• Home
  • News
  • ભારત માટે સંકટમાં પણ અવસરઃ 1000 કંપનીઓ ચીનમાંથી નીકળી ભારત આવવા માગે છે
post

કેન્દ્ર સરકાર ગુજરાત, મહારાષ્ટ્ર જેવા રાજ્યો પાસેથી ઉપલબ્ધ જમીનની માહિતી ભેગી કરી રહી છે

Written By newsonline | Ahmedabad | Published: 2020-05-08 11:28:58

નવી દિલ્હી: કોરોના વાઇરસને કારણે વિશ્વભરના આક્રોશનો સામનો કરી રહેલા ચીનને મોટો આંચકો લાગી શકે છે. 1000થી વધુ અગ્રણી કંપનીઓએ પોતાનાં ઉત્પાદન યુનિટ ચીનથી હટાવવાનું મન બનાવી લીધું છે. સરકારી સૂત્રો મુજબ આ કંપનીઓ ભારત આવવા માટે અનેક સ્તરે સંપર્ક કરી ચૂકી છે. કંપનીઓના પ્રસ્તાવ કેન્દ્રીય વિભાગો, રાજ્ય સરકારો અને ઘણા દેશોની રાજધાનીઓમાં ભારતીય દૂતાવાસોને મળી રહ્યા છે. સરકારે પોતાના મિશનોને સૂચના આપી દીધી છે કે તેઓ લૉકડાઉનના પ્રતિબંધો પૂરા થતાં જ વેબિનાર અને સંપર્ક અભિયાન ચલાવે, જેથી મેન્યુફેક્ચરિંગ આધાર બદલનારી કંપનીઓની નાનીમાં નાની સમસ્યાનો સ્થળ પર જ ઉકેલ લાવી શકાય. તેના માટે વિદેશ વિભાગ અલગથી ફંડ આપશે.

ઉત્પાદન ખર્ચ ઘટાડવો સૌથી મોટો પડકાર

મોબાઇલ, ઇલેક્ટ્રોનિક્સ, રોબોટિક્સ અને ટેક્સટાઇલ કંપનીઓએ ભારત આવવામાં વધુ રસ દાખવ્યો છે. આ સેક્ટરોની 400 કંપનીઓ ભારત આવવા માગે છે. જોકે ઘણી કંપનીઓ એવી છે, જેને ભારત લાવવા માગતું નથી. તેમાં સિમેન્ટ, ગ્લાસ, પ્રદૂષણ ફેલાવતી કંપનીઓ સામેલ છે. વિદેશ મંત્રાલયમાં ટોચના પદ પર રહેલા એક અધિકારીએ કહ્યું કે ભારત સરકારની નીતિઓ તો સારી છે, પરંતુ સમસ્યા અમલીકરણમાં છે. જ્યાં યુનિટ સ્થાપવાના હોય તે રાજ્ય સરકારોએ આ દિશામાં વધુ સચેત કરવાની જરૂર છે. ભારત સરકારે મેક ઇન ઇન્ડિયા પ્રોગ્રામ હેઠળ કોર્પોરેટ ટેક્સ આશરે 25 ટકા કર્યો છે. નવા નિર્માણ એકમો માટે આ ટેક્સ 17 ટકા છે, જે દક્ષિણ-પૂર્વ એશિયામાં સૌથી ઓછો છે. પરંતુ સૌથી મોટો પડકાર ઉત્પાદન ખર્ચ ઘટાડવાનો છે, જે પૂર્વ એશિયન દેશોમાં આશરે 12 ટકા ઓછો છે.

ટ્રમ્પ અને આબે ચીન પર નિર્ભરતા ખતમ કરવાના અભિયાનના આગેવાન બન્યા

અમેરિકા, જાપાન અને દક્ષિણ કોરિયાની કંપનીઓ જલદી ચીન છોડવા માગે છે. તેના માટે સૌથી વધુ પ્રોત્સાહન અમેરિકાની ટ્રમ્પ સરકાર આપી રહી છે. જેણે મહામારી માટે ખુલ્લેઆમ ચીનને દોષી ગણાવ્યું છે. અમેરિકાની ફાર્મા અને મેડિકલ ઉપકરણ બનાવતી કંપનીઓએ ઉત્પાદન યુનિટ ભારતમાં શિફ્ટ કરવા સંપર્ક કર્યો છે. અનેક કંપનીઓએ યુએસ-ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ દ્વારા કેન્દ્ર સરકારને પ્રસ્તાવ મોકલ્યા છે. જાપાને પણ ચીનનો આધાર બદલવા માટે મદદ માટે કંપનીઓને બે અબજ ડોલરનું પેકેજ આપવાની જાહેરાત કરી છે.

કંપનીઓ પણ ચીનની બહારની વ્યાપાર પ્રવૃત્તિઓને વધારવા માંગે છે
ટ્રમ્પ વહીવટનો આરોપ છે કે ચીને આ  વાઈરસ સામે યોગ્ય રીતે એક્શન લીધી નથી. અમેરિકાના આક્ષેપથી વૈશ્વિક વેપાર પર ખરાબ અસર પડે તેવી ધારણા છે. દરમિયાન કંપનીઓ અને સરકારોએ સપ્લાય ચેઇનને વિસ્તૃત કરવા માટે ચીન બહારના અન્ય દેશોમાં તેમના સંસાધનો વિસ્તૃત કરવાનું શરૂ કર્યું છે. જાપને કંપનીઓને ચીનમાંથી બહાર નીકળવામાં મદદ કરવા માટે 2.2 અબજ ડોલર આપવાનું નક્કી કર્યું છે. યુરોપિયન યુનિયનના સભ્યો ચીનના સપ્લાયર્સ પરની તેમની નિર્ભરતા ઘટાડવાની યોજનાઓ પર પણ કામ કરી રહ્યા છે.

જો કંપનીઓ ભારત આવે તો દેશમાં રોજગાર વધશે
જો સરકાર આ કંપનીઓને ભારતમાં લાવવામાં સફળ થાય છે તો તે લોકડાઉનથી પ્રભાવિત અર્થતંત્રને વેગ આપવા મદદ કરશે. આ સાથે જીડીપીમાં ઉત્પાદન ક્ષેત્રના યોગદાનને હાલના 15%થી વધારીને 25% કરવામાં પણ મદદ મળશે. આ રોગચાળાને કારણે દેશના 12 કરોડથી વધુ લોકો બેરોજગાર બન્યા છે. તેથી, રોજગાર વધારવાનું પણ આજે સરકાર માટે ખૂબ જ જરૂરી બની ગયું છે.

ભારતે દક્ષિણ અને દક્ષિણ પૂર્વ એશિયન દેશો સાથે જોરદાર સ્પર્ધા કરવી પડશે
યુનિવર્સિટી ઓફ શિકાગોના સહયોગી પ્રોફેસર પોલ સ્ટેનિલેન્ડે કહ્યું કે ભારતને વૈશ્વિક સપ્લાય ચેઇનમાં સારી જગ્યા બનાવવાની તક મળી છે. પરંતુ આ માટે ભારતે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ગવર્નન્સ ઉપર ઘણું રોકાણ કરવું પડશે. પોલ ભારતના રાજકીય અને વિદેશ નીતિના મુદ્દાઓ પર નિયમિત લખે છે. ભારતે દક્ષિણ અને દક્ષિણ પૂર્વ એશિયાના દેશો સાથે જોરદાર સ્પર્ધા કરવી પડશે. અધિકારીઓએ કંપનીઓને કહ્યું છે કે ભારતમાં વેપાર કરવો એ ચીન કરતા થોડો વધારે ખર્ચાળ છે, પરંતુ યુ.એસ. અથવા જાપાન કરતા અહીં જમીન અને કુશળ મજૂરી મેળવવી ઓછી ખર્ચાળ છે.

હેલ્થકેર પ્રોડક્ટ્સ અને ડિવાઇસીસ બનાવતી કંપનીઓ ભારત આવી શકે છે
સરકારને આશા છે કે તે હેલ્થકેર પ્રોડક્ટ્સ અને ડિવાઇસીસ બનાવતી કંપનીઓને આકર્ષિત કરવામાં સક્ષમ બનશે. એક અધિકારીએ જણાવ્યું હતું કે સરકાર મેડટ્રોનિક્સ પીએલસી અને એબોટ લેબોરેટરીઝ સાથે વાતચીત કરી રહી છે. બંને કંપનીઓ ભારતમાં પહેલેથી જ ધંધો કરી રહી છે. આનાથી તેઓ તેમની વ્યવસાયિક પ્રવૃત્તિઓને ભારતમાં લાવી શકશે. જોકે, ચીન સાથે યુ.એસ.ના વેપાર યુદ્ધની શરૂઆત થઈ ત્યારથી ઘણી અમેરિકન કંપનીઓ ચીનથી વિયેટનામ સ્થળાંતર કરી ચૂકી છે.

સપ્લાય ચેઇન વિસ્તરણ માટે અમેરિકા ભારત સહિતના દેશો સાથે વાત કરી રહ્યું છે
યુ.એસ.ના વિદેશ પ્રધાન માઇકલ પોંપિયોએ ગયા મહિને કહ્યું હતું કે ભવિષ્યમાં સપ્લાય ચેઇન ફરી ખલેલ ન થાય તે માટે અમેરિકા ભારત, ઓસ્ટ્રેલિયા, જાપાન, ન્યુઝીલેન્ડ, દક્ષિણ કોરિયા અને વિયેતનામ સાથે વાત કરી રહ્યું છે. બીજા અહેવાલમાં જણાવાયું છે કે યુ.એસ. વિશ્વસનીય ભાગીદાર દેશો સાથે આર્થિક રીતે સમૃદ્ધ નેટવર્ક બનાવવાનું કામ કરી રહ્યું છે. વોશિંગ્ટનમાં આરએએનડી કોર્પોરેશનના સંશોધનકર્તા ડેરેક ગ્રોસમેને કહ્યું કે જો આ પ્રકારનું નેટવર્ક રચાય તો તે ભારત અને વિયેતનામમાં થાય તેવી શક્યતા વધારે છે. ગ્રોસમેન એક દાયકાથી યુએસની ગુપ્તચર સેવા સાથે સંકળાયેલા છે.

કંપનીઓ પાછલી તારીખથી લાગતા ટેક્સથી ડરે છે
ફેડરેશન ઓફ ઇન્ડિયન એક્સપોટર્સ (એફઆઈઆઈઓ) ના ડાયરેક્ટર જનરલ અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અજય સહાયે જણાવ્યું હતું કે વિયેતનામ અથવા કંબોડિયા કરતા ભારત મોટું માર્કેટ છે. આને કારણે ચીનમાંથી બહાર નીકળતી કંપનીઓ ભારત તરફ વધુ આકર્ષિત થઈ શકે છે. પરંતુ ભારતે ખાતરી આપવી પડશે કે તે પાછલી તારીખથી ટેક્સ સિસ્ટમમાં કોઈ ફેરફાર કરશે નહીં. યુ.એસ.-ભારત સ્ટ્રેટેજિક એન્ડ પાર્ટનરશીપ ફોરમના પ્રમુખ મુકેશ આગીએ કહ્યું કે, અમેરિકા પાસે ઘણી મૂડી છે જે અન્ય દેશોમાં જવા માંગે છે. ભારત પણ તેને આકર્ષિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. અમેરિકન કંપનીઓને પણ લાગે છે કે ચીનની વિશાળ સપ્લાય ચેન કંપનીઓ માટે ફાયદાકારક છે, પરંતુ પોતાના બધા ઇંડા એક જ ટોપલામાં રાખવું એ યોગ્ય નથી.

 

adv

Related News

post
post
post
post
post
post
post