• Home
  • News
  • ગગનયાનના અંતરિક્ષ યાત્રી બંધ બારણે ટ્રેનિંગ લઇ રહ્યા છે, ચારેય ભારતીય પાઇલટે પ્રથમ પરીક્ષા પણ પાસ કરી
post

ટ્રેનિંગ આપી રહેલી એજન્સીએ કહ્યું - ભારતીય પાઇલટ્સનો જુસ્સો બુલંદ

Written By newsonline | Ahmedabad | Published: 2020-04-25 10:35:34

નવી દિલ્હ: ભારતીય વાયુદળના ચાર જાંબાજ ફાઇટર પાઇલટ્સ 2022માં અંતરિક્ષમાં જનારા ગગનયાન મિશન માટે મોસ્કોમાં ટ્રેનિંગ લઇ રહ્યા છે. યુરી ગાગરિન સેન્ટરમાં એક વર્ષ સુધી ચાલનારી આ ટ્રેનિંગનો એક ચતુર્થાંશ ભાગ પૂરો થવાનો જ હતો કે કોરોના વાઇરસને કારણે રશિયામાં 30 એપ્રિલ સુધી લૉકડાઉન થઇ ગયું. તેમ છતાં બંધ બારણે તમામ અંતરિક્ષ યાત્રી પ્લાન મુજબ ટ્રેનિંગ લઇ રહ્યા છે. ટ્રેનિંગ આપનારી એજન્સી ગ્લાવકોસમોસ જેએસસીના મહાનિદેશક દિમિત્રી લોસકુતોવે કહ્યું કે ભારતીય પાઇલટ્સનો જુસ્સો બુલંદ છે. કોરોના મહામારીથી તેમના ચહેરા પર જરાય ચિંતા નથી. થિયરીની પરીક્ષાની તૈયારી તેમણે આમ પણ રૂમમાં બેસીને કરવાની હતી, પરંતુ લૉકડાઉન પૂરું થતાં જ અસલી ટ્રેનિંગ એટલે સર્વાઇકલ મેરેથોન શરૂ થઇ જશે. આ ટ્રેનિંગ અંતરિક્ષ યાત્રીઓને એ વિપરીત પરિસ્થિતિઓ માટે તૈયાર કરે છે, જ્યારે પૃથ્વી પર પરત થતા સમયે તેમનું યાન કોઇ એવી જગ્યા ઉતરી જાય, જ્યાં કોઇ મનુષ્ય ન હોય. ત્યાં હિંસક પ્રાણીઓ, સમુદ્ર, જંગલ, રણ, બરફના અંતહીન ગ્લેશિયર કે નદી હોઇ શકે છે.

30 એપ્રિલથી નિયમિત ક્લાસ શરૂ
લોસકુતોવે કહ્યું કે લૉકડાઉન પહેલાં જ અમે કર્મચારીઓ અને ટ્રેનિંગ લઇ રહેલા પાઇલટ્સને કોરોનાથી બચાવવા માટે રિસ્પોન્સ ગ્રૂપ સ્થાપી દીધું હતું. 19 માર્ચથી કર્મચારીઓને રિમોટ વર્ક માટે મોકલી દેવાયા. હાલમાં કંપનીના તમામ કર્મી ઘરેથી જ કામ કરી રહ્યા છે. ચારેય પાઇલટ્સનું આરોગ્ય સારું છે. તેમનો દરરોજ ફિટનેસ ટેસ્ટ થાય છે. ગત સપ્તાહે તેમણે માનવ સ્પેસક્રાફ્ટના ઓનબોર્ડ સિસ્ટમની માહિતી અંગેની પરીક્ષા પાસ કરી લીધી. હવે સપ્તાહ પછી તેમને સ્પેસક્રાફ્ટની ફ્લાઇટ થિયરીની પરીક્ષા આપવાની છે. આ પરીક્ષા આ વાત પર નિર્ભર કરે છે કે મહામારીને ધ્યાનમાં રાખી લૉકડાઉન પર સરકાર શું નિર્ણય લે છે. નિયમિત કલાસ પણ 30 એપ્રિલથી શરૂ થશે. ટ્રેનિંગના પહેલાં તબક્કામાં ગગનયાનના યાત્રીઓને 3 દિવસ અને 2 રાતની સર્વાઇકલ મેરેથોનથી પસાર થવાનું છે. બરફઆચ્છાદિત પર્વતો, હિંસક પ્રાણીઓવાળા જંગલના વિસ્તારો અને કાદવના ક્ષેત્રમાં તેમને ટ્રેનિંગ આપવામાં આવશે. જેથી તેઓ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવાની માનસિક સ્થિતિ મેળવી શકે.

પાઇલટ્સને રશિયાની ઠંડી સહન કરવાની વિશેષ ટ્રેનિંગ અપાશે
દિમિત્રી લોસકુતોવે જણાવ્યું કે રશિયન ટ્રેનરોને લાગે છે કે ગરમી તો ભારતીયો સહેલાઇથી સહન કરી લે છે, પરંતુ તેમને રશિયાની ઠંડીનો અનુભવ નથી. તેથી આ પાઇલટ્સને મેદાની વિસ્તારો પછી આર્કટિક સાગરમાં ઠંડીમાં રહેવાની વિશેષ ટ્રેનિંગ આપવામાં આવશે. સાથે જ સોચ્ચીના બ્લેક-સી રિસોર્ટમાં ગરમી માટે ટ્રેન્ડ કરાશે. મિશન દરમિયાન કામ આવનારી રશિયન ભાષાનું પ્રાથમિક જ્ઞાન તેમણે મેળવી લીધું છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post