• Home
  • News
  • ક્રુડ ઓઈલની કુલ ખપતનું 78 % ખનીજતેલ વાપરનારા મુખ્ય 22 દેશો કોરોનાની લપેટમાં, પેટ્રોપ્રોડક્ટનો વપરાશ 55 % ઘટ્યો
post

ખનીજતેલનો સૌથી વધુ વપરાશ ધરાવતા દેશો આંશિક કે પૂર્ણતઃ લોકડાઉન હેઠળ હોવાથી આર્થિક ગતિવિધિ થંભી ગઈ છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-22 10:45:57

અમદાવાદ: કોરોના મહામારી સમગ્ર દુનિયાના અર્થતંત્ર સામે બહુ મોટો પડકાર ઊભો કરી રહી છે. અમેરિકામાં ક્રુડઓઈલના વાયદા બજારમાં ઐતિહાસિક કડાકો બોલી ગયો છે. ક્રુડઓઈલના ઈતિહાસમાં કદાચ પહેલી જ વાર એવું બની રહ્યું છે કે ઉત્પાદન અને પૂરવઠા કરતાં માગ સતત ઘટતી રહી છે. ચાલુ વર્ષના છેલ્લાં બે મહિનામાં ક્રુડ ઓઈલની માગમાં 35% નો ઘટાડો નોંધાયો છે. તેનું મુખ્ય કારણ એ છે કે ક્રુડ ઓઈલની કુલ વૈશ્વિક ખપતના આશરે 78% વપરાશ જ્યાં છે એ જગતના કુલ 22 દેશો હાલ કોરોના મહામારીનો સામનો કરી રહ્યા છે.  OPEC અને ખનીજતેલ ઉત્પાદક દેશોએ ઘટેલી માંગને ધ્યાનમાં રાખીને રોજનું 1 કરોડ બેરલ ઉત્પાદન ઘટાડ્યું છે. 

રોજિંદા વપરાશમાં અમેરિકા મોખરે
ખનીજતેલના રોજિંદા વપરાશમાં અને ઉત્પાદનમાં પણ અમેરિકા મોખરે છે. અમેરિકામાં રોજનો વપરાશ આશરે 2 કરોડ બેરલ જેટલો છે, જે જગતના કુલ વપરાશના લગભગ 20% જેટલો છે. પછીના ક્રમે 1.27 કરોડ બેરલના રોજિંદા વપરાશ સાથે ચીન 13% હિસ્સો ધરાવે છે. ત્રીજા ક્રમે ભારત (4.6%), જાપાન (4.1%), રશિયા (3.7%) આવે છે. આ ઉપરાંત જર્મની, ફ્રાન્સ, સ્પેન, ઈટાલી અને બ્રિટન એવા યુરોપિય દેશોનો રોજિંદી કુલ ખપત આશરે 7.5% જેટલી છે. 

સૌથી વધુ ખપત ધરાવતા દેશો કોરોનાનો શિકાર
ખનીજતેલની 78% જેટલી ખપત જ્યાં છે એ 22 દેશો હાલ કોરોના સંક્રમણનો ગંભીર સામનો કરી રહ્યા છે. જેમાં ઈટાલી, જર્મની, ભારત, બ્રિટન, સ્પેન, ફ્રાન્સ, સાઉથ આફ્રિકા જેવા દેશો તો લગભગ એક મહિનાથી લોકડાઉન લાગુ કરી ચૂક્યા છે. પરિણામે અહીં જનજીવન સદંતર ઠપ્પ છે અને તમામ આર્થિક ગતિવિધિ બંધ છે. આથી ખનીજતેલનો વપરાશ આ દેશોમાં સતત તળિયે જઈ રહ્યો છે. ભારતમાં જ છેલ્લાં એક મહિનામાં પેટ્રોલ-ડીઝલના વપરાશમાં 65થી 70% નો ઘટાડો નોંધાયો છે. 

રોજનો 2 કરોડ બેરલ વપરાશ ઘટ્યો
કોરોના સંક્રમણના પગલે દુનિયાના મોટાભાગના દેશો પૂર્ણતઃ અથવા તો આંશિક લોકડાઉનનું પાલન કરી રહ્યા છે. જેમાં ભારત, અમેરિકા, કેનેડા, જાપાન ઉપરાંત યુરોપના લગભગ તમામ દેશ સામેલ છે. આ દેશોમાં પેટ્રોલ-ડીઝલની ખપત છેલ્લાં એક મહિનામાં ઐતિહાસિક નીચી સપાટીએ હોવાથી વિશ્વભરમાં ક્રુડઓઈલના વપરાશમાં રોજનો 2 કરોડ બેરલનો ઘટાડો નોંધાયો છે. 

 

adv

Related News

post
post
post
post
post
post
post