• Home
  • News
  • કોરોના દેશમાં:દેશ કોરોનાની બીજી લહેર તરફ આગળ વધી રહ્યો છે; અનેક રાજ્યોમાં એક્ટિવ કેસ વધી રહ્યા છે
post

સાત સપ્તાહના ઘટાડા પછી કોરોનાના કેસમાં વધારો થયો, મોતનો આંકડો પણ વધ્યો

Written By newsonline | Ahmedabad | Published: 2020-11-10 09:38:19

દેશ હવે કોરોનાની બીજી લહેર તરફ આગળ વધી રહ્યો છે. આ વાત ફક્ત હવામાં જ કહેવામાં આવી રહી નથી. પણ જે પ્રમાણે આંકડા આવી રહ્યા છે તેને જોતા આ અંગેના સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે.કોરોનાના એક્ટિવ કેસ (એવા દર્દી કે જેઓ સારવાર હેઠળ છે) જોઈએ તો છેલ્લા 3-4 દિવસમાં તેમા ઘટાડો થવાની ગતિ ધીમી પડી ગઈ છે.
એટલે કે 7 દિવસ અગાઉ દરરોજ 15થી 24 હજાર એક્ટિવ કેસ ઓછા થતા હતા. પણ હવે તે ફક્ત 2-3 હજાર વચ્ચે છે. 2 નવેમ્બરના રોજ 21 હજાર 447 એક્ટિવ કેસ ઘટ્યા હતા. 3 નવેમ્બરના રોજ 7 હજાર અને 4 નવેમ્બરના રોજ 6 હજાર કેસ ઘટ્યા હતા.

2
દિવસથી એક્ટિવ કેસ 3 હજારથી ઓછા ઘટી રહ્યા છે
છેલ્લા બે દિવસથી 3 હજારથી પણ ઓછા એક્ટિવ કેસ ઘટી રહ્યા છે. 7 નવેમ્બરના રોજ 2995 અને 8 નવેમ્બરના રોજ 2210 એક્ટિવ કેસ ઘટ્યા છે. આનો અર્થ સ્પષ્ટ છે કે મોટાભાગના રાજ્યોમાં કોરોના ફરીથી માથુ ઉચકવા લાગ્યો છે. શુક્રવારે 18, શનિવારે 19 અને રવિવારે 11 રાજ્યમાં એક્ટિવ કેસ વધતા જોવા મળ્યા છે. જો આ સ્થિતિ આગળ જતા રહેશે તો 3-4 દિવસમાં એક્ટિવ કેસ ઘટવાને બદલે વધવાનું વલણ સર્જાઈ શકે છે. અને જો આ વલણ સર્જાશે તો દેશમાં કોરોનાની બીજી લહેર માનવામાં આવશે.

અત્યાર સુધી 85.56 લાખ કેસ
દેશમાં અત્યારે 85 લાખ 56 હજાર 878 લોકો સંક્રમિત થઈ ચુક્યા છે. આ પૈકી 5 લાખ 10 હજાર 135 દર્દીની સારવાર ચાલી રહી છે. જ્યારે 79 લાખ 18 હજાર 221 લોકો સાજા થઈ ચુક્યા છે. સંક્રમણને લીધે અત્યાર સુધીમાં 1 લાખ 26 હજાર 683 લોકો તેમનો જીવ ગુમાવી ચુક્યા છે.

છેલ્લા ઘણા દિવસોથી નવા કેસની સંખ્યા 50 હજારની આસપાસ થઈ ગઈ છે. એ પણ ત્યારે જ્યારે ટેસ્ટિંગ થોડુંક ઘટાડવામાં આવ્યું છે. રવિવારે 8.35 લાખ ટેસ્ટ કરવામાં આવ્યા, આ સંખ્યા છેલ્લા 42 દિવસોમાં સૌથી ઓછી છે.

કેરળના રાજ્યપાલ હોસ્પિટલમાં દાખલ
કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાનને રાજકીય મેડિકલ કોલેજ તિરુઅનંતપુરમમાં દાખલ કરવામાં આવ્યા છે. ગત 7 નવેમ્બરના રોજ તેઓ કોરોનાથી સંક્રમિત થયા હતા. રાજભવનના પીઆરઓના જણાવ્યા પ્રમાણે અત્યારે તેમની તબિયત સારી છે.

દેશમાં કોરોનાના કેસમાં ફરી એકવાર વધારો નોંધાઈ રહ્યો છે. મોતનો આંકડો પણ વધી રહ્યો છે. ગત સપ્તાહે 3 લાખ 24 હજાર 542 કેસ નોંધાયા. આ એના પહેલાંવાળા સપ્તાહની તુલનામાં 5176 વધુ રહ્યા. આ પહેલાં સાત સપ્તાહથી નવા કેસમાં ઘટાડો નોંધાઈ રહ્યો હતો. મોતનો આંકડો પણ સતત ઘટી રહ્યો હતો, પણ ગત સપ્તાહે 4011 લોકોનાં મોત થયાં, જેમાં આના પહેલાંવાળા સપ્તાહની તુલનામાં 422નો વધારો નોંધાયો છે.

દેશમાં રવિવારે 46 હજાર 660 કેસ નોંધાયા. 48 હજાર 369 દર્દી સાજા થયા અને 490 દર્દીનાં મોત થયા. દેશમાં અત્યારસુધીમાં 85.53 લાખ કેસ નોંધાઈ ચૂક્યા છે, જેમાંથી 79.15 લાખ દર્દી સાજા થઈ ચૂક્યા છે. 1.26 લાખ દર્દીનાં મોત થયાં છે અને 5.09 લાખ દર્દીની સારવાર ચાલી રહી છે.

કોરોનાં અપડેટ્સ

·         આખાય દેશમાં કોરોનાના કેસ ઘટતા જઈ રહ્યા છે, તો આ તરફ દિલ્હીમાં કોરોનાના નવા કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. દિલ્હી સરકારના જણાવ્યા પ્રમાણે, રાજધાનીમાં કોરોના વાઈરસની ત્રીજી લહેર ચાલી રહી છે. દરરોજ 7 હજારથી વધુ નવા કેસ નોંધાઈ રહ્યા. વધી રહેલા પ્રદૂષણ અને કોવિડ-19ના વધતા કેસને કારણે હોસ્પિટલ પર ભારણ વધી ગયું છે.

·         મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ એક વખત ફરી રાજ્યમાં કોરોનાના વધતા કેસ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે રવિવારે કહ્યું હતું કે હવે મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેર સહન નહીં કરી શકાય. કોરોનાના કેસમાં ઘટાડાને કારણે લોકડાઉનમાં છૂટ આપવામાં આવી છે, પણ એનો અર્થ એ નથી કે કોરોના સમાપ્ત થઈ ચૂક્યો છે.

·         રેલવેએ પશ્વિમ બંગાળમાં 11 નવેમ્બરથી સબ અર્બન સર્વિસીઝ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય રેલવેમંત્રી પીયૂષ ગોયલે રવિવારે જણાવ્યું હતુંકે કોવિડ-19ના પ્રોટોકોલનું પાલન કરતાં રેલવે 696 સબ અર્બન ટ્રેનને શરૂ કરશે.

પાંચ રાજ્યની સ્થિતિ
1.
મધ્યપ્રદેશ
રાજ્યમાં રવિવારે કોરોનાના 891 નવા કેસ નોંધાયા હતા. 688 દર્દી સાજા થયા અને 11 લોકોનાં મોત થયાં. અત્યારસુધીમાં 1 લાખ 77 હજાર 359 લોકો સંક્રમણના સંકજામાં આવી ચૂક્યા છે, જેમાં 1 લાખ 66 હજાર 403 લોકો સાજા થઈ ચૂક્યા છે, 3028 દર્દીનાં મોત થઈ ચૂક્યાં છે. 7928 દર્દી એવા છે જેમની સારવાર ચાલી રહી છે.

2. રાજસ્થાન
રાજ્યમાં રવિવારે 1872 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. 1813 દર્દી સાજા થયા અને 10 લોકોનાં મોત થયાં. અત્યારસુધીમાં 2 લાખ 11 હજાર 310 લોકો સંક્રમિત થયા છે, જેમાંથી 1 લાખ 92 હજાર 945 દર્દી સાજા થઈ ચૂક્યા છે, 1989 લોકોનાં મોત થયાં છે અને 16 હજાર 376 દર્દીની સારવાર ચાલી રહી છે.

3. બિહાર
રવિવારે રાજ્યમાં 801 લોકો સંક્રમિત નોંધાયા. 825 દર્દી સાજા થયા અને આઠ દર્દીનાં મોત થયાં. અત્યારસુધીમાં 2 લાખ 22 હજાર 62 લોકો સંક્રમણના સંકજામાં આવી ચૂક્યા છે, જેમાંથી 2 લાખ 14 હજાર 736 દર્દી સાજા થઈ ચૂક્યા છે. 1144 લોકોનાં મોત થયાં છે અને 6731 દર્દીની સારવાર ચાલી રહી છે.

4. મહારાષ્ટ્ર
રાજ્યમાં રવિવારે 5585 સંક્રમિત નોંધાયા, 8232 સાજા થઈ ગયા અને 125 લોકોનાં મોત થયાં. અહીં અત્યારસુધીમાં 17 લાખ 19 હજાર 858 કેસ નોંધાયા છે, 15 લાખ 77 હજાર 330 સંક્રમિત સાજા થઈ ચૂક્યા છે અને 45 હજાર 240 લોકો આ બીમારીને કારણે જીવ ગુમાવી ચૂક્યા છે.

5. ઉત્તરપ્રદેશ
રવિવારે રાજ્યમાં 2247 લોકો સંક્રમિત થયા છે. 1858 લોકો સાજા થયા અને 26 લોકોનાં મોત થયાં છે. અહીં અત્યારસુધીમાં 4 લાખ 97 હજાર 563 કેસ નોંધાઈ ચૂક્યા છે, જ્યારે 7206 દર્દીનાં મોત થયાં છે. હાલ 23 હજાર 249 દર્દીની સારવાર ચાલી રહી છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post