• Home
  • News
  • કોરોનાએ સોનાનો ચળકાટ ઝાંખો પાડ્યો, 2020-21 દરમિયાન ભારતની સોનાની આયાતમાં 10-15%નો ઘટાડો થઇ શકે છે
post

એપ્રિલ દરમિયાન સોનાની આયાતમાં 99.5% જેવો મોટો ઘટાડો નોંધાયો

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-07 12:10:39

અમદાવાદ: ભારત વર્ષોથી સોનાનો મુખ્ય આયાતકાર દેશ ગણાય છે, પરંતુ ગત ડિસેમ્બરથી શરુ થયેલી કોરોના મહામારીના પગલે દેશની સોનાની આયાત ઘણી જ ઓછી થઇ ગઈ છે. જાણકારોના મતે વર્ષ 2019-20 દરમિયાન સોનાની આયાતમાં 19.87% જેટલો ઘટાડો થયો છે. મુખ્યત્વે જાન્યુઆરી-માર્ચ દરમિયાન કોરોનાની અસર વધવાની સાથે જ આયાત એકદમ ઘટી ગઈ હતી. આ સિવાય હાલમાં ભારત સહીત વિશ્વના અનેક દેશોમાં લોકડાઉન છે જેના કારણે પરિવહનની કામગીરી ઠપ્પ છે. આ જોતા જુન ક્વાર્ટરમાં પણ સોનાની આયાત નહીવત રહેવાની ધારણા છે. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રોમોશન કાઉન્સિલના વાઈસ પ્રેસિડેન્ટ કોલીન શાહે જણાવ્યું કે, કોરોનાનો ઈલાજ જ્યાં સુધી નહિ મળે ત્યાં સુધી સોનાની આયાતમાં વધારો થવાની સંભાવના નથી. બીજી તરફ લોકડાઉન હોવાથી જ્વેલરીની માગ પણ ન હોવાથી ચાલુ નાણાકીય વર્ષમાં ભારતની સોનાની આયાત 10-15% જેટલી ઘટી શકે છે.

એપ્રિલમાં ભારતની સોનાની આયાતમાં ધરખમ ઘટાડો
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના આંકડા મુજબ નાણાકીય વર્ષ 2019-20માં ભારતની સોનાની કુલ આયાત 727.9 ટન હતી. જે તેના આગલા વર્ષે 908.4 ટન હતી. એટલે કે, આયાતમાં 19.87% ઘટાડો થયો છે. ભારત સરકારે જાહેર કરેલા આંકડા પ્રમાણે આ વર્ષે એપ્રિલમાં માત્ર 60 ટન સોનાની આયાત થઇ છે જે એપ્રિલ 2019 કરતાં અંદાજે 99.5% ઓછી છે. બુલિયન માર્કેટના જાણકારો કહે કહે છે કે, આ એપ્રિલ-જુન કવાર્ટરમાં સોનાની આયાત વધે તેવી કોઈ સંભાવના નથી.

ભાવ વધી જવાથી માર્કેટ સેન્ટીમેન્ટ બગડી ગયું હતું
મુંબઈની કેડિયા કોમોડીટીઝના અજય કેડીયાએ જણાવ્યું કે, જાન્યુઆરીમાં આમ પણ સોનાની ખાસ આયાત થતી નથી, બીજી તરફ ફેબ્રુઆરી આવતા સુધીમાં કોરોનાનો ફેલાવો ચીનની બહાર પણ થયો હતો જેના કારણે ઘર આંગણે અને વૈશ્વિક બજારમાં સોનાનો ભાવ વધી ગયો હતો. હાજર બજારમાં સોનું રૂ. 45,000ને પાર કરી ગયું હતું. ભારતમાં હોળી પછી લગ્નની મોસમ આવે છે અને તેની ડિમાન્ડને ધ્યાનમાં રાખીને ફેબ્રુઆરી અને માર્ચમાં સોનાની આયાત થાય છે. આ વખતે ભાવ અને કોરોના બંનેની અસર હેઠળ બજારનું સેન્ટીમેન્ટ બગડી ગયું હતું. આ જ કારણોથી સોનાની આયાત ઘટી છે.

જવેરીઓ માટે પુરવઠાનો પ્રશ્ન હાલ ઉભો થશે નહી
કોલીન શાહે કહ્યું કે, સોનાની આયાત ઘટી ગઈ છે અને હજુ પણ ઘટવાની સંભાવના છે. આમ છતાં જવેલર્સને સોનાની અછત સર્જાય કે પુરવઠાને અસર કરે તેવું લાગી રહ્યું નથી. હાલ લોકડાઉન હોવાથી હાજર બજારમાં સોના કે ઘરેણા માટે કોઈ માગ નથી અને જુન અંત સુધી આ જ સ્થિતિ રહેવાની છે. લોકડાઉન ખુલે તો પણ ડિમાન્ડ રહેશે કે કેમ તે એક મોટો પ્રશ્ન છે. સ્થિતિને સામાન્ય બનતા હજુ 6-8 મહિનાનો સમય લાગી શકે છે.

અક્ષય તૃતિયા ઉપર લોકડાઉનની અસર રહી
કલ્યાણ જવેલર્સના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર ટી એસ કલ્યાણરામને જણાવ્યું કે, ચાલુ વર્ષની અક્ષય તૃતિયાની સ્થિતિ અભૂતપૂર્વ અને સૌથી વધુ વિચિત્ર હતી એવું કહીએ તો ચાલે. લોકડાઉન હોવાથી અક્ષય તૃતિયા દરમિયાન રેગ્યુલર બ્રિક એન્ડ મોર્ટાર શોરૂમમાં વેચાણ શક્ય ન હતું. હાલના સ્થિતિસંજોગોને ધ્યાનમાં રાખીને અમે ઓનલાઈન વેચાણ પર ફોકસ કર્યું હતું. જોકે, તેમાં પણ અમને 10%  વેચાણની જ અપેક્ષા હતી. અમારી જેમ ઘણા અન્ય લોકોએ પણ ઓનલાઈન વેચાણ શરુ કર્યું હતું.

 

adv

Related News

post
post
post
post
post
post
post