• Home
  • News
  • કોરોના દુનિયામાં:છેલ્લા 24 કલાકના નવા કેસમાં દુનિયામાં ભારત નંબર વન, બ્રાઝિલ સહિત 22 દેશમાં હવે ત્રીજી લહેરનું જોખમ
post

કોરોનાવાયરસનો નવો UK સ્ટ્રેન અમેરિકાનાં 50 રાજ્યમાં ફેલાઈ ચૂક્યો છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-04-08 12:06:33

ભારત સંક્રમણની બીજી લહેરની ઝપેટમાં આવી ચૂક્યું છે, જ્યારે દુનિયાના 22 દેશ એવા છે, જ્યાં હવે કોરોનાની ત્રીજી લહેરે દસ્તક આપી દીધી છે. એમાં બ્રાઝિલ, ફ્રાન્સ, રશિયા જેવા દેશ પણ સામેલ છે. આ વચ્ચે સંક્રમણની બીજી લહેર અંગેના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે.

દુનિયાને સૌથી વધુ કોરોનાની બીજી લહેરે નુકસાન પહોંચાડ્યું છે. આ તબક્કામાં સૌથી વધુ કેસ તો વધ્યા જ, પણ સાથે સૌથી વધુ મૃત્યુ પણ થયાં છે. અમેરિકાના આંકડા પર નજર નાખીએ તો પ્રથમ તબક્કામાં અહીં એક જ દિવસની અંદર સૌથી વધુ 80 હજાર દર્દી મળ્યા હતા. જ્યારે બીજા તબક્કામાં એમાં 1000%નો વધારો થયેલો જોવા મળ્યો છે. આ તબક્કામાં એક જ દિવસની અંદર 3.80 લાખથી વધુ નવા દર્દી મળ્યા છે. આ જ પ્રમાણે, બ્રાઝિલમાં પ્રથમ તબક્કામાં એક દિવસની અંદર 70 હજાર કેસ સામે આવ્યા હતા, જ્યારે બીજા તબક્કામાં આ વધીને 97 હજારને પાર થઈ ગયા. અહીં હવે ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે.

ગત દિવસે દુનિયામાં ભારતમાં સૌથી વધુ કેસ સામે આવ્યા
ભારતમાં ગત દિવસે 1.15 લાખ નવા કેસ નોંધાયા છે. આ સાથે 4 એપ્રિલના રોજ મળેલા 1.03 લાખ દર્દીનો રેકોર્ડ પણ તૂટી ગયો હતો. 59,700 દર્દી સ્વસ્થ થયા અને 630 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે, જ્યારે નવા કેસોની દૃષ્ટિએ મહારાષ્ટ્ર વિશ્વમાં ત્રીજા નંબરે પહોંચી ગયું છે. આ અંગે હવે બ્રાઝિલ અને અમેરિકા જ એનાથી આગળ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 55,469 નવા કેસ નોંધાયા છે. 34,256 સાજા થયા, જ્યારે 297 લોકો મૃત્યુ પામ્યા છે.

વેક્સિનેશન શરૂ થયા બાદ ફરી ઝડપી વધ્યા કેસ
સમગ્ર દુનિયામાં ખૂબ જ ઝડપી સંક્રમણ ફેલાઈ રહ્યું છે, એ ખૂબ જ ભયાનક છે. સૌથી વધુ ચિંતાની વાત એ છે કે વેક્સિનેશન શરૂ થયા બાદ એમાં ફરીથી વધારો થયો છે. 7 જાન્યુઆરીએ સમગ્ર દુનિયામાં સૌથી વધુ 8.44 લાખ કેસ નોંધાયા હતા. એ સમગ્ર દુનિયાનો પિક હતો. ત્યાર બાદ એમાં ઘટાડો થવાનો શરૂ થયો હતો. 21 ફેબ્રુઆરીએ સૌથી ઓછા 3.22 લાખ કેસ આવ્યા હતા. આ સાથે જ એમાં ફરીથી વધારો થવાનો શરૂ થયો હતો. આ દરમિયાન સમગ્ર દુનિયામાં સૌથી વધુ વેક્સિન પણ આપવામાં આવી છે. હવે દરરોજ 5 લાખથી વધુ દર્દી સામે આવી રહ્યા છે.

અત્યારસુધીમાં 13.30 કરોડ કેસ
દુનિયામાં અત્યારસુધીમાં 13.30 કરોડથી વધુ લોકો કોરોનાની ઝપેટમાં આવી ચૂક્યા છે. એમાંથી 28.86 લાખ દર્દી પોતાનો જીવ ગુમાવી ચૂક્યા છે, જ્યારે 10.72 કરોડ લોકો સાજા થયા છે. 2.28 કરોડ દર્દીઓની સારવાર ચાલી રહી છે. એમાં 2.27 કરોડ દર્દીમાં સંક્રમણનાં હળવાં લક્ષણ છે, જ્યારે 99,507 દર્દીની હાલત ગંભીર છે.

કોરોનાં અપડેટ્સ

·         કોરોનાવાયરસનો સૌથી જોખમી સ્ટ્રેન B.1.1.7 (UK સ્ટ્રેન) અમેરિકાનાં તમામ 50 રાજ્યોમાં ફેલાઈ ચૂક્યો છે. અમેરિકાના સેન્ટર ફોર ડિઝીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC)ના ડિરેકટર ડો. રોશેલ વાલેંસ્કીએ કહ્યું હતું કે છેલ્લાં ચાર સપ્તાહથી સંક્રમણ ઝડપી ફેલાઈ રહ્યું છે.

·         અમેરિકાના રાષ્ટ્રપતિના ચીફ મેડિકલ એડવાઇઝર એન્થોની ફૌસીએ લોકોને હાલમાં કેટલાક દિવસો સુધી બહાર ઓછામાં ઓછો સમય રહેવાની અપીલ કરી છે, જ્યારે બ્રાઉન યુનિવર્સિટી, બ્રાઉન યુનિવર્સિટી સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના ડીન ડો.આશિષ ઝાએ ચેતવણી આપી હતી કે રાજ્યોને કેટલાંક વધુ અઠવાડિયાં માટે પ્રતિબંધ હટાવવાની રાહ જોવી પડશે.

·         યુરોપના ડ્રગ રેગ્યુલેટર, EMAએ એ વાતોનો ઇનકાર કર્યો છે કે તેણે ઓક્સફોર્ડ એસ્ટ્રાઝેનેકા વેક્સિન લીધા પછી બ્લડ ક્લોટિંગ જેવા કેસોને લઈને કોઈ લિંકની વાત કરી હતી. EMAના નિષ્ણાતોનું કહેવું છે કે અમે હવે આની તપાસ કરી રહ્યા છીએ અને આવનારા બે દિવસમાં અમને રિપોર્ટ મળશે.

·         બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોહન્સને આગામી સપ્તાહથી અનલોકના બીજા તબક્કાની શરૂઆત કરવાની જાહેરાત કરી. સરકારી આંકડા મુજબ, દેશે લોકડાઉન પ્રતિબંધોને સરળ બનાવવા માટે તમામ 4 ટેસ્ટ પૂર્ણ કર્યા છે અને પ્રતિબંધોને આગળ વધારવા માટે કોઈ કારણ હોવાનું જણાતું નથી.

જાપાનમાં કોરોનાની ચોથી લહેર
જાપાનમાં બરાબર 107 દિવસ બાદ ઓલિમ્પિક શરૂ થવાનો છે, આ દરમિયાન કોરોનાના વધતા કેસો ચિંતા વધારી છે. સોમવારે એક જ દિવસમાં લગભગ 2,500 કેસ મળી આવ્યા બાદ ચોથી લહેરની આશંકા જણાઈ રહી છે. આ દરમિયાન જાપાનના આરોગ્યમંત્રી નોરીહિસા તામુરાએ જણાવ્યું, કોરોનાના UK સ્ટ્રેનને કારણે સંક્રમણ ઝડપી ફેલાયું છે. જાપાનમાં સોમવારે 2,458 નવા કેસ મળ્યા છે. જ્યારે બે દિવસ પહેલાંના કેસનો આંકડો 2,702 હતા અને 8 લોકોનાં મોત થયાં છે.

ઓસાકામાં એક જ દિવસમાં સંક્રમિત બમણા થયા છે. સોમવારે 719 નવા દર્દી મળ્યા, એમાં 270માં બ્રિટિશ સ્ટ્રેન મળ્યો છે. રાજધાની ટોકિયોમાં એક જ દિવસમાં 399 દર્દી મળ્યા છે. એનાથી ટોકિયોમાં યોજાનારા ઓલિમ્પિકની ચિંતા વધારી દીધી છે. જોકે આરોગ્યમંત્રીનું કહેવું છે કે કંઇ પણ હોય, ઓલિમ્પિક રદ નહીં થાય. બીજી તરફ, ફ્રાન્સે પણ સંક્રમણ અટકાવવા માટે નિયમો કડક કર્યા છે.

અમેરિકામાં ફૂલોની ઘાટીમાં પ્રવાસીઓની એન્ટ્રી
અમેરિકાના કેલિફોર્નિયામાં આવેલા 55 એકરમાં ફેલાયેલા કાલર્સબેડની ઘાટી સાત કરોડ ફૂલોથી ખીલી ઊઠી છે. અહીં રેનનકુલસની અલગ-અલગ પ્રજાતિનાં ફૂલો ખીલ્યાં છે. લોકો ઘાટીમાં સુંદરતાને નિહાળી શકે એટલા માટે પ્રવાસીઓ માટે એને ખોલી દેવામાં આવી છે, પરંતુ મર્યાદિત પ્રવાસીઓને જ પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. લોકોને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post