• Home
  • News
  • ગેમ ચેન્જર CPC:ગરીબી નાબૂદીથી સુપર પાવર સુધીની ચીનની સફર, 100 વર્ષ પૂરાં કરનારી કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઇનાના કાર્યકાળનાં લેખાંજોખાં
post

ચીનની સરહદ 14 દેશ સાથે જોડાયેલી છે અને મોટા ભાગના દેશો સાથે સરહદી વિવાદ ધરાવે છે

Written By newsonline | Ahmedabad | Published: 2021-07-03 14:37:52

ચીનમાં કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈના (CPC) એની સ્થાપના થયાનાં 100 વર્ષની સમગ્ર દેશમાં ઉજવણી કરી રહ્યું છે. વર્ષ 1948માં સ્વતંત્રતાની જાહેરાત થઈ ત્યારે ચીનમાં ગરીબી વ્યાપક પ્રમાણમાં હતી. વર્ષ 1948માં ચીન સ્વતંત્ર થયું. ત્યાર બાદ કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ચાઈનાની સરકારે ચીનની દિશા અને દશા બન્ને બદલી નાખી છે. ખાસ કરીને વર્ષ 1978માં ઉદારીકરણની પ્રક્રિયા હાથ ધર્યા બાદ ચીનમાં આમૂલ પરિવર્તન આવ્યું છે.

આજે ચીન વિશ્વના સુપર પાવર એટલે કે વિકસિત દેશોને ટક્કર આપી રહ્યું છે. ભારત ઉપરાંત અમેરિકા, ઈંગ્લેન્ડ, જાપાન, ફ્રાંસ જેવા દેશો ચીનની ઊભરી રહેલી શક્તિનો કેવી રીતે સામનો કરવો એ અંગે વિચાર કરવા મજબૂર થયા છે. સમગ્ર વિશ્વમાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસનું ઉદગમ સ્થાન ચીનનું વુહાન શહેર છે, પણ વિશ્વનો કોઈ દેશ કે સંસ્થા ચીન સામે કાર્યવાહી માટે કહેવાની હિંમત કરી શકતું નથી, જે સ્પષ્ટપણે દર્શાવે છે કે ચીન કેટલું શક્તિશાળી છે. આજે આપણે ચીનની ગરીબી-ભૂખમરાની સ્થિતિથી વિશ્વમાં સુપર પાવર બનવાની સફર અંગે વાત કરીશું.

વર્ષ 1949થી ચીનમાં કોમ્યુનિસ્ટ પાર્ટીનું શાસન
ચીનમાં કોમ્યુનિસ્ટ પાર્ટીની રચના વર્ષ 1921માં થઈ હતી અને તેણે વર્ષ 1949માં ચીનની સત્તા સંભાળી હતી, એટલે કે ચીનમાં કોમ્યુનિસ્ટ પાર્ટી છેલ્લાં 72 વર્ષથી શાસન સંભાળી રહી છે.

ગરીબી-પછાતપણામાંથી બહાર નીકળવાની દિશામાં અગ્રેસર ચીન
સામાન્ય રીતે ડાબેરી કે કોમ્યુનિસ્ટ વિચારધારા મૂડીવાદી વ્યવસ્થાના વિરોધી માનવામાં આવે છે, પણ ચીને વર્ષ 1978માં આર્થિક સુધારાની શરૂઆત કરી. એ સમયે ચીનમાં માથાદીઠ આવક 155 ડોલર હતી, જ્યારે ભારતે વર્ષ 1991માં ઉદારીકરણની શરૂઆત કરી ત્યારે ભારતમાં માથાદીઠ આવક 309 ડોલર અને ચીનની 331 ડોલર આવક હતી, પરંતુ વર્ષ 2015માં ચીનમાં માથાદીઠ આવક વધીને આશરે 7,900 ડોલર થઈ ગઈ.

આ ઉપરાંત છેલ્લાં 30 વર્ષમાં ચીનમાં માથાદીઠ આવકમાં 25થી 30 ગણો વધારો થયો છે. છેલ્લાં 30 વર્ષમાં ચીને આશરે 75 કરોડ લોકોને ગરીબીના ભરડામાંથી બહાર લાવ્યું છે. પ્યૂ રિસર્સના અહેવાલ પ્રમાણે, વિશ્વમાં સૌથી ઝડપભેર ચીનમાં મધ્યમવર્ગ વધી રહ્યો છે. વર્ષ 1981માં ચીનની વસતિમાં મધ્યમવર્ગનું પ્રમાણ ફક્ત ત્રણ ટકા જેટલું હતું, જે વર્ષ 2020ની માહિતી પ્રમાણે, વધીને 50.8 ટકા થઈ ગયું છે.

વ્યાપારની દૃષ્ટિએ ચીનનું સ્થાન
ચીને સમગ્ર વિશ્વમાં પોતાનું પ્રભુત્વ સ્થાપિત કર્યું છે, એની પાછળ બિઝનેસ પોલિસી અને મેન્યુફેક્ચરિંગ હબ તરીકે ઊભરવાની સ્થિતિ છે. ચીન એક્સપોર્ટની બાબતમાં સમગ્ર વિશ્વમાં પ્રથમ સ્થાન પર છે. ચીન 2.6 ટ્રિલિયન ડોલરની નિકાસ કરે છે, જ્યારે બીજા સ્થાન પર રહેલું અમેરિકા પ્રત્યેક વર્ષ 1431.64 અબજ ડોલરની નિકાસ કરે છે.

વિશ્વ વ્યાપારમાં ચીન આશરે 15 ટકા અને અમેરિકા 20 ટકાથી વધારે યોગદાન ધરાવે છે. આ ઉપરાંત ચીન પોતાને ત્યાં કંપનીઓને ભરપૂર પ્રોત્સાહન આપી રહ્યું છે, જેથી તે વિશ્વમાં નવાં-નવાં સંશોધન સાથે આગળ વધી શકે. ચીન 145 એવી કંપની ધરાવે છે, જેમનું મૂલ્ય એક અબજ ડોલરથી વધારે છે, આ પૈકી 89 કંપની છેલ્લાં પાંચ વર્ષમાં ઊભી કરવામાં આવી છે.

વર્ષ 1978માં ફક્ત 20 ટકા લોકો શહેરોમાં રહેતા હતા
વર્ષ 1978માં જ્યારે ચીનમાં ઉદારીકરણની નીતિ અપનાવવામાં આવી ત્યારે આશરે 90 ટકા પ્રજા ગરીબ હતી તેમ જ ફક્ત 20 ટકા પ્રજા જ શહેરોમાં વસવાટ કરતી હતી, પરંતુ હવે ચિત્ર સંપૂર્ણ બદલાઈ ગયું છે.

આ બાબતમાં ચીન વિશ્વમાં અગ્રેસર છે

·         ચીન ઔદ્યોગિકીકરણની સાથે ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન એટલે કે પ્રદૂષણ ફેલાવવાની બાબતમાં અગ્રેસર છે. તે પ્રત્યેક વર્ષ 12.5 મિલિયન કિલો ટન કાર્બનડાયોક્સાઈડનું ઉત્સર્જન કરે છે.

·         ચીન પોતાને ત્યા વિવિધ ઉલ્લંઘન કે ગુનાની બાબતમાં સૌથી વધારે મૃત્યુદંડની સજા આપનારો દેશ છે. ચીન મોટી સંખ્યામાં પોતાને ત્યાં મૃત્યુદંડની સજા કરે છે, પણ આ અંગેની માહિતી જાહેર કરતો નથી.

·         બ્રોડબેન્ડ અને મોબાઈલ ગ્રાહકોની દૃષ્ટિએ ચીન વિશ્વમાં પ્રથમ ક્રમ પર છે. ચીનમાં બ્રોડબેન્ડ કનેક્શનની સંખ્યા 449 મિલિયન છે, જ્યારે મોબાઈલ ગ્રાહકોની સંખ્યા 1 બિલિયન કરતાં વધારે છે.

·         ચીનમાં વિશ્વના અન્ય કોઈપણ દેશની તુલનામાં શ્રમિકોની સંખ્યા ઘણી વધારે છે. એક અંદાજ પ્રમાણે ચીનમાં શ્રમિકોની કુલ સંખ્યા 771.3 મિલિયન છે.

·         ચીનનું શેંઝેન શહેર આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) પર કામ કરી રહ્યું છે. ચીનના આ શહેરમાં આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર કામ કરનારી કંપનીઓ દરેક સેક્ટરમાં એનો ઉપયોગ કરી રહી છે.

ચીનની મેઇડ ઈન ચાઇના 2025 યોજના
અમેરિકાને પાછળ છોડી ચીન વિશ્વમાં સુપર પાવર દેશ બનવાનું આયોજન ધરાવે છે. આ માટે ચીને મેડ ઈન ચાઈના 2025નો લક્ષ્યાંક નક્કી કર્યો છે. તેણે વર્ષ 2015માં આ લક્ષ્યાંક નિર્ધારિત કર્યો હતો. ચીને વર્ષ 2015માં 10 વર્ષ માટે આ લક્ષ્યાંક નક્કી કરવાનું આયોજન ઘડેલું છે.

ચીન આ માટે દરેક ક્ષેત્રમાં જંગી પ્રમાણમાં રોકાણ કરવા ઉપરાંત તેનાં કોર્પોરેટ ગૃહોનો મહત્તમ ઉપયોગ કરી રહ્યું છે. આ ઉપરાંત ચીન પોતાની અનુકૂળતા અને જરૂરિયાત પ્રમાણે નિયમોમાં પરિવર્તન કરી રહ્યું છે. નવા નિયમો પ્રમાણે વિદેશી કંપનીઓએ જો ચીનના બજારમાં આવવું હોય તો તેણે સ્થાનિક કંપનીઓ સાથે મળી કામ કરવું જરૂરી બને છે. આ ઉપરાંત ચીનની કંપનીઓ અનેક બહુરાષ્ટ્રીય કંપનીઓમાં પોતાની હિસ્સેદારી ખરીદી રહી છે, જેથી વિવિધ ક્ષેત્રની કંપનીઓની કામગીરી અને ટેકનોલોજી સંબંધિત માહિતી મળી શકે.

પડોશી દેશો અને પોતાના નાગરિકો સાથે ચીનનું વલણ
ચીનની સરહદ 14 દેશ સાથે જોડાયેલી છે, પણ તે 18 જેટલા દેશો સાથે સરહદને લગતા વિવાદો ધરાવે છે. એમાં ભારત, તાઈવાન અને જાપાનનો સમાવેશ થાય છે. ચીન આક્રમક રીતે તેની સરહદ વિસ્તારવાની નીતિ ધરાવતું હોવાથી મોટા ભાગના પડોશી દેશો એનાથી પરેશાન છે. આ ઉપરાંત ચીનમાં નાગરિક સ્વતંત્રતા, પ્રસાર માધ્યમોની સ્વતંત્રનો પણ સદંતર અભાવ છે. સરકારી મીડિયા તેનું એકહથ્થુ શાસન ધરાવે છે.

 

adv

Related News

post
post
post
post
post
post
post