• Home
  • News
  • સરેન્ડર માટે ન્યૂયોર્ક પહોંચ્યા ડોનાલ્ડ ટ્રમ્પ:કોર્ટરૂમમાં વીડિયોગ્રાફી પર પ્રતિબંધ; ફ્લોરિડા પરત ફરીને પ્રેસ કોન્ફરન્સ કરશે પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ
post

અગાઉ 31 માર્ચે ન્યૂયોર્ક ફિલ્ડ ઓફિસના સિક્રેટ સર્વિસ એજન્ટ્સ શુક્રવારે મેનહટનમાં કોર્ટહાઉસ પહોંચ્યા અને તેમની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી

Written By newsonline | Ahmedabad | Published: 2023-04-04 18:26:25

ન્યૂયોર્ક: અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે ન્યૂયોર્ક પહોંચ્યા હતા. પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સ સાથેના અફેર અને પછી રૂપિયા આપીને ચૂપ કરવાના મામલે તેઓ મંગળવારે એટલે આજે કોર્ટમાં હાજર થશે. ટ્રમ્પ બપોરે 12:20 વાગ્યે ફ્લોરિડામાં તેમના માર-એ-લાગો ઘરથી રવાના થયા હતા. તે પછી તેઓ પ્રાઈવેટ જેટ દ્વારા લગભગ 15.50 વાગ્યે ન્યૂયોર્કના ટ્રમ્પ ટાવર પહોંચ્યા. ન્યૂઝ એજન્સી APના જણાવ્યા પ્રમાણે સુનાવણી બાદ ટ્રમ્પ ફ્લોરિડા પહોંચશે અને પ્રેસ કોન્ફરન્સ કરશે.

મેનહટન કોર્ટમાં સુનાવણી દરમિયાન વીડિયોગ્રાફી પર પ્રતિબંધ રહેશે. સ્ટિલ ફોટોગ્રાફર્સના પાંચ ગ્રુપને કાર્યવાહી શરૂ થાય તે પહેલાં થોડી મિનિટો માટે ફોટોગ્રાફ્સ ક્લિક કરવાની મંજૂરી આપવામાં આવશે. જજ મર્ચેને ચુકાદો આપતા કહ્યું - અમેરિકા માટે આ એક ઐતિહાસિક ક્ષણ હશે જ્યારે પ્રથમ વખત પૂર્વ રાષ્ટ્રપતિ પર ક્રિમિનલ ચાર્જ લગાવવામાં આવશે. આવી સ્થિતિમાં અમે કોઈપણ વિવાદનું જોખમ લઈ શકતા નથી. કોર્ટરૂમમાં કોઈપણ ઈલેક્ટ્રોનિક ઉપકરણને મંજૂરી આપવામાં આવશે નહીં.

ટ્રમ્પે વીડિયો-ફોટોગ્રાફી પર પ્રતિબંધ મૂકવાની માગ કરી હતી
આ પહેલાં ટ્રમ્પના વકીલોએ કોર્ટમાં સરેન્ડર દરમિયાન વીડિયો કે ફોટોગ્રાફી પર પ્રતિબંધ લગાવવાની માગ કરી હતી. કોર્ટને લખેલા પત્રમાં તેમણે કહ્યું હતું કે - ટ્રમ્પ વિરુદ્ધ ક્રિમિનલ કેસને લઈને દેશમાં પહેલેથી જ સર્કસ જેવો નજારો છે. એવામાં સરેન્ડરનું મીડિયા કવરેજ તેને વધુ ખરાબ કરશે. આવું કરવાથી કોર્ટરૂમની ગરિમા પણ ઘટશે.

રસ્તામાં પોસ્ટર-બેનરો સાથે સમર્થકો હાજર રહ્યા
માર-એ-લાગોથી ટ્રમ્પ ટાવર સુધીના માર્ગમાં ટ્રમ્પના સમર્થકો હાજર રહ્યા હતા. ઘણી જગ્યાએ તેમના સમર્થનમાં બેનર અને પોસ્ટર પણ જોવા મળ્યાં હતાં. ન્યૂયોર્ક પહોંચીને ટ્રમ્પે સમર્થકોનું અભિવાદન પણ કર્યું. BBCના જણાવ્યા અનુસાર, ટ્રમ્પ બાકીનો સમય આ કેસને લઈને પોતાના વકીલો સાથે મિટિંગમાં વિતાવશે. મંગળવારે, સિક્રેટ સર્વિસ એજન્ટ્સ અને કોર્ટ અધિકારીઓ સાથે, તેઓ પહેલાં ડિસ્ટ્રિક્ટ એટર્ની બ્રેગની ઓફિસમાં અને પછી મેનહટન કોર્ટરૂમમાં સરેન્ડર કરશે.

સુનાવણી પહેલાં ટ્રમ્પ વકીલો સાથે બેઠકમાં વ્યસ્ત હતા
મંગળવારે સુનાવણી દરમિયાન ટ્રમ્પ પર કયા આરોપો લગાવવામાં આવ્યા છે તેનો પણ ખુલાસો થશે. સુનાવણી બાદ ટ્રમ્પને જામીન પર મુક્ત કરવામાં આવે તેવી શક્યતા છે. ત્યાર બાદ તેઓ ફ્લોરિડા પરત ફરશે. AP રિપોર્ટ અનુસાર ટ્રમ્પ પર ઓછામાં ઓછો એક ગંભીર આરોપ સાથે જોડાયેલો ચાર્જ લગાવવામાં આવશે. આ સિવાય કેટલાક અન્ય અહેવાલો અનુસાર ટ્રમ્પના આરોપમાં લગભગ 30 કેસ છે. આ તમામ 2016ની ચૂંટણી દરમિયાન પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને કરવામાં આવેલી ચૂકવણી સાથે જોડાયેલા છે.

ટ્રમ્પના સરેન્ડરને લઈને સુરક્ષા તપાસ કરવામાં આવી હતી
અગાઉ 31 માર્ચે ન્યૂયોર્ક ફિલ્ડ ઓફિસના સિક્રેટ સર્વિસ એજન્ટ્સ શુક્રવારે મેનહટનમાં કોર્ટહાઉસ પહોંચ્યા અને તેમની સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી. એજન્ટોએ જણાવ્યું હતું કે ફ્લોરિડામાં માર-એ-લાગોથી ન્યૂયોર્કના ટ્રમ્પ ટાવર સુધી ટ્રમ્પને બચાવવા માટે અનેક એજન્ટોની જરૂર પડશે.

5 પોઈન્ટ્સમાં સમજો પોર્ન સ્ટાર્સને રૂપિયા આપવાનો સંપૂર્ણ કિસ્સો

1. પોર્ન સ્ટારને ચૂપ કરવા માટે પૈસા ચૂકવવાનો મામલો 2006નો છે. ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ રિયલ એસ્ટેટ બિઝનેસમેન હતા. પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સ ત્યારે 27 વર્ષની હતી અને ટ્રમ્પ 60 વર્ષના હતા. જુલાઈ 2006માં એક ગોલ્ફ ટુર્નામેન્ટ દરમિયાન બંનેની મુલાકાત થઈ હતી.

2. સ્ટોર્મીએ પોતાના પુસ્તક 'ફુલ ડિસ્ક્લોઝર'માં આ બેઠકનો ઉલ્લેખ કર્યો છે. તેણે કહ્યું કે જ્યારે તે ટ્રમ્પને મળી ત્યારે તેની ત્રીજી પત્ની મેલાનિયાએ પુત્ર બેરોનને જન્મ આપ્યો હતો. બેરોનના જન્મને માત્ર 4 મહિના થયા હતા.

3. તેના પુસ્તકમાં સ્ટોર્મીએ જણાવ્યું કે ટ્રમ્પના બોડીગાર્ડ્સે તેને એક સ્ટારના પેન્ટહાઉસમાં ડિનર માટે આમંત્રણ આપ્યું હતું. પુસ્તકમાં તેણે ટ્રમ્પ સાથેના સંબંધો અને તેના શારીરિક દેખાવનો પણ ઉલ્લેખ કર્યો હતો. આ પછી બંને વચ્ચે અફેર શરૂ થયું.

4. એવા આરોપો છે કે ટ્રમ્પે 2016ની રાષ્ટ્રપતિની ચૂંટણી પહેલાં ચૂપ રહેવા માટે સ્ટોર્મીને રૂપિયા આપ્યા હતા. ટ્રમ્પના વકીલે પણ સ્વીકાર્યું હતું કે તેણે ટ્રમ્પ વતી પોર્ન સ્ટારને 1 લાખ 30 હજાર ડોલર (લગભગ 1 કરોડ 7 લાખ રૂપિયા) આપ્યા હતા.

5. ટ્રમ્પ દ્વારા પોર્ન સ્ટારને આપવામાં આવેલા પેમેન્ટનો ખુલાસો વોલ સ્ટ્રીટ જર્નલ દ્વારા જાન્યુઆરી 2018માં કરવામાં આવ્યો હતો. તેના આધારે ટ્રમ્પ સામે ક્રિમિનલ કેસ ફાઇલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ક્રિમિનલ કેસનો સામનો કરનાર તેઓ પ્રથમ અમેરિકી રાષ્ટ્રપતિ છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post