• Home
  • News
  • કોવિશીલ્ડને મંજૂરી:યુરોપિયન યુનિયનના 7 દેશો અને સ્વિટ્ઝર્લેન્ડે ભારતની કોવિશીલ્ડને માન્યતા આપી
post

વેક્સિનના ગ્રીન પાસ મુદ્દે ભારતે સ્પષ્ટ શબ્દોમાં યુરોપિયન દેશોને આપી ચેતવણી આપી હતી

Written By newsonline | Ahmedabad | Published: 2021-07-01 12:08:04

 

યુરોપીય યુનિયનના 7 દેશો અને સ્વિત્ઝરલેન્ડે ભારતની કોવીશીલ્ડને માન્યતા આપી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ વેક્સિનના ગ્રીન પાસ બાબતે ભારતે યુરોપિયન યુનિયન (EU)ના દેશોને કડક ચેતવણી આપી હતી. સૂત્રો મુજબ, ભારતે સ્પષ્ટ કહ્યું હતું કે જો યુરોપિયન દેશોની મેડિકલ એજન્સી (EMA) કોવિશીલ્ડ અને કોવેક્સિનને ગ્રીન પાસમાં સામેલ નહીં કરે તો અમે પણ આ દેશોના વેક્સિન સર્ટિફિકેટને માન્ય ગણીશું નહીં. એવામાં યુરોપિયન દેશોના નાગરિકોને પણ ભારતમાં ક્વોરન્ટીન કરવામાં આવશે.

યુરોપિયન સંઘે પોતાના 'ગ્રીન પાસ' યોજના હેઠળ પ્રવાસીય પ્રતિબંધોમાં ઢીલ આપી દીધી છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ભારતે જૂથના 27 સભ્ય દેશોને વિનંતી કરી છે કે કોવિશીલ્ડ અને કોવેક્સિનની વેક્સિન લીધેલા ભારતીયોને યુરોપ પ્રવાસની મંજૂરી આપવા અંગે તેઓ અલગ-અલગ વિચાર કરે.

1 જુલાઈથી લાગુ થઈ રહી છે ગ્રીન પાસ યોજના
યુરોપિયન સંઘની ડિજિટલ કોવિડ સર્ટિફિકેશન યોજના 'ગ્રીન પાસ' 1 જુલાઈથી લાગુ થઈ રહી છે, જે અંતર્ગત કોરોના મહામારી દરમિયાન સ્વતંત્ર આવવા-જવાની મંજૂરી આપવામાં આવશે. સૂત્રોના જણાવ્યા મુજબ, ભારતે યુરોપિયન મેડિકલ એજન્સીને જણાવ્યું હતું કે ભારતમાં વેક્સિન અપાયેલા લોકોના સર્ટિફિકેટની ચકાસણી કોવિન પોર્ટલ પર કરી શકાય છે. સૂત્રોના જણાવ્યા મુજબ, ભારતે કહ્યું હતું કે તે પણ ગ્રીન પાસ લઈને આવતા લોકોને ફરજિયાત ક્વોરન્ટીનમાંથી મુક્તિ આપશે.

વિદેશમંત્રી જયશંકર પણ ઉઠાવી ચૂક્યા છે આ મુદ્દો
વિદેશમંત્રી એસ. જયશંકરે મંગળવારે યુરોપિયન સંઘના પ્રતિનિધિ જોસેફ બોરેલ ફોન્ટેલેસ સાથેની મુલાકાત દરમિયાન EUની ડિજિટલ કોવિડ પ્રમાણપત્ર યોજનામાં કોવિશીલ્ડને સમાવિષ્ટ કરવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. ઇટાલીમાં જી-20 સમિટ દરમિયાન આ બેઠક થઈ હતી.

કોવિશીલ્ડને એક મહિનામાં EMAની મંજૂરી મળવાની આશા
સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયા (SII)ના CEO અદાર પૂનાવાલાએ બુધવારે જણાવ્યું હતું કે કંપનીને એક મહિનામાં તેની કોવિડ-19 વેક્સિન કોવિશીલ્ડ માટે યુરોપિયન મેડિસિન્સ એજન્સી (EMA) તરફથી મંજૂરી મળે એવી આશા છે. પૂનાવાલાએ એમ પણ કહ્યું હતું કે વેક્સિન પાસપોર્ટનો મુદ્દો દેશોની વચ્ચે પરસ્પર ધોરણે હોવો જોઈએ.

EMAએ માત્ર 4 વેક્સિનને આપી ગ્રીન પાસની મંજૂરી
યુરોપિયન યુનિયનની એજન્સી, યુરોપિયન મેડિસિન્સ એજન્સી (EMA)એ અત્યારસુધી માત્ર ચાર COVID-19 વેક્સિનને ગ્રીન પાસ માટેની મંજૂરી આપી છે, જેમાં બાયોએનટેક-ફાઇઝરની કોમિરનટી, મોડર્ના, ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાની વેક્સજેવરિયા અને જોનસન એન્ડ જોનસનની જાનસેન સામેલ છે.

બ્રિટન અને યુરોપમાં ઉત્પાદિત ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાના વેક્સજેવરિયાને મંજૂરી આપવામાં આવી છે, પરંતુ કોવિશીલ્ડને ગ્રીન પાસ માટે મંજૂરી આપવામાં આવી નથી, જ્યારે ઓક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકાએ ભારતમાં સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની સાથે મળીને પોતાની વેક્સિનનું નામ કોવિશીલ્ડ રાખ્યું છે. સીરમ સંસ્થા દ્વારા ઉત્પાદિત કોવિશીલ્ડને જ્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ પણ માન્યતા આપી દીધી છે, જ્યારે આ બાબતે EMAનું કહેવું છે કે સીરમ ઈન્સ્ટિટ્યૂટે મંજૂરી માટે હજી સુધી અરજી કરી નથી, એટલા માટે કોવિશીલ્ડને મંજૂરી આપવામાં આવી નથી.

adv

Related News

post
post
post
post
post
post
post