• Home
  • News
  • લૉકડાઉન-4માં છૂટછાટ આપ્યાના 8 દિવસમાં કોરોના બોમ્બ બનીને ફૂટ્યો, 3000 કેસ
post

19 મેના રોજ જ્યારે લૉકડાઉનમાં છૂટ મળી ત્યારે 11745 કેસ, 694 મોત હતાં

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-27 09:34:44

અમદાવાદ: લૉકડાઉનના ચોથા તબક્કામાં વેપાર, ધંધા, ઉદ્યોગો શરૂ કરવા સહિતની મહત્તમ છૂટ આપવામાં આવી છે સાથે આંતર જિલ્લા અવરજવર પણ કોઇપણ પ્રકારની મંજૂરી વિના શરૂ થઇ ગઇ છે ત્યારે લૉકડાઉન-4ના આઠ જ દિવસમાં સમગ્ર રાજ્યમાં કોરોનાના 3083 જેટલા કેસ નોંધાયા છે. જ્યારે આ જ સમયગાળામાં 221 મૃત્યુ કોરોનાને કારણે થયા છે. આ સમયગાળામાં અમદાવાદમાં સૌથી વધુ 2158 કેસો નોંધાયા છે જ્યારે 190 દર્દીઓના મૃત્યુ થયા છે. સરકારે આર્થિક ગતિવિધિઓને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે છૂટછાટ આપી છે પરંતુ હવે લોકોની જવાબદારી પણ એટલી જ વધી ગઇ છે. 17મી મેના રોજ લૉકડાઉન-3 સમાપ્ત થયું અને 18મીથી લૉકડાઉન-4ની શરૂઆત થઇ. 

લૉકડાઉન-4ના પ્રથમ દિવસે 8683 કેસ હતા જે 8 દિવસમાં વધીને 10,841 થયા
ગુજરાતમાં રાજ્ય સરકાર દ્વારા 19મીએ કેન્દ્રની ગાઇડલાઇન પ્રમાણે છૂટછાટો જાહેર કરી છે. એક તરફ બે મહિનાના લૉકડાઉન પિરીયડ બાદ જનજીવન રાબેતા મુજબ ફરી શરૂ થયું છે પરંતુ સંક્રમણ પણ એટલી જ ઝડપથી વધી રહ્યું છે. 18મી મેના રોજ લૉકડાઉન-4 શરૂ થયું એ દિવસે રાજ્યમાં કોરોના પોઝીટીવ કેસોની કુલ સંખ્યા 11,746 હતી. જેના આઠ દિવસ બાદ એટલે કે 26મી મેના રોજ કુલ 14,829 કેસો નોંધાયા છે. સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમણથી સૌથી વધુ પ્રભાવિત અમદાવાદ છે. અમદાવાદમાં લૉકડાઉન-4ના પ્રથમ દિવસે 8683 કેસ હતા જે 8 દિવસમાં વધીને 10,841 થયા છે. 

રાજ્યનો રિકવરી રેટ 48 % થયો, અમદાવાદમાં 436 સાથે કુલ 500 દર્દી સાજા  
ગુજરાતમાં મંગળવારે કોરોનાના 361 નવા કેસો નોંધાયા હતા અને તેની સામે 503 દર્દીઓ સાજા થયાં હતા.  આ સાથે સમગ્ર ગુજરાતમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો 14,829 પર પહોંચ્યો છે જ્યારે વધુ 27 દર્દીઓના મૃત્યુ સાથે હવે કોરોનાને કારણે જીવ ગુમાવનારાં લોકોનો આંકડો 915 પર પહોંચ્યો છે. હાલ ગુજરાતનો રિકવરી રેટ વધીને 48.13 ટકા થયો છે જે એક અઠવાડિયા પહેલાં માત્ર 40.89 ટકા હતો. ગુજરાત સરકારે છેલ્લાં કેટલાંય સમયથી સરકાર તરફથી કરાતી કાર્યવાહી અંગે સમાચાર માધ્યમોને કરાતાં અધિકારીઓના બ્રિફિંગ બંધ કરી દીધાં છે. આ ઉપરાંત કેસ, મૃત્યુના આંકડા પણ ભળતીસળતી રીતે આપી દેવાય છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post