• Home
  • News
  • કોરોનાનો ચેપ ધીમો પડ્યો હોવાનો નિષ્ણાતોનો દાવો, સતત બીજા દિવસે કેસ ઘટીને 205, 15 મોત, હજુ સાવધાની રાખીશું તો વધુ ઘટશે
post

14મીથી 19 જૂનના ગાળામાં 1618 અને 20થી 24માં 1333 કેસ નોંધાયા, જિલ્લામાં પણ 10 કેસ, એકનું મોત

Written By newsonline | Ahmedabad | Published: 2020-06-25 11:52:28

અમદાવાદ: શહેરમાં એક તબક્કે કોરોનાના 300થી વધુ કેસ આવતા હતા પરંતુ સતત બીજા દિવસે કેસ ઘટીને 205 થયા છે. નિષ્ણાતોનું માનવું છેકે, હવે વાઈરસ પણ ધીમો પડી રહ્યો છે. કેસનું પ્રમાણ સતત 3 સપ્તાહ ઘટે પછી તેનો ચોક્કસ ટ્રેન્ડ કહી શકાય.  બુધવારે અમદાવાદમાં શહેરમાં કોરોનાના 205 અને જિલ્લામાં 10 કેસ નોંધાયા હતા. જ્યારે 15 દર્દીઓના મૃત્યુ નીપજ્યા હતા. જિલ્લામાં પણ 1 મૃત્યુ થયું છે.  ગત 14થી 19 જૂનના ગાળામાં 1618 કેસ અને 20થી 24 જૂનમાં 1333 કેસ નોંધાયા છે.  મ્યુનિ. હેલ્થ વિભાગના ડીવાયએમસી ડો. ઓમપ્રકાશે કહ્યું કે, 3 સપ્તાહ સુધી કેસો ઘટતાં રહે તો એવું કહી શકાય કે હવે કોરોના નિયંત્રણમાં છે. 

મ્યુનિ.એ રાજ્ય સરકાર પાસે વધારાના 100 કરોડ માગ્યા
શહેરમાં કોરોના સક્રમણની સ્થિતિમાં મ્યુનિ.ને થઇ રહેલા ભારે ખર્ચમાં રાહત આપતાં અગાઉ રાજ્ય સરકાર દ્વારા 50 કરોડની સહાય આપી હતી. ત્યારે મ્યુનિ.એ બીજા વધારાના 100 કરોડની માગણી કરી છે. કોરોનાને કારણે મ્યુનિ.ને થયેલા ભારે ખર્ચની વિગતો રાજ્ય સરકાર સમક્ષ રજૂ કરાશે. તેને આધારે આ રકમ ચૂકવવામાં આવે તેવી શક્યતા જોવાઇ રહી છે. 

તબીબી કારણો સિવાય પોલીસ કર્મીઓની રજા રદ
કોરોના સંક્રમણ અને અનલૉક-1.0ની ગાઇડલાઇનના અમલીકરણની કામગીરીને લીધે પોલીસ ખાતાના અધિકારી-કર્મચારીની રજા મંજૂર ન કરવા ગૃહ વિભાગે આદેશ જારી કર્યો છે. પોલીસ કર્મચારી-અધિકારી ફરજના સ્થળે હાજર રહે અને પ્રવર્તમાન સૂચનાનું પાલન કરાવી શકાય તે હેતુથી તબીબી કારણો જેવા અનિવાર્ય સંજોગો સિવાય રજા મંજૂર ન કરવા સૂચના અપાઈ છે. 

સમયની સાથે વાઈરસ નબળો પડી રહ્યો છે 
ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ પદ્મશ્રી ડો. તેજસ પટેલે જણાવ્યું હતું કે. ભારત સહિત અન્ય દેશમાં કોરોનાના ટ્રેન્ડને જોતા લાગી રહ્યું છે કે, જે શહેરોમાં સૌથી પહેલા પોઝિટિવ કેસ, મૃત્યુદર વધુ હોય છે, તે શહેરો સૌથી પહેલા બહાર પણ નીકળતા હોય છે. એનો અર્થ એવો નથી કે વાઈરસ બીજે બધે સ્પ્રેડ ન થાય. જેમ સમય જતો જાય તેમ વાઈરસનું સ્વરૂપ પણ નબળું પડી રહ્યું છે. મારે ઇન્ફેક્શિયસ સ્પેશ્યાલિસ્ટ ડો. અતુલ પટેલ સાથે પણ ચર્ચા થઇ હતી. તેમના પ્રમાણે વાઈરસની સંક્રમણ શક્તિ ઘણી ઓછી થઇ હોય તેવું લાગી રહ્યું છે. તેમજ કોવિડના દર્દીમાં પહેલાં દવાની અસર થતાં  સમય લાગતો હતો તેને બદલે ઝડપથી અસર થાય છે. સરકારે ઓપીડી બેઝ પર કોરોના ટેસ્ટ કરવાની પરવાનગી આપી છે, જેથી કોરોનાના કેસ ઝડપથી ડિટેક્ટ થાય છે, જે દર્દી 10 દિવસ ફરીને ગંભીર અવસ્થામાં હોસ્પિટલમાં આવતો હતો, તેને બદલે હવે ઝડપથી નિદાન થતા માત્ર તાવ હોય તેની સાથે સારવાર શરૂ થતાં પરિણામો સારી મળી રહ્યાં છે. તેમજ મૃત્યુદરમાં પણ ઘટાડો થશે.

 

adv

Related News

post
post
post
post
post
post
post