• Home
  • News
  • AAP-કોંગ્રેસ ગઠબંધન પર ફૈઝલ પટેલનું નિવેદન:ભરૂચ બેઠકને લઈ કહ્યું- 'હું અને મારા કાર્યકર્તા ખુશ નથી, આ નિર્ણય પરત લેવાય એ માટે હું હાઇકમાન્ડને રજૂઆત કરીશ'
post

કોંગ્રેસ અને આપ વચ્ચે થયેલા ગઠબંધન મુજબ ભરૂચ અને ભાવનગર બેઠક આમ આદમી પાર્ટીને ફાળવવામાં આવી છે

Written By newsonline | Ahmedabad | Published: 2024-02-24 19:41:07

આગામી લોકસભા ચૂંટણીમાં ગુજરાતની 26 બેઠક પર કોંગ્રેસ અને AAP વચ્ચે ગઠબંધનની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. બંને પક્ષ વચ્ચે નક્કી થયા મુજબ ભરૂચ અને ભાવનગર બેઠક આમ આદમી પાર્ટીને ફાળવવામાં આવશે. કોંગ્રેસના આ નિર્ણય સામે અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે નારાજગી વ્યક્ત કરી છે. આ નિર્ણય પરત લેવાય એ માટે તેમણે દિલ્હી જઈ રજૂઆત કરવાની વાત કરી હતી. ગઠબંધનની સત્તાવાર જાહેરાત થાય એ પહેલાં જ ફૈઝલ પટેલે સોશિયલ મીડિયાના માધ્યમથી અલ્ટિમેટમ આપ્યું હતું અને કહ્યું હતું કે જો ભરૂચ બેઠક પર આપનો ઉમેદવાર આવશે તો તેઓ અને તેના કાર્યકર્તાઓને સમર્થન નહીં કરે.

અંતે... ભરૂચ બેઠક AAPના ફાળે ગઈ
ભરૂચ બેઠક પર AAP અને કોંગ્રેસમાં ભારે ખેંચતાણ બાદ અંતે આપના ફાળે ભરૂચ બેઠક આવી છે. આગામી લોકસભા ચૂંટણીને લઈ ગુજરાતમાં આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. એમાં ગુજરાતની 26માંથી 24 બેઠક પર કોંગ્રેસ અને બે બેઠક પર આમ આદમી પાર્ટી ચૂંટણી લડશે. આમ આદમી પાર્ટીને ભાવનગર અને ભરૂચ બેઠક ફાળવવામાં આવી છે.

ગઠબંધન પહેલાં જ AAPના ઉમેદવારો થઈ ગયા હતા જાહેર
આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની સત્તાવાર જાહેરાત તો આજે થઈ છે, પરંતુ આમ આદમી પાર્ટી દ્વારા તો આ પહેલાં જ ભરૂચ બેઠક પર ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા અને ભાવનગર બેઠક પર બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણાને ઉમેદવાર બનાવવાની જાહેરાત કરી ચૂકી છે.

કોંગ્રેસના નિર્ણયને લઈ ફૈઝલ પટેલ નારાજ
અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ પણ ભરૂચ બેઠક પરથી ચૂંટણી લડવા ઈચ્છુક હતા. ભરૂચ બેઠક પર કોંગ્રેસની જીતની શક્યતા વધુ હોઈ, ફૈઝલ પટેલે આ બેઠક આપને ન ફાળવવા રજૂઆત કરી હતી. ભરૂચ બેઠક આપને ફાળવવાની સત્તાવાર જાહેરાત થતાં ફૈઝલ પટેલે નારાજગી વ્યક્ત કરી હતી. 'દિવ્ય ભાસ્કર' સાથેની વાતચીતમાં ફૈઝલ પટેલે જણાવ્યું હતું કે હાઈકમાન્ડે જે નિર્ણય કર્યો છે એના પર અમે જઈશું. આ નિર્ણયથી હું અને મારા પાર્ટી કાર્યકર્તાઓ નારાજ છીએ. મારે કાર્યકર્તાઓને સમજાવવા પડશે કે પાર્ટીએ આ નિર્ણય શા માટે કર્યો છે. હું દિલ્હી જઈ રહ્યો છું. આ નિર્ણય પરત લેવા માટે હાઈકમાન્ડ સમક્ષ રજૂઆત કરીશ. પાર્ટી કાર્યકર્તાઓ નથી ઈચ્છી રહ્યા કે તેઓ આપને સમર્થન કરે. આગામી લોકસભા ચૂંટણીમાં ગઠબંધન હેઠળ ભરૂચ લોકસભા સીટ આપ પાર્ટીને ફાળવવામાં આવશે તો હું કે કોંગ્રેસ પાર્ટીના સંનિષ્ઠ કાર્યકરો આપ પાર્ટીના ઉમેદવારનું સમર્થન નહીં કરીએ.

બે દિવસ પહેલાં જ ફૈઝલ પટેલે કોંગ્રેસને અલ્ટિમેટમ આપી દીધું હતું
ગુજરાતમાં આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનમાં ભરૂચ સીટ આપને મળે એવી શક્યતાને પગલે બે દિવસ પહેલાં જ ફૈઝલ પટેલ દ્વારા ટ્વીટ કરી કોંગ્રેસને અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યું હતું. ભરૂચ બેઠક કોંગ્રેસને મળે એવી માગ કરી હતી અને જો ભરૂચ બેઠક પર આપનો ઉમેદવાર આવશે તો તેઓ અને તેમના કાર્યકર્તાઓ સમર્થન નહીં કરે એવી વાત સોશિયલ મીડિયાના માધ્યમથી કરી હતી.

શુક્રવારે કહ્યું હતું- 'હું ભરૂચ લોકસભા બેઠક જીતી બતાવીશ'
ફૈઝલ પટેલ દ્વારા શુક્રવારે સોશિયલ મીડિયા X પર રાહુલ ગાંધીનો આભાર પણ માનવામાં આવ્યો હતો અને લખ્યું હતું કે માનનીય રાહુલ ગાંધીજી, તમે મારી અને ભરૂચ કોંગ્રેસના કાર્યકર્તાઓની વાત સાંભળી. અમારી વાતનું સમર્થન કરીને મારું અને મારા ભરૂચ કોંગ્રેસના કાર્યકરોનું સન્માન વધાર્યું છે. હું તમને વચન આપું છું કે હું ભરૂચ લોકસભા જીતીને તમારા વિશ્વાસ પર ખરો ઊતરીશ.

ભરૂચ લોકસભા જીતીને સ્વ. અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ આપીશું- ચૈતર વસાવા
ભરૂચ લોકસભા બેઠક આપને ફાળવવામાં આવતાં ભરૂચ લોકસભા બેઠક પર આપના ઉમેદવાર ચૈતર વસાવાએ રાહુલ ગાંધી, શક્તિસિંહ ગોહિલ અને અહેમદ પટેલનાં પરિવારજનો મુમતાઝ પટેલ અને ફૈઝલ પટેલનો આભાર માન્યો હતો, સાથે વિશ્વાસ આપ્યો હતો કે તેઓ તમામને સાથે લઈને ચાલશે. ભરૂચ લોકસભા જીતીને સ્વ. અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ આપવાની ચૈતર વસાવાએ વાત કરી હતી. કોંગ્રેસના આગેવાનોને પણ અપીલ કરી હતી કે તેઓ પોતાની સ્વાભિમાન યાત્રામાં જોડાય.

ભરૂચમાં નારાજગી, ભાવનગરમાં સમર્થન
INDIA ગઠબંધનમાં આપને ગુજરાતમાં બે બેઠક ફાળવવામાં આવી છે, જેમાં ભરૂચ બેઠક પર કોંગ્રેસમાં નારાજગી છે. જ્યારે ભાવનગર બેઠક પર કોંગ્રેસ દ્વારા આપના ઉમેદવારને સમર્થન આપવાની જાહેરાત કરવામાં આવી હતી. ભાવનગર કોંગ્રેસના જિલ્લા-પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલે કહ્યું હતું કે જ્યારે ગઠબંધન થવાનું હતું ત્યારે જ અમારી પાસે અભિપ્રાય લેવામાં આવ્યો હતો. અમે કોંગ્રેસના કાર્યકર્તાઓ આપના ઉમેદવારને જિતાડવા માટે ખભેખભો મિલાવી કામ કરીશું.

વિધાનસભાની દૃષ્ટિએ કોંગ્રેસ કરતાં આપનું પલડું ભારે
કોંગ્રેસ અને આપ વચ્ચે થયેલા ગઠબંધન મુજબ ભરૂચ અને ભાવનગર બેઠક આમ આદમી પાર્ટીને ફાળવવામાં આવી છે. આ બંને લોકસભા વિસ્તારની વાત કરીએ તો ભાવનગર લોકસભામાં બેઠકમાં ભાવનગર ઉપરાંત બોટાદ વિધાનસભાની બેઠકો મળી કુલ 9 બેઠક થાય છે, જેમાં ગારિયાધાર અને બોટાદ બે બેઠક આપને મળી હતી, જ્યારે કોંગ્રેસને એક પણ બેઠક મળી ન હતી. ભરૂચની વાત કરીએ તો ભરૂચ લોકસભામાં ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લાની આઠ બેઠકનો સમાવેશ થાય છે, જેમાં આમ આદમી પાર્ટીને એક બેઠક મળી હતી. કોંગ્રેસ અહીં પણ ખાતું ખોલાવી શકી ન હતી.

ભરૂચ લોકસભા બેઠક પર 1989થી ભાજપનો કબજો
ભરૂચ લોકસભા બેઠક પર આઝાદીથી આજદિન સુધીમાં લોકસભાની 17 ચૂંટણી યોજાઈ છે, જેમાં 1957થી 1984 સુધી સતત 7 ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારની જીત થઈ હતી. 1977,1980 અને 1984ની ચૂંટણી અહેમદ પટેલ અહીંથી લોકસભા ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. 1989થી 2019 સુધી અહીં ભાજપના ઉમેદવારની જીત થતી આવે છે. 1989,1991,1996, અને 1998ની ચૂંટણીમાં ભાજપના ચંદુભાઈ દેશમુખની જીત થઈ હતી. ત્યાર બાદ 1999થી 2019 સુધી ભાજપના મનસુખ વસાવા અહીં જીતતા આવ્યા છે.

adv

Related News

post
post
post
post
post
post
post