ગૃહમંત્રી પદેથી સુએલા બ્રેવરમેનને બરતરફ કરાયા બાદ રાજકારણ ગરમાયું
UK PM Rishi Sunak News | કેબિનેટમાં ફેરબદલ કરી ગૃહમંત્રી સુએલા બ્રેવરમેનને (Interior Minister Suella Braverman) બરતરફ કર્યા બાદ બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકની મુશ્કેલી વધી ગઈ છે. તેમને પ્રથમ અવિશ્વાસ પત્રનો સામનો કરવો પડ્યો છે. પૂર્વ વડાપ્રધાન બોરિસ જોનસનના (Boris Johnson) વફાદાર ટોરી સાંસદ એન્ડ્રીયા જેનકિન્સે (Andrea Jenkins) સુનકને હટાવીને કોઈ વાસ્તવિક કન્ઝર્વેટિવ પાર્ટીના નેતાની વડાપ્રધાન પદે નિમણૂક કરવાની હાકલ કરી છે.
જેનકિન્સે શું કહ્યું ...
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર અવિશ્વાસ પત્ર શેર કરતાં તેમણે લખ્યું કે 'હવે બહુ થયું... ઋષિ સુનકના જવાનો સમય આવી ગયો છે...". જેનકિન્સે તેમના લોકશાહી રીતે ચૂંટાયેલા નેતા બોરિસ જોનસનથી છૂટકારો મેળવવા માટે પણ સુનકને દોષિત ઠેરવ્યા હતા. ઉલ્લેખનીય છે કે સંસદમાં મડાગાંઠ દરમિયાન જેનકિન્સે બ્રેક્ઝિટ માટે બહાદુરીપૂર્વક લડત આપી હતી.
બ્રેવરમેનને પદેથી હટાવાયા બાદ રાજકારણ ગરમાયું
સુએલા બ્રેવરમેનની બરતરફીના સમાચાર મળતાં જ ટોરી સાંસદોએ ત્વરિત પ્રતિક્રિયા આપી હતી. તેમણે લંડનમાં તાજેતરમાં પેલેસ્ટાઈનના સમર્થનમાં યોજાયેલા દેખાવોને કાબૂમાં લેવામાં પોલીસના પક્ષપાત પર પૂર્વ ગૃહ સચિવની ટિપ્પણીના જવાબમાં ટ્વિટ કરી કે સત્ય બોલવા માટે બરતરફ કરી દેવાયા. ડાબી તરફ નમીને ઋષિએ ખોટો નિર્ણય કર્યો.