• Home
  • News
  • જાપાની સોફ્ટબેન્ક ગ્રુપને રૂ. 1.32 લાખ કરોડનું નુકસાન, અલીબાબાના જેકમાએ બોર્ડમાંથી રાજીનામુ આપ્યું
post

વીવર્ક અને ઉબર જેવી કંપનીઓમાં રોકાણથી સોફ્ટબેન્કને સવા લાખ કરોડથી વધુ નુકસાન

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-19 12:13:53

નવી દિલ્હી: કોરોના સંકટને લીધે જાપાની સોફ્ટબેન્ક ગ્રુપ મોટી મુશ્કેલીમાં ફસાઈ ગયુ છે. સ્ટાર્ટઅપ્સમાં રોકાણ માટે તૈયાર કરવામાં આવતા તેના વિઝન ફંડ બિઝનેસમાં ગતવર્ષે 1.9 ટ્રિલિયન યેન (17.7 અબજ ડોલર, રૂ. 1.32 લાખ કરોડ)નુ નુકસાન થયુ છે. આ નુકસાન માટે વીવર્ક અને ઉબરને જવાબદાર ઠેરવવામાં આવી છે. ગ્રુપ દ્વારા જારી નિવેદન અનુસાર, કંપનીએ માર્ચમાં પૂર્ણ થતા નાણા વર્ષમાં 1.36 ટ્રિલિયન યેનની ઓપરેટિંગ ખોટ અને 961.6 અબજ યેનની ચોખ્ખી ખોટ નોંધાવી છે. કંપનીના 39 વર્ષીય ઈતિહાસમાં આ સૌથી મોટી ખોટ છે. સોફ્ટબેન્કના કો-ફાઉન્ડર માસાયોશી સોને 100 અબજ ડોલરનુ વિઝન ફંડ બનાવ્યુ હતુ. જો કે, તે 75 અબજ ડોલરમાં સમેટાઈ ગયુ છે. ગતવર્ષે મેમાં ઉબરની નિરાશાજનક શરૂઆત બાદ સપ્ટેમ્બરમાં વીવર્કને નુકસાન થયુ હતુ. ત્યારે સોફ્ટબેન્કે શેયરિંગ ઈકોનોમીના નામે બચાવ કર્યો હતો.


ઉબરના શેરની કિંમતમાં ઘટાડાથી વિઝન ફંડને 5.2 અબજ ડોલરનું નુકસાન
પરંતુ હાલ કોરોના વાયરસને લીધે આ કંપનીઓને મોટાપાયે નુકસાન થયુ છે. હવે સોન જણાવે છે કે, સ્થિતિ વધુ વણસી છે. અમારી દ્વારા રોકાણ કરવામાં આવતા યુનિકોર્ન અચાનક આવેલા કોરોના વાયરસ સંકટને લીધે નુકસાન કરી રહ્યા છે. પરંતુ આશાવાદ છે કે, તેમાંથી અમુક ફરીથી ઉભા થશે. સોફ્ટ બેન્કે જણાવ્યુ છે કે, ઉબરના શેરની કિંમતમાં ઘટાડાથી વિઝન ફંડને 5.2 અબજ ડોલરનું નુકસાન થયુ છે.  જ્યારે વીવર્કને લીધે 4.6 અબજ ડોલર અને અન્ય બાકી કંપનીઓ દ્વારા 7.5 અબજ ડોલરનુ નુકસાન થયુ છે.


જાપાનના સોફ્ટબેન્કના બોર્ડમાંથી જેકમા દૂર થયા
ચીનની દિગ્ગજ ઈ-કોમર્સ કંપની અલીબાબાના કો-ફાઉન્ડર જેકમાએ જાપાનના સોફ્ટબેન્ક ગ્રુપના બોર્ડમાંથી રાજીનામુ આપી દીધુ છે. 13 વર્ષોથી સોફ્ટબેન્ક ગ્રુપ સાથે જોડાયેલા હતા. બેન્કે આ અંગે સોમવારે જણાવ્યુ હતુ. મોટા દેવા હેઠળ ધરોબાયેલી સોફ્ટબેન્કે જેકમાના રાજીનામા પાછળનુ કારણ જણાવ્યુ નથી. જો કે, અનેક મીડિયા રિપોર્ટ અનુસાર, સોફ્ટબેન્કના સંયુક્ત સાહસ વીવર્કમાં જોખમભર્યા રોકાણ અંગે જેકમાએ રાજીનામુ આપ્યુ છે. જેકમાએ સોફ્ટબેન્કના નાણાકીય પરિણામો અગાઉ રાજીનામાની જાહેરાત કરી છે. જેકમા 2007માં સોફ્ટબેન્કના બોર્ડ સાથે જોડાયા હતા. તેમના બેન્કના કો-ફાઉન્ડર માસાયોશી સોન સાથે ગાઢ સંબંધ હતા. સીએનએન અનુસાર, 2000માં સોને અલીબાબામાં 20 મિલિયન ડોલરનુ રોકાણ કર્યુ હતુ. 2014માં અલીબાબા માર્કેટમાં આવી ત્યારે સોને આ રોકાણ વધારી 60 અબજ ડોલર કર્યુ હતું. જેમાં સોફ્ટબેન્કના અમુક શેર વેચ્યા હતા. પરંતુ હાલ બેન્કનો અલીબાબામાં 25.1 ટકા હિસ્સો છે. જે આશરે 133 અબજ ડોલર આસપાસ છે. 


ભારતમાંથી પણ નુકસાન
ભારતીય સ્ટાર્ટઅપ અને યુનિકોર્ન કંપની ઓયો દ્વારા મોટુ નુકસાન થયુ છે. ઓયોમાં સોફ્ટબેન્કે આશરે 1.5 અબજ ડોલરનુ રોકાણ કર્યુ હતું. કંપનીએ ગતમહિને અન્ય દેશોમાં કર્મચારીઓની હાંકલપટ્ટી કરી હતી.