• Home
  • News
  • જેતપુરમાં જર્જરિત મકાન પર કિલ્લાની દીવાલ પડી, ત્રણનાં મોત:મૃતકોમાં બે બાળકી, એક વૃદ્ધનો સમાવેશ; અન્ય 5 ઈજાગ્રસ્તનું રેસ્ક્યૂ કરી સારવાર અર્થે ખસેડાયા
post

ખૂબ જ દુઃખદ ઘટના છે, હું તેમની સાથે સંવેદના વ્યક્ત કરું છું - જયેશ રાદડિયા

Written By newsonline | Ahmedabad | Published: 2023-07-05 18:26:58

જેતપુરના ગોદરા વિસ્તારમાં આવેલું જૂનું મકાન ધરાશાયી થવાની ઘટના બની છે. ગોદરા વિસ્તારમાં ઉપરના ભાગમાં આવેલા વર્ષો જૂના ગઢની રાંગ (પૌરાણિક કિલ્લાની દીવાલ)ની ભેખડ ધસી પડી હતી, વરસાદના કારણે પાણી વહેતું હોવાથી બનાવ બન્યો હોવાનું સામે આવી રહ્યું છે. અંદાજે 100 વર્ષ જુનાં મકાનો ધરાશાયી થયાં છે. મકાનમાં 8 વ્યક્તિ દટાઈ હોવાની વિગતો બહાર આવી છે, જેમાં એક વૃદ્ધ અને બે બાળકીનાં મોત થયા હોવાનું પ્રાથમિક અહેવાલમાં જાણવા મળ્યું છે. હાલ અન્ય પાંચ વ્યક્તિની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બનાવની જાણ થતાં ધારાસભ્ય જયેશ રાદડિયા સ્થળ પર પહોંચી ગયા હતા..

100 વર્ષ જૂનાં મકાનો ધરાશાયી થયાં હતાં
જેતપુરના ગોદરા વિસ્તારમાં આવેલું એક જૂનું મકાન ધરાશાયી થયું છે. ઉપરના ભાગમાં વરસાદના કારણે પાણી વહેતું હોવાથી વર્ષો જૂના ગઢ (પૌરાણિક કિલ્લાની દીવાલ)ની રાંગની ભેખડ ધસી પડતાં બનાવ બન્યો હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે. અંદાજે 100 વર્ષ જૂનાં મકાનો ધરાશાયી થતાં મકાનમાં રહેલી 8 વ્યક્તિ દટાઈ ગઈ હતી, જેમાં 2 નાનાં બાળકો તેમજ 1 વ્યક્તિને રેસ્કયૂ કરી બહાર કાઢવામાં આવ્યાં હતાં. બાદમાં અન્ય વ્યક્તિઓને બહાર કાઢી સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં સારવાર દરમિયાન એક નાની બાળકીનું મોત થયું છે. કાટમાળ નીચે દટાયેલા લોકોને સ્થાનિકો અને પોલીસ દ્વારા રેસ્ક્યૂ કરી બહાર કઢાયા છે. ધારાસભ્ય જયેશ રાદડિયાએ ઘટનાસ્થળે પહોંચી નિરીક્ષણ કર્યું અને બાદમાં હોસ્પિટલમાં ઈજાગ્રસ્તોની મુલાકાત લીધી હતી.

8 વ્યક્તિ દટાઈ, ત્રણનાં મોત, 5 ઈજાગ્રસ્ત
મકાન ધરાશાયી થતાં વૃદ્ધા જયાબેન રાજુભાઈ મકવાણા (ઉં.વ. 50) તેમજ બે બાળકી મેઘના અશોકભાઈ મકવાણા (ઉં.વ.10) અને સિદ્ધિ વિક્રમભાઈ સાસડા (ઉં.વ.7)નું મોત નીપજ્યું છે તેમજ અન્ય 5 લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેમાં વંદના અશોકભાઈ મકવાણા (ઉં.વ.14), શીતલબેન વિક્રમભાઈ સાસડા (ઉં.વ.30), કરસનભાઇ દાનાભાઈ સાસડા (ઉં.વ.40), રિદ્ધિ વિક્રમભાઈ સાસડા (ઉં.વ.8), અશોકભાઈ રાજુભાઈ મકવાણા (ઉં.વ 33)ને ઇજા થવા પામી છે. હાલ તમામ લોકોને જેતપુર સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યાં છે.

ખૂબ જ દુઃખદ ઘટના છે, હું તેમની સાથે સંવેદના વ્યક્ત કરું છું
જયેશ રાદડિયાએ મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે જેતપુરના ગોદરા વિસ્તારમાં બપોરના ત્રણ વાગ્યાની આસપાસ એક મકાન ધરાશાયી થયું હતું. દીવાલની આસપાસ માટી ધસવાથી અને પાણી આવવાથી દીવાલ ધરાશાયી હતી, જેમાં 8 જેટલી વ્યક્તિ દીવાલ પડવાથી દટાઈ હતી. નગરપાલિકાની ટીમ, સ્થાનિકો અને આસપાસના લોકોએ ભેગા મળીને તમામનું રેસ્ક્યૂ કર્યું હતું. તમામ લોકોને સારવાર અર્થે જેતપુરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનામાં ત્રણ વ્યક્તિનાં મૃત્યુ થયાં છે, જેમાં બે નાની બાળકી અને એક વૃદ્ધાનો સમાવેશ થાય છે. અન્ય પાંચ વ્યક્તિને નાની-મોટી ઈજા પહોંચી હોવાથી હાલ તેમની સારવાર ચાલી રહી છે. આ ખૂબ જ દુઃખદ ઘટના છે અને હું તમામ પરિવાર સાથે સંવેદના વ્યક્ત કરુ છું. ઘટનાના તમામ પરિવારને ચોક્કસ સહાય મળશે એની ખાતરી આપું છું અને હાલ જે 5 વ્યક્તિ સારવાર હેઠળ છે તેમની જવાબદારી લઉં છું. જો તેમને વધારે સારવાર માટે રાજકોટ ખસેડવા પડશે તો એના માટે પણ હું તૈયાર છું.

adv

Related News

post
post
post
post
post
post
post