• Home
  • News
  • તાનાશાહ કિમ જોંગે સ્વીકાર્યું: તેમના દેશના લોકો ખાવા માટે વલખાં મારી રહ્યા છે, 3000 રૂપિયે કિલો મળે છે કેળાં
post

1990ના દાયકામાં દુષ્કાળમાં 30 લાખ લોકો ભૂખથી મર્યા હોવાની આશંકા

Written By newsonline | Ahmedabad | Published: 2021-06-18 12:17:59

ઉત્તર કોરિયાના સરમુખત્યાર શાસક કિમ જોંગ ઉને પ્રથમવાર ઔપચારિક રીતે સ્વીકાર્યું છે કે તેમનો દેશ ભોજનની ભારે અછતનો સામનો કરી રહ્યો છે. તેમણે પોતાની પાર્ટીના વરિષ્ઠ નેતાઓની બેઠકમાં કહ્યું હતું, લોકો માટે ભોજન મેળવવું એ અત્યંત કઠિન બની ગયું છે. કિમે કહ્યું હતું કે કૃષિક્ષેત્ર અનાજની ઊપજના લક્ષ્યને હાંસલ કરવામાં નિષ્ફળ રહ્યું છે, કેમ કે ગત વર્ષે આવેલાં તોફાનોને કારણે પૂર આવ્યું હતું.

ઉત્તર કોરિયામાં ખાનપાનની ચીજોના ભાવ આસમાને
એવા રિપોર્ટ મળી રહ્યા છે કે ઉત્તર કોરિયામાં ખાવાપીવાની વસ્તુઓના ભાવ આકાશને આંબી રહ્યા છે. ઉત્તર કોરિયન સમાચાર એજન્સી એનકે ન્યૂઝના અનુસાર, દેશમાં કેળાં 3000 રૂપિયે કિલોના ભાવે વેચાઈ રહ્યાં છે. વાસ્તવમાં ઉત્તર કોરિયામાં આ સંકટ કોરોના મહામારીને કારણે પણ વધુ ગંભીર બન્યું છે, કેમ કે તેણે પોતાના પડોશી દેશોને સ્પર્શતી પોતાની સરહદ બંધ કરી દીધી હતી, જેને કારણે ચીન સાથે વેપાર ઘટી ગયો. હકીકત એ છે કે ઉત્તર કોરિયા ખાનપાનની ચીજો, ખાતર અને ઈંધણ માટે ચીન પર જ નિર્ભર રહે છે.

આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોનો પણ સામનો કરી રહ્યું છે ઉ. કોરિયા
ઉત્તર કોરિયા અનેક આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોનો પણ સામનો કરી રહ્યું છે. આ પ્રતિબંધો ખાસ કરીને તેના પરમાણુ કાર્યક્રમોને કારણે લાદવામાં આવ્યા છે. કિમ જોંગ ઉને દેશની સત્તારૂઢ વર્કર્સ પાર્ટીની મહત્ત્વની સેન્ટ્રલ કમિટીની બેઠકમાં દેશમાં ભોજનની અછતની સ્થિતિ વિશે ચર્ચા કરી હતી. આ બેઠક આ સપ્તાહે રાજધાની પ્યોંગયોંગમાં યોજાઈ હતી. ઉત્તર કોરિયામાં કૃષિ ઉત્પાદનમાં ઘટાડો થયો છે, પરંતુ કિમે આ બેઠકમાં કહ્યું હતું કે છેલ્લા એક વર્ષના મુકાબલે દેશનું ઔદ્યોગિક ઉત્પાદન વધ્યું છે.

1990ના દાયકામાં દુષ્કાળમાં 30 લાખ લોકો ભૂખથી મર્યા હોવાની આશંકા
કિમે આ વર્ષે એપ્રિલમાં પણ સ્વીકાર્યું હતું કે તેમનો દેશ મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. તેમણે એ સમયે અધિકારીઓને કહ્યું હતું કે પોતાની જનતાને મુશ્કેલીઓમાં થોડી પણ રાહત મળે એ માટે એક ‘The Arduous March’ શરૂ કરવામાં આવે. આ શબ્દનો ઉપયોગ ઉત્તર કોરિયામાં વાસ્તવમાં 1990ના દાયકામાં કરવામાં આવ્યો હતો, જ્યારે દેશ કારમા દુષ્કાળનો સામનો કરી રહ્યો હતો. એ સમયે સોવિયેત સંઘના વિઘટન પછી ઉત્તર કોરિયાને મદદ મળવાનું બંધ થઈ ગયું હતું. એ દુષ્કાળ દરમિયાન ભૂખમરાના કારણે કેટલા લોકોનાં મોત થયાં એની સ્પષ્ટ જાણકારી તો મળી નથી, પરંતુ એવું મનાય છે કે તેમાં મોતને ભેટેલા લોકોની સંખ્યા 30 લાખની આસપાસ રહી હશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post