• Home
  • News
  • કોરોના સંક્રમણના ડરથી ચીનમાં ટેક્સીનો ઉપયોગ 85% ઘટ્યો, સરકાર ક્લિન એનર્જી કાર પર 1% સબસિડી આપી રહી છે
post

ચીનની સૌથી મોટી ઓનલાઇન ટેક્સી સર્વિસ દીદી ચુકસિંગ સૌથી વધુ પ્રભાવિત, ઘણા ડ્રાઇવરોએ કામ છોડી દીધું

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-20 10:39:04

બેઇજિંગ: ચીનમાં લૉકડાઉનમાં ઢીલ બાદ લોકો ઘરોમાંથી નીકળવા લાગ્યા છે. બજાર અને મૉલ્સમાં લોકો આવવા લાગ્યા છે. છતાં ચીનની ઓનલાઇન ટેક્સી બુકિંગ સેવાઓની કોરોના સંક્રમણે કેડ ભાંગી નાંખી છે. ચીનના ટ્રાન્સપોર્ટ મંત્રાલયના રિપોર્ટ મુજબ માર્ચમાં ઓનલાઇન ટેક્સી બુકિંગમાં 85 ટકાનો ઘટાડો થયો. ચીનની સૌથી મોટી ઓનલાઇન ટેક્સી સર્વિસ કંપની દીદી ચુકસિંગને આની સૌથી વધુ અસર થઇ છે. વાસ્તવમાં સંક્રમણના ડરથી લોકો જવા-આવવા માટે પોતાની કારોનો જ ઉપયોગ કરી રહ્યા છે. જ્યારે ક્લિન એનર્જી કારોના વેચાણને પ્રોત્સાહન આપવા માટે સરકારની નીતિએ પણ ટેક્સી કંપનીઓ માટે પડકારો વધારી દીધા છે. ચીની સરકાર ક્લિન એનર્જી કારોની ખરીદી પર એક ટકા સબસિડી આપી રહી છે. સરેરાશ દર કારની ખરીદી પર ખરીદારને એક હજાર યુઆન એટલે આશરે 10 હજાર રૂપિયાની સબસિડી મળી રહી છે.

ચીનમાં સંક્રમણનું સ્તર 80 ટકાથી ઓછું
ચીનના નેશનલ ઇન્ફોર્મેશન સેન્ટર અને ગાવડે મેપના જાન્યુઆરી-માર્ચ 2020ના ક્વાર્ટરના આંકડા મુજબ ચીનના 60 ટકા શહેરોમાં ટ્રાફિકનું સ્તર કોરોના સંક્રમણને લીધે અગાઉની તુલનાએ 80 ટકાના સ્તરથી ઓછું છે. માર્ગો પર 89 ટકા લોકોને ટ્રાફિક જામ મળી રહ્યું નથી. અહીં સુધી કે બેઇજિંગ અને શાંઘાઇમાં પણ ટ્રાફિકના પીક ટાઇમમાં માર્ગો લગભગ ખાલી છે. તેનું મુખ્ય કારણ પણ ટેક્સીઓનો ઉપયોગ લગભગ ખતમ થવાનું છે.

ડ્રાઇવરની કમાણી 300થી 100 યુઆન થઈ
ચીનમાં 93 ટકા ઓનલાઇન ટેક્સી બુકિંગ પર દીદી ચુકસિંગનો કબજો હતો. કંપની 2022 સુધી દર મહિને પોતાના એક્ટિવ યુઝર્સની સંખ્યા 80 કરોડ સુધી લઇ જવા માગતી હતી. પરંતુ હવે તે મુશ્કેલ દેખાય છે. કારણ કે કોરોનાને કારણે ટેક્સી બુકિંગ બહુ ઘટી ગયું છે. કંપનીએ પોતાના ડ્રાઇવરોને સબસિડી આપવાનું પણ બંધ કરી દીધું છે. નિષ્ણાતો મુજબ તેનાથી ડ્રાઇવરોની સરેરાશ કમાણી 50થી 75 ટકા સુધી ઘટી ગઇ છે. દીદીના એક ડ્રાઇવરે જણાવ્યું કે જે ગણ્યાગાંઠિયા લોકો ઓનલાઇન ટેક્સી સર્વિસનો ઉપયોગ કરી રહ્યા છે, તેમના સુધી પણ ટેક્સી પહોંચવામાં 30 મિનિટથી વધુનો સમય લાગી રહ્યો છે. કારણ કે કમાણી ઓછી થવાથી ઘણા ડ્રાઇવરોએ આ કામ છોડી દીધું છે. એક સમયે ડ્રાઇવરની કમાણી 300 યુઆનથી વધુ થતી હતી, જે હવે ઘટીને 100 યુઆન રહી ગઇ છે. ઓટોમોબાઇલ કંપનીઓને આશા છે કે આગામી ક્વાર્ટરમાં કારોનું વેચાણ વધશે.

સરવે: બે તૃત્યાંશ કારનો વિકલ્પ શોધી રહ્યા છે
કોરોના સંક્રમણના સમયમાં જ ફેબ્રુઆરીના અંતમાં ચીનમાં એક સરવે કરવામાં આવ્યો હતો. તેમાં 1620 લોકોને પુછવામાં આવ્યું હતું કે શું તેઓ હવે ઓફિસ કે અન્ય જાહેર સ્થળે જવા આવવા માટે પોતાના સાધનમાં બદલાવ કરવા માગો છો? તેમાં બે તૃત્યાંશ લોકોએ પોતાની કારનો વિકલ્પ પસંદ કર્યો. પહેલાં બસ અને સબ વે બાદ લોકો પોતાની કારને ત્રીજી પ્રાથમિક્તા પર રાખતા હતા. હવે પોતાની કાર તેમની પ્રથમ પ્રાથમિકતા બની ગઇ છે.

ભય: ટેક્સીમાં પહેલાં કોઇ સંક્રમિત બેઠો હોય તો...
પાર્કિંગની સમસ્યાના કારણે કોરોના પહેલાં ચીનમાં ટ્રાફિકનું સૌથી મુખ્ય સાધન ટેક્સી હતી. પર હવે લોકોમાં આ વાતનો ભય છે કે ખબર નહીં ટેક્સીમાં તેમના પહેલાં કાઇ સંક્રમિત તો બેઠો નહીં હોય ને? બેઇજિંગની 33 વર્ષીય મરીસાએ કહ્યું કે ઓફિસ જવા માટે હવે તેઓ ટેક્સીનો ઉપયોગ કરતાં નથી. જ્યારે પહેલાં તે દીદીની એપ ઘણી વાર વાપરતી હતી. કોરોના બાદ તેણે ટેક્સીનો ઉપયોગ હંધ કરી દીધો છે.

adv

Related News

post
post
post
post
post
post
post