• Home
  • News
  • ખેડૂતના પુત્ર યોશિહેડે સુગા બનશે જાપાનના આગામી વડા પ્રધાન, PM પદ માટે રૂલિંગ પાર્ટીના ઈલેક્શનમાં બે સાંસદને પાછળ પાડીને જગ્યા પાક્કી કરી
post

સુગા તેમના પરિવારમાંથી રાજકારણમાં આવનારી પ્રથમ વ્યક્તિ છે, તેમના પિતા અકિતા રાજ્યના યુજાવામાં સ્ટ્રોબેરીની ખેતી કરતા હતા

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-15 09:48:44

જાપાનના વડા પ્રધાન શિંજો આબેના રાજીનામા પછી ખેડૂતના પુત્ર યોશિહિડે સુગા દેશના નવા વડા પ્રધાન બનશે. તેમણે સોમવારે લિબરલ ડેમોક્રેટિક પાર્ટી(LDP)ની ચૂંટણીમાં જીત પ્રાપ્ત કરી છે. વોટિંગમાં પાર્ટીના કુલ 534 સાંસદ સામેલ થયા હતા. એમાં સુગાએ 377 એટલે કે લગભગ 70 ટકા વોટ પ્રાપ્ત કર્યા છે. હવે તેમનો વડા પ્રધાન બનવાનો રસ્તો સાફ થઈ ગયો છે. સુગા 8 વર્ષ સુધી દેશના ચીફ કેબિનેટ સેક્રેટરી તરીકે સેવાઓ આપી ચૂક્યા છે. તેમને શિંજો આબેની નજીકની વ્યક્તિ માનવામાં આવે છે.

વડા પ્રધાનપદના ત્રણ ઉમેદવાર માટે ડાઈટ મેમ્બર્સ અને દેશનાં તમામ 47 રાજ્યના ત્રણ સાંસદે વોટિંગ કર્યું હતું. એનું કારણ એ રહ્યું કે તેમાં 788 સાંસદને બદલે માત્ર 534 સભ્ય સામેલ થયા. ઈમર્જન્સીની સ્થિતિને જોતાં આ રીત અપનાવામાં આવી છે. LDPના સેક્રેટરી જનરલ અને તોશિહિરો નિકાઈએ વોટિંગ કરાવ્યું.

સુગાના પિતા સ્ટ્રોબેરી ઉગાડનાર ખેડૂત હતા
સુગા તેમના પરિવારમાંથી રાજકારણમાં આવનાર પ્રથમ શખસ છે. તેમના પિતા અકિતા રાજ્યના ગામ યુજાવામાં સ્ટ્રોબેરીની ખેતી કરતા હતા. હાઈ સ્કૂલનું એજ્યુકેશન પૂરું કર્યા પછી સુગા ટોક્યો આવી ગયા હતા, જ્યાં તેમણે કાર્ડબોર્ડ ફેક્ટરીથી લઈને ફિશ માર્કેટમાં પાર્ટ ટાઈમ કામ કર્યું. આ કામ કરીને તેઓ તેમની યુનિવર્સિટીની ફીસ ચૂકવ્યા કરતા હતા. તેમનું પોલિટિકલ કેરિયર 1987માં શરૂ થયું હતું. એ સમયે તેમણે યોકોહામા એસેમ્બ્લી સીટ માટે એક ડઝન ચંપલ એક વખત પહેરીને પ્રચાર કર્યો હતો. આ ચૂંટણીમાં તેમને જીત મળી અને રાજકારણમાં આવી ગયા.

રેસમાં બીજા બે નેતા હતા
વડા પ્રધાન બનવાની રેસમાં LDPના પોલિસી ચીફ ફુમિયો કિશિદા અને પૂર્વ રક્ષામંત્રી શિગેરુ ઈશિબા પણ સામેલ હતાં. બંને નેતાએ શિંજોએ પદ છોડ્યા પછી તરત જ પદ સંભાળવાની પોતાની ઈચ્છા વ્યક્ત કરી હતી. સૌથી અંતમાં યોશિહિડે સુગાનું નામ પ્રકાશમાં આવ્યું હતું. જોકે તેઓ સૌથી આગળ નીકળી ગયા. પૂર્વ રક્ષામંત્રી શિગેરુ ઈશિબા પૂર્વ પીએમ શિંજો આબેના આલોચક રહ્યાં છે. તેમની પાસે માત્ર 19 સાંસદનું સમર્થન હોવાની વાત પણ પ્રકાશમાં આવી હતી.

LDPમાં બે રીતે વડા પ્રધાનને ચૂંટવામાં આવે છે

·         LDPમાં વડા પ્રધાનને ઈલેક્શન દ્વારા ચૂંટવામાં આવે છે. એમાં એક રીત એ છે કે પાર્ટીના ઓછામાં ઓછા 20 ઉમેદવારનું લિસ્ટ તૈયાર કરવામાં આવે છે. એ પછી ઓછામાં ઓછા 12 દિવસના પ્રચાર પછી પાર્ટીના ડાઈટ મેમ્બર્સ(સંસદનાં બંને સદનોના સભ્યો) વોટ કરે છે. જે મેમ્બરને 788 વોટમાંથી સૌથી વધુ વોટ મળે છે, તે જીતે છે અને તેને વડા પ્રધાન બનાવવામાં આવે છે. હાલ મહામારી ફેલાઈ છે, એવામાં તમામ મેમ્બર્સને મેલથી બેલેટ મોકલવામાં અને વોટિંગ સાથે જોડાયેલાં કામોને પૂરાં કરવામાં વધુ સમય લાગી શકે છે.

·         બીજી રીત એવી છે, જે ઈમર્જન્સી દરમિયાન અપનાવવામાં આવે છે. એમાં ડાઈટ મેમ્બર્સ અને દેશનાં તમામ 47 રાજ્યના ત્રણ સાંસદની મદદથી વોટિંગ કરાવવામાં આવે છે. તેમાં 788 સાંસદને બદલે માત્ર 535 સભ્ય જ વોટિંગ કરે છે. આ રીતે વોટિંગ કરવામાં ઓછો સમય લાગશે. સ્થાનિક મીડિયાના જણાવ્યા મુજબ, LDPના સેક્રેટરી જનરલ અને તોશિહિરો નિકાઈ 15 સપ્ટેમ્બરે વોટિંગ કરાવી શકે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post