• Home
  • News
  • ચીનથી બહાર નીકળતી કંપનીઓ ભારત આવવા ઉત્સુક નથીઃ 56માંથી 3 કંપની ભારત આવી, બાકીની વિયેતનામ, તાઈવાન, થાઈલેન્ડ ગઈ
post

ભારતમાં અમલદારશાહી, લેબર કાયદા અને ટ્રેડ યુનિયનો સૌથી મોટી સમસ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-29 11:58:47

અમદાવાદ: કોરોના વાઇરસના ફેલાવા બાદ ઘણા દેશોની કંપનીઓ ચીનમાંથી બહાર નીકળવાની તૈયારી કરી રહી છે. ભારત આનો લાભ ઉઠાવવા પ્રયત્ન કરી રહ્યું છે પરંતુ હકીકત થોડી જુદી છે. અગ્રણી વૈશ્વિક રેટિંગ કંપની નોમુરાએ એક અહેવાલમાં જણાવ્યા મુજબ ચીનથી બહાર નીકળવા માગતી કંપનીઓ માટે ભારત પહેલી પસંદગી નથી. ઉલટું ભારતમાં રસ દેખાડનાર કંપનીઓનું પ્રમાણ ઘણું જ ઓછુ છે. પાછલા ત્રણ વર્ષમાં 56 કંપનીમાંથી માત્ર ૩ કંપનીઓએ જ ભારતમાં પોતાને માટે સ્થાન મેળવ્યું છે. 

ચીનમાં વધતા વેતન અને સરકારની દખલની અસર
નોમુરાએ એક અહેવાલમાં જણાવ્યું છે કે, ચીનમાં વધતા વેતન ખર્ચ અને શી જિનપિંગની સત્તા આવ્યા પછી સરકારની દખલગીરી વધવાથી કંપનીઓ પોતાના માટે વધુ સારા વિકલ્પોની શોધમાં છે. આ સિવાય ચીનમાં કોવિડ-19ના ફાટી નીકળતાં કંપનીઓને ભારત અથવા દક્ષિણ એશિયાના દેશોમાં જવાનું કારણ પણ મળી ગયું છે.

કંપનીઓ માટે ભારતમાં પણ ઘણી સમસ્યાઓ છે
સરકાર ભારતમાં આ પ્રોજેક્ટને મંજૂરી આપે તો પણ, કંપનીઓએ ફેક્ટરીની જમીન માટે ખેડૂતો સાથે સોદો કરવો પડે છે. ત્યાર બાદ તેને ભ્રષ્ટ અમલદારશાહીમાંથી પસાર થવું પડે છે. આ બધું થયા પછી, સ્થાનિક માફિયાઓ, માફિયાથી જોડાયેલા NGO અને સ્થાનિક ટ્રેડ યુનિયનો સિવાય લેબર કાયદામાંથી પસાર થવું પડશે. જોકે નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી સરકાર લેબર કાયદા અને અન્ય મુદ્દાઓને ઉકેલવામાં રોકાયેલી છે, પરંતુ તેની સામે અદાલતોમાં પણ લાંબા કેસ ચાલી રહ્યા છે, જે અડચણરૂપ છે. જો મોદી સરકાર આ સુવર્ણ તક છોડવા માંગતી નથી, તો સરકારે આ તમામ મુદ્દાઓ વહેલી તકે હલ કરવા પડશે.

26 કંપનીઓ વિયેતનામ અને 11 તાઇવાન ગઈ
ચીનમાંથી પોતાનું ઉત્પાદન બંધ કરનાર 56 કંપનીઓમાંથી માત્ર ૩ કંપનીઓ ભારત સ્થાનાંતરિત થઈ છે, જ્યારે 26 કંપનીઓએ વિયેતનામનો માર્ગ અપનાવ્યો છે અને 11 કંપનીઓએ તાઇવાનને તેમનું કેન્દ્ર બનાવ્યું છે. 8 કંપનીઓએ થાઇલેન્ડમાં તેમના ઉત્પાદન શરુ કર્યા છે. જોકે ભારતને આશા છે કે આ કંપનીઓ યુવાન વસ્તી વિષયક અને ઓછા વેતન દરને ધ્યાનમાં લઇ ભારત આવશે. જોકે, હજુ સુધી ભારતને ધાર્યું પરિણામ મળ્યું નથી.

જાપાન-કોરિયાની કંપનીઓએ ગુજરાત આવવાની તૈયારી બતાવી
ગુજરાત સરકારના એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, જે કંપનીઓ ભારતમાં પ્રોડક્શન શરુ કરવા માગતી હોય તો ગુજરાત તેના માટે સારો વિકલ્પ બની શકે છે. જાપાન અને કોરિયાની ઘણી કંપનીઓ ચીનમાંથી પોતાનું ઉત્પાદન ભારત લાવવા માંગે છે. અમેરિકન કંપનીઓ પણ આવું કરવા વિચારી રહી છે. આ અંગે અમને પૂછપરછ પણ આવી છે. ગુજરાતમાં રોકાણ વધે તે હેતુથી રાજ્ય સરકાર અને ઇન્ડસ્ટ્રીઝ ડીપાર્ટમેન્ટ અલગ અલગ વ્યાપારિક સંસ્થાઓના સંપર્કમાં છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post