• Home
  • News
  • ચીનની અર્થવ્યવસ્થા ભાંગી પડશે? આંકડા સામે આવતા દુનિયા આખી ચિંતામાં મૂકાઈ, જાણો ભારતને ફાયદો કે નુકસાન
post

ચીનની નબળી પડતી અર્થવ્યવસ્થા ચીન સાથે દુનિયાભરની ચિંતાનું કારણ બની રહી છે

Written By newsonline | Ahmedabad | Published: 2023-10-02 19:24:25

China's economic slowdown: ચીનની અર્થવ્યવસ્થા હાલ મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. બે વર્ષમાં પહેલીવાર જુલાઈ મહિનામાં ચીનના લોકો દ્વારા વપરાતા સામાનની કિંમતમાં ઘણો ઘટાડો જોવા મળ્યો હતો. જે એક ચિંતાનો વિષય છે. કારણ કે ચીન એ દુનિયાની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવે છે. અહીની વસ્તી એક અરબ ચાલીસ કરોડ જેટલી છે. ચીનની અર્થવ્યવસ્થામાં વર્તમાન સમયમાં ધીમી ગતિનો વિકાસ દર, બેરોજગારી અને પ્રોપર્ટી બજારમાં ઉથલ-પુથલ જોવા મળે છે.  

ચીન હાલ મંદીનો સામનો કરી રહ્યું છે. આવી સ્થિતિ ત્યારે આવે જયારે બજારમાં વસ્તુની માંગમાં ઘટાડો થાય અને તેનું ઉત્પાદન જરૂરિયાત કરતા વધુ હોય છે. આ ઉપરાંત ચીનની અર્થવ્યવસ્થાનો મહત્વનો ભાગ ગણાતી એવરગ્રાંડે રીયલ એસ્ટેટ ડેવેલોપરના ચેરમેન હાલ પોલીસ કેદમાં છે. તેમજ તેમની કંપનીના શેરને પણ શેરબજારથી હટાવી દેવામાં આવ્યા છે જેની પણ ચીનના અર્થતંત્ર પર માઠી અસર પડી છે. 

આ મુદ્દો ચીન માટે મોટી સમસ્યા બની ગયો છે. તેમજ આની અસર માત્ર ચીન સુધી જ સીમિત નથી પરંતુ વૈશ્વિક બજારમાં તેની અસર પડી શકે છે. વિશ્લેષકોના મત અનુસાર આ મંદીની સીધી અસર મલ્ટીનેશનલ કંપની, તેના કર્મચારી અને ત્યાં કામ કરતા સામાન્ય લોકો પર કઈ રીતે પડશે તે બાબત આ કંપની ચીન સાથે કઈ રીતે જોડાયેલી છે બાબતથી નક્કી થશે. 

કોવીડ મહામારીની દેશની અર્થવ્યવસ્થા પર પડી અસર 

કોવીડ બાદ આ વર્ષે ચીનની GDP પાછળના ત્રણ મહિનામાં 0.8 ટકા જ વધી છે. તેમજ તેની અંદાજીત વાર્ષિક વૃદ્ધિ 3 ટકા જ છે જે પાછલા ત્રણ દશકમાં સૌથી વધુ નબળી જણાય છે. ચીનના અર્થશાસ્ત્રીઓને આશા હતી કે કોવીડ પછી લોકો વધુ નાણા ખર્ચ કરશે તેમજ ખાનગી કંપનીઓમાં પણ રોકાણ કરશે જેથી ચીનની અર્થવ્યવસ્થામાં સુધારો થાય જેના કારણે વૈશ્વિક અર્થવ્યવસ્થામાં પણ સુધારો થઇ શકે.       

જોકે ચીનની અર્થવ્યવસ્થામાં ખુબ ઝડપી સુધાર જોવા મળ્યા હતા. એવામાં સ્થાનિક પ્રવાસન, રિટેલ અને નિકાસમાં વૃદ્ધિ જોવા મળી હતી. પરંતુ આ બધું લાંબુ ચાલ્યું નહિ. ત્રણ મહિનાના અંત સુધીમાં જ આર્થિક વિશ્લેષકો દ્વારા કંઈક અલગ જ જાણકારી આપવામાં આવી. 8 ઓગસ્ટના આંકડાઓ પરથી જાણવા મળ્યું કે દેશની નિકાસમાં ત્રણ વર્ષમાં જ ઘણો ઘટાડો જોવા મળ્યો છે. જેમાં ચીનની નિકાસ 2021 માં $340 બિલિયન હતી જે ઘટીને 2023માં $284 બિલિયન થઇ હતી. જુલાઈ મહિનાના નિકાસના આંકડા મુજબ ગયા વર્ષની સરખામણીમાં 14.5 ટકા ઓછા નોંધવામાં આવ્યા હતા.

ઓછી સ્થાનિક માંગના સંકેતો વચ્ચે આયાત પણ એક વર્ષ અગાઉની સરખામણીએ 12.4% ઘટીને $201.2 બિલિયન થઈ હતી. આ પછી, દેશનો વૈશ્વિક વેપાર એક વર્ષ અગાઉના રેકોર્ડ પહેલા કરતા 20.4% ઘટીને 80.6 અબજ ડોલર થયો છે. આ પછી કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (CPI)ના આંકડા બહાર આવ્યા. જેમાં ચીનની અર્થવ્યવસ્થા છેલ્લા કેટલાક વર્ષોમાં સૌથી નીચી સપાટીએ જોવા મળી હતી.

શું ચીનની અર્થવ્યવસ્થા પડી ભાંગશે?

દુનિયાની ઘણી મોટી કંપનીઓનો વેપાર ચીનથી ચાલે છે. એપલ, બરબેરી, વોક્સવેગન જેવી ઘણી કંપનીઓ કાચો માલ ચીન પાસેથી લે છે. કહેવામાં આવે છે કે દુનિયાભરના એક તૃતીયાંશથી વધુ વિકાસ પાછળ ચીનની ઈકોનોમી છે. એવામાં જો ચીનમાં મંદીની અસર વર્તાય તો સમગ્ર વિશ્વમાં આ મંદીની અસર જોવા મળી શકે છે. અમેરિકાની ક્રેડીટ રેટિંગ એજન્સી ફિચ દ્વારા એવું કહેવામા આવ્યું હતું કે ચીનની મંદીની વૈશ્વિક વિકાસ પર અસર જોવા મળી શકે છે. તેમજ અમુક દિવસો બાદ એજન્સીએ આ મંદીથી આવતી અસરને ઓછી પણ બતાવી હતી. 

આ ઉપરાંત અમુક અર્થશાસ્ત્રી એવું પણ માને છે કે ચીનની મંદીની અસર પૂરી દુનિયા પર પડશે એ વાત પાયાવિહોણી છે. 

ચીનમાં ઘટતી કિંમતોથી શા માટે વધી રહી છે ચિંતા?

ધ ગાર્ડિયનના અહેવાલ મુજબ, છેલ્લા એક દાયકામાં ચીને વિશ્વના 41% ઉપભોક્તા માલની નિકાસ કરી હતી, જે USના 22 ટકા યોગદાન કરતાં લગભગ બમણી છે અને યુરો ઝોનના 9% યોગદાન કરતાં ઘણી વધુ છે. આનો અર્થ એ છે કે ચીને વૈશ્વિક અર્થતંત્રના 2.6 ટકા વાસ્તવિક વૃદ્ધિ દરના 1.1 ટકા માલનું ઉત્પાદન કર્યું છે. વૈશ્વિક વૃદ્ધિમાં ચીનનો આટલો મોટો હિસ્સો છે કારણ કે તેની અર્થવ્યવસ્થા દર વર્ષે લગભગ 8-9 ટકાના દરે વધી રહી હતી.

હવે જ્યારે તેનો વિકાસ દર અડધો થઈ ગયો છે, ત્યારે તેનું યોગદાન પણ અડધું થઈને લગભગ 0.5 પોઈન્ટ્સ થઈ જશે. ગયા વર્ષે ચીને પણ બેલ્ટ એન્ડ રોડ પ્રોજેક્ટમાં જંગી રોકાણ કર્યું હતું. જે એક ટ્રિલિયન ડોલરથી વધુ છે. આવી સ્થિતિમાં ચીને 150 થી વધુ દેશોને રોડ, સી પોર્ટ અને પુલ બનાવવા માટે ટેક્નિકલ મદદ કરી છે. જો ચીનમાં મંદીની સમસ્યા ચાલુ રહેશે તો તેની સીધી અસર ચાલી રહેલા પ્રોજેક્ટ પર પણ પડી શકે છે.

ભારત અને ચીનના વેપારના આંકડા 

ગયા 26 વર્ષોમાં ભારત અને ચીન વચ્ચે આયાત અને નિકાસમાં ખુબ વધારો થયો છે. ચીનથી થતી આયાત દર વર્ષે 

19.5 ટકા વધી છે જયારે નિકાસ 16.6 ટકા જેટલી વધતી જોવા મળી છે. 

2021 માં, ભારતે ચીનમાંથી $94.1 બિલિયનની આયાત કરી હતી, જ્યારે ચીનમાં ભારતની નિકાસ $23.1 બિલિયન રહી હતી. 1995માં ચીનમાંથી ભારતની આયાત $914 મિલિયન હતી જ્યારે ચીનમાં નિકાસ $424 મિલિયન હતી. 2023 સુધીમાં, બંને દેશો વચ્ચે આયાત-નિકાસમાં ઘટાડો થયો હતો. મે 2023 સુધીમાં, જ્યારે ભારતે ચીન પાસેથી $9.5 બિલિયનની આયાત કરી હતી, ત્યારે નિકાસ $1.58 બિલિયન રહી હતી. પરંતુ વર્ષ 2022ના આંકડા ચોંકાવનારા હતા. આ વર્ષે પ્રથમ વખત બંને દેશો વચ્ચે 136 અબજ ડોલરનો વેપાર થયો હતો. 

આ તે સમય હતો જ્યારે તેમના સંબંધો સારા નહોતા ચાલી રહ્યા અને વેપારનો આંકડો 100 અબજ ડોલરને પાર કરી ગયો હતો. આવી સ્થિતિમાં, બંને દેશો વચ્ચેના વેપાર સંબંધો સૂચવે છે કે જો ચીનની અર્થવ્યવસ્થાને અસર થશે તો તેની અસર ભારત પર પણ જોવા મળશે.

ડિફ્લેશનની અસર પણ જોવા મળશે

અન્ય દેશોની વાત કરીએ તો ચીન એવી ઘણી વસ્તુઓ બનાવે છે જેની તે અન્ય દેશોમાં પણ નિકાસ કરે છે. આવી સ્થિતિમાં જો ચીની માર્કેટમાં વસ્તુઓ નીચી કિંમતે વેચવામાં આવશે તો તેનાથી અન્ય દેશોમાં નિકાસ પર અસર પડશે અને અન્ય દેશોને પણ તે વસ્તુઓ ઓછી કિંમતે મળશે.

જો કે તેની સ્પષ્ટ અસર અન્ય દેશો પર પણ જોવા મળશે. જ્યાં ચીનમાંથી સસ્તો માલ ખરીદવાથી તે માલનું અન્ય દેશોમાં ઉત્પાદન ઘટશે અને તે દેશમાં બેરોજગારી વધશે. હવે જોવાનું એ રહે છે કે ચીનનું ભાવિ કેવું રહેશે. તેની અસર વૈશ્વિક બજારમાં જોવા મળી શકે છે. વળી, ચીનની આર્થિક સ્થિતિ ભારતને અસર કરે છે કે નહીં? હવે એ જોવાનું રહ્યું.