ કેસ 6.4 લાખ સુધી હતા. જોકે, ચીને સત્તાવાર રીતે 84,029 કેસ હોવાનું જ સ્વીકાર્યું છે. લીક થયેલા ડેટામાં દેશનાં 230 શહેરના 6.4 લાખ  કોરોના કેસની વિગતો અપાઇ છે. દરેક એન્ટ્રીમાં કન્ફર્મ કેસ, તારીખ અને સ્થળ નોંધાયેલાં છે, જે ફેબ્રુઆરીની શરૂઆતથી એપ્રિલના અંત સુધીના છે. લોકેશનમાં હોસ્પિટલ, રહેણાક એપાર્ટમેન્ટ, હોટલ, સુપર માર્કેટ, રેલવે સ્ટેશન, રેસ્ટોરન્ટ, સ્કૂલ અને ફાસ્ટફૂડ ચેનની બ્રાન્ચ પણ સામેલ છે. મનાય છે કે દરેક એન્ટ્રી જે-તે કેસ સાથે જોડાયેલી છે, જેનો મતલબ સાફ છે કે દેશમાં ઓછામાં ઓછા 6.4 લાખ કોરોનાથી સંક્રમિત હતા.


વુહાનમાં 21 નવા કેસ આવ્યા, હુબેઇમાં 439 સંક્રમિત
ચીનમાં કોરોનાના નવા 21 કેસ નોંધાયા છે. ચીનના એનએચસીએ જણાવ્યું કે શુક્રવારે સામે આવેલા 8 નવા કેસમાંથી 6 લોકો બહારથી આવેલા છે. પંચે જણાવ્યું કે અન્ય 2 કેસ જિલિન પ્રાંતના છે, જ્યાં તાજેતરમાં જ લૉકડાઉન લાગુ કરાયું છે. મધ્ય હુબેઇ પ્રાંત અને તેના પાટનગર વુહાનમાં શુક્રવાર સુધીમાં કોરોનાનાં લક્ષણો વગરના 439 કેસ સામે આવી ચૂક્યા છે. 


જાહેર સંસાધનો દ્વારા ડેટા એકત્રિત કરાયો, સંખ્યા વધુ પણ હોઇ શકે છે
એવો દાવો કરાય છે કે ચીનમાં કોરોનાના કુલ કેસ 6.4 લાખથી વધુ કે ઓછા પણ હોઇ શકે છે. યુનિ.ની સાઇટ પર લખ્યું છે કે ડેટા ભેગો કરવા વિવિધ જાહેર સંસાધનોનો ઉપયોગ કરાયો છે. તેમાં નામ નોંધાયેલા ન હોવાથી કેસની પુષ્ટિ મુશ્કેલ છે. આ અગાઉ ચીન સામે કોરોનાના દર્દીઓના આંકડા છુપાવવાના આક્ષેપ થયા છે. બીજી તરફ ચીનનો દાવો છે કે તે કોરોના સામે લડવામાં સફળ રહ્યું. સંક્રમણ રોકવા તેણે સમયસર જરૂરી કિટ અને દવાઓ ખરીદી લીધી.


ફેબ્રુ.થી એપ્રિલના અંત સુધીના દર્દીઓના લિસ્ટમાં જીપીએસ કોડિંગ પણ કરેલું છે
ચીનમાં કોરોના સામે લડવામાં ત્યાંના સૈન્યની મોટી ભૂમિકા છે. સૈન્યએ ક્વોરેન્ટાઇન સેન્ટર, ટ્રાન્સપોર્ટ સપ્લાય અને દર્દીઓને સાજા કરવામાં ઘણી મદદ કરી છે. એવામાં ત્યાંના સૈન્ય અધિકારીઓ દ્વારા ઉપયોગમાં લેવાતો ડેટા ઘણો વિશ્વસનીય ગણી શકાય. આ ડેટાથી એવો ખુલાસો પણ થયો કે ચીનના 230 શહેરમાં કોરોના ફેલાયો હતો. તેમાં ફેબ્રુ.થી એપ્રિલના અંત સુધીના સંક્રમિતોનું લિસ્ટ છે. સંક્રમિતો જ્યાંથી મળ્યા તે સ્થળોનું જીપીએસ કોડિંગ પણ છે.

adv

Related News

post
post
post
post
post
post
post