• Home
  • News
  • 175 વર્ષ જૂના સાયન્સ મેગેઝિને પહેલીવાર ડેમોક્રેટ ઉમેદવાર બાઈડેનનું સમર્થન કરતા કહ્યું કે, તેમનો રેકોર્ડ હંમેશા વિજ્ઞાનમાં વિશ્વાસનો રહ્યો છે
post

સૌથી જૂના અમેરિકન મેગેઝિનના સંપાદકીયમાં લખાયું- ટ્રમ્પ વિજ્ઞાન ક્ષેત્રે હંમેશા નિષ્ફળ રહ્યા

Written By newsonline | Ahmedabad | Published: 2020-09-17 09:37:50

અમેરિકાના 175 વર્ષ જૂના સાયન્ટિફિક અમેરિકનનામના સાયન્સ મેગેઝિને પ્રમુખપદની ચૂંટણીમાં ડેમોક્રેટિક ઉમેદવાર જો બાઈડેનનું સમર્થન કર્યું છે. મેગેઝિને આ વાત મંગળવારે ઓનલાઈન પોસ્ટમાં જણાવી હતી. આ સાથે વરિષ્ઠ સંપાદક જોશ ફિશમેને સંપાદકીયમાં લખ્યું હતું કે, પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ કોવિડ-19, આરોગ્ય ક્ષેત્રમાં સુધારા કરવામાં, કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં તેમજ વિજ્ઞાન ક્ષેત્રે નીતિઓ ઘડવામાં હંમેશા નિષ્ફળ રહ્યા છે, જ્યારે જો બાઈડેન આ મુશ્કેલી સામે લડવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી શકે છે.

સાયન્ટિફિક અમેરિકનઅમેરિકાનું સૌથી જૂનું મેગેઝિન છે. તેણે 175 વર્ષના ઈતિહાસમાં ક્યારેય પ્રમુખપદના ઉમેદવારનું સમર્થન નથી કર્યું. આ મેગેઝિનના ચીફ એડિટર લોરા હેલ્મથે મંગળવારે કહ્યું કે, ‘ટ્રમ્પ અને તેમનું તંત્ર અમે ધાર્યું હતું તેનાથી પણ વધારે નિષ્ફળ ગયા છે. તેઓ વિજ્ઞાનમાં પણ વિશ્વાસ નથી કરતા. તેઓ ફક્ત પોતાના લાભ અને પ્રોજેક્ટની વાત કરે છે. અમે જો બાઈડેનનું સમર્થન કરીએ છે કારણ કે, બાઈડેનનો રેકોર્ડ વિજ્ઞાનના માર્ગે ચાલવાનો રહ્યો છે. તેઓ ક્લાઈમેટ ચેન્જની વાત કરે છે. આ સાથે વૈશ્વિક મહામારી સામે લડવાના ઉપાય પણ સૂચવે છે. જ્યારે ટ્રમ્પે તો કોવિડ-19ને ગંભીરતાથી લીધી પણ ન હતી અને તેના પરિણામો અમેરિકા ભોગવી રહ્યું છે.

લોરા હેલ્મથના કહેવા પ્રમાણે, બાઈડેનનું સમર્થન કરવા તેમણે અનેક વરિષ્ઠ સંપાદકો સાથે ચર્ચા કરી હતી. ટ્રમ્પે સોમવારે કેલિફોર્નિયાના જંગલોમાં લાગેલી આગ મુદ્દે પણ સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, આગ કેવી રીતે લાગી? મને નથી લાગતું કે, વિજ્ઞાન પાસે તેનો જવાબ હોય. આ મુદ્દે વિજ્ઞાનીઓએ કહ્યું હતું કે, પુરાવા અને વિજ્ઞાન કહે છે કે, ટ્રમ્પે અમેરિકાને નુકસાન પહોંચાડ્યું છે કારણ કે, તેઓ પુરાવા અને વિજ્ઞાન નકારે છે.

મેગેઝિને 1950ના દસકામાં 3000 નકલ બાળીને વિરોધ કર્યો હતો
સાયન્ટિફિક અમેરિકનની સ્થાપના 1845માં સ્પ્રિંગર નેચર દ્વારા કરાઈ હતી. તેમાં નેચર અને વિજ્ઞાનના અન્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા લેખો, સંશોધનો પ્રકાશિત થતાં, પરંતુ ક્યારેક તેમાં રાજકીય લેખો પણ આવતા. 1950ના દસકામાં આ મેગેઝિનમાં હાઈડ્રોજન બોમ્બને લઈને લેખ પ્રકાશિત થયો હતો, જેમાં તેમણે પરમાણુ ઊર્જા આયોગને સેન્સર કરવા પ્રેરિત કર્યું હતું. એટલું જ નહીં, મેગેઝિને હાઈડ્રોજન બોમ્બના વિરોધમાં પોતાની 3000 નકલ પણ બાળી નાંખી હતી. આ ઉપરાંત 2016માં મેગેઝિનના સંપાદકોએ વિજ્ઞાન મુદ્દે ટ્રમ્પે બેજવાબદાર નિવેદનો નહીં આપવાની ચેતવણી આપી હતી.

 

adv

Related News

post
post
post
post
post
post
post