• Home
  • News
  • ભારતના રસીકરણ અભિયાનને EU નો ઝટકો, Covishield લેનારાને નહીં મળે ગ્રીન પાસ!
post

ભારતે કોરોના રસીકરણ (Corona Vaccination) મામલે વિશ્વમાં રેકોર્ડ બનાવી દીધો છે. અત્યાર સુધીમાં વિશ્વમાં સૌથી વધુ રસીના ડોઝ આપનાર દેશ બની ગયો છે. પરંતુ આ બધા વચ્ચે રસીકરણ અભિયાનને યુરોપિયન સંઘ (EU) તરફથી મોટો આંચકો મળ્યો છે.

Written By newsonline | Ahmedabad | Published: 2021-06-28 12:04:09

નવી દિલ્હી: ભારતે કોરોના રસીકરણ (Corona Vaccination) મામલે વિશ્વમાં રેકોર્ડ બનાવી દીધો છે. અત્યાર સુધીમાં વિશ્વમાં સૌથી વધુ રસીના ડોઝ આપનાર દેશ બની ગયો છે. પરંતુ આ બધા વચ્ચે રસીકરણ અભિયાનને યુરોપિયન સંઘ (EU) તરફથી મોટો આંચકો મળ્યો છે. સંકેત મળી રહ્યા છે કે કોવિશીલ્ડ (Covishield) રસી મૂકાવનારા મુસાફરોને યુરોપીયન સંઘનો 'ગ્રીન પાસ' આપવામાં ન આવે. અત્રે જણાવવાનું કે રસીકરણ પાસપોર્ટ એટલે કે ગ્રીન પાસ લિસ્ટમાં કોવિશીલ્ડનું નામ સામેલ કરાયું નથી. આ મામલે સીરમ ઈન્સ્ટિટ્યૂટના અદાર પૂનાવાલાએ પણ ટ્વીટ કરીને પ્રતિક્રિયા આપી છે. 

ઈયુ-વાઈડ માર્કેટિંગ ઓથોરાઈઝેશન પ્રાપ્ત રસીને મંજૂરી
હિન્દુસ્તાન ટાઈમ્સના રિપોર્ટ મુજબ યુરોપીયન સંઘ (EU)એ પહેલા કહ્યું હતું કે સભ્ય દેશો કોરોના વાયરસ (Corona Virus) રસીના પ્રકારની પરવા કર્યા વગર પ્રમાણ પત્ર એટલે કે ગ્રીન પાસ બહાર પાડી શકે છે. જો કે હવે સંકેત મળી રહ્યા છે કે ઈયુ વાઈડ માર્કેટિંગ ઓથોરાઈઝેશન પ્રાપ્ત રસી લેનારા લોકોને જ ગ્રીન પાસ આપવામાં આવશે. 1 જુલાઈથી યુરોપિયન યુનિયનના તમામ સભ્ય દેશોમાં ડિજિટલ કોવિડ પ્રમાણપત્ર જાહેર કરાશે જેને ગ્રીન પાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. 

અત્યાર સુધીમાં આ રસીને મળી છે મંજૂરી
અત્રે જણાવવાનું કે હાલના સમયમાં યુરોપીયન મેડિસિન એજન્સી (EMA) દ્વારા ચાર રસીને મંજૂરી અપાઈ છે. આ રસી લેનારા લોકોને જ યુરોપીયન સંઘના સભ્ય દેશો દ્વારા ગ્રીન પાસ આપવામાં આવી શકે છે. EMA એ ફાઈઝર/બાયોએનટેકની કોમિરમનાટી, મોર્ડર્ના, એસ્ટ્રાજેનેકા-ઓક્સફોર્ડની વેક્સજેરવિરિયા અને જ્હોન્સન એન્ડ જ્હોન્સનની જેનસેનને મંજૂરી આપી છે. 

કોવિશીલ્ડને માન્યતા મળી નથી
રિપોર્ટ મુજબ ભારતમાં બનેલી કોવિશીલ્ડને હજુ સુધી EMA દ્વારા માન્યતા અપાઈ નથી. જ્યારે વેક્સજેવિરિયા અને કોવિશીલ્ડ બંને જ એસ્ટ્રાજેનેકા-ઓક્સફોર્ડની રસી છે. ભારતમાં કોવિશીલ્ડનું નિર્માણ પૂણે સ્થિત સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાએ કર્યું છે. જેને વિશ્વ આરોગ્ય સંગઠને મંજૂરી આપેલી છે. 

શું કહ્યું અદાર પૂનાવાલાએ?
સીરમ ઈન્સ્ટિટ્યૂટના અદાર પૂનાવાલાએ આ મામલે ટ્વીટ કરીને જણાવ્યું કે જેમણે કોવિશીલ્ડ લીધી છે તેવા અનેક ભારતીયોને ઈયુના દેશોમાં મુસાફરી કરવામાં મુશ્કેલીઓ આવી રહી છે. હું દરેકને ખાતરી આપું છું કે હું આ મામલો આ દેશોના રેગ્યુલેટર્સ અને ડિપ્લોમેટિક લેવલે ઉચ્ચ સ્તરે લઈ ગયો છું અને આશા રાખુ છું કે જલદી તેનો ઉકેલ આવી જશે. 

સૌથી વધુ રસી આપનારો દેશ બન્યો ભારત
અત્રે જણાવવાનું કે ભારત અમેરિકાને પછાડીને સૌથી વધુ રસીના ડોઝ આપનારો દેશ બન્યો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે બહાર પાડેલા આંકડા મુજબ અત્યાર સુધીમાં  કુલ 32,36,63,297 ડોઝ આપવામાં આવ્યા છે. આ સાથે ભારત રસીકરણમાં અમેરિકાથી આગળ નીકળી ગયું છે. અમેરિકામાં અત્યાર સુધીમાં રસીના કુલ 32,33,27,328 ડોઝ અપાયા છે. ભારતમાં રસીકરણ 16 જાન્યુઆરીથી શરૂ થયું હતું. જ્યારે અમેરિકામાં રસીકરણ 14 ડિસેમ્બરથી શરૂ થયું હતું. 

 

adv

Related News

post
post
post
post
post
post
post