• Home
  • News
  • 3 કલાક પહેલાં એરપોર્ટ પહોંચવું પડશે:વાઇબ્રન્ટથી અમદાવાદ એરપોર્ટ પર ચાર્ટર ફ્લાઇટનો ટ્રાફિક વધશે, 9થી 12 જાન્યુઆરી માટે મુસાફરો માટે જાહેર કરાઈ એડવાઇઝરી
post

તમામ ચાર્ટર ફ્લાઇટને લઈ આવતા VVIP અમદાવાદના જીએ ટર્મિનલથી અવરજવર કરી શકે એ માટે એને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે.

Written By newsonline | Ahmedabad | Published: 2024-01-08 18:25:39

ગાંધીનગરના મહાત્મા મંદિરમાં 10થી 12 જાન્યુઆરી દરમિયાન 10મી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ યોજાવાની છે. આ પહેલાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 9 જાન્યુઆરીના રોજ અમદાવાદ ખાતે આવશે. ત્યાર બાદ અમદાવાદ એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધી રોડ શો યોજીને અમદાવાદીઓનું અભિવાદન કરશે, જેથી ચાર દિવસ દરમિયાન અમદાવાદ એરપોર્ટ પર વીઆઇપીનો જમાવડો વધુ રહેશે, આથી સામાન્ય મુસાફરોને અગવડ ન પડે એ માટે અમદાવાદ એરપોર્ટ ઓથોરિટી દ્વારા એડવાઈઝરી જાહેર કરવામાં આવી છે.

એરપોર્ટ વહેલા પહોંચવાની તૈયારી રાખવી
એરપોર્ટ ઓથોરિટી દ્વારા જાહેર કરવામાં આવેલી એડવાઈઝરીમાં જણાવવામાં આવ્યું છે કે 9થી 12 જાન્યુઆરી દરમિયાન અમદાવાદ એરપોર્ટ પર સામાન્ય કરતાં વધુ મુસાફરોની અવરજવરની અપેક્ષા છે, જેથી તમામ મુસાફરોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ આગળનું આયોજન કરે અને સીમલેસ મુસાફરી માટે વધારાનો સમય ફાળવવો પડશે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા જાહેર કરવામાં આવેલી એડવાઈઝરી અનુસાર, ફ્લાઇટના સમય કરતાં 3 કલાક પહેલાં એરપોર્ટ પહોચવું હિતાવહ રહેશે. આ ઉપરાંત એરપોર્ટ સુધી પહોંચવાના રસ્તા પર પણ વધુ ટ્રાફિક રહેવાની શક્યતા છે, જેથી સમય કરતાં વહેલા પહોંચવાની તૈયારીઓ રાખવી આવશ્યક છે.

મુસાફરોનો જમાવડો પણ વધુ રહેશે
દેશના પશ્ચિમ ભાગનું મહત્ત્વનું એરપોર્ટ અને ગુજરાતનું સૌથી વ્યસ્ત રહેતું અમદાવાદ એરપોર્ટ ગાંધીનગરથી નજીક છે. એરપોર્ટ પર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ અત્યાધુનિક છે, આથી અમદાવાદ એરપોર્ટ પર VVIP મૂવમેન્ટ માટે સૌથી પ્રથમ પસંદગીનું એરપોર્ટ છે. 9થી 12 જાન્યુઆરી દરમિયાન અમદાવાદ એરપોર્ટ પર ચાર્ટર ફ્લાઇટ સહિત અન્ય અનેક ફ્લાઇટ લેન્ડ થશે. ત્યારે મુસાફરોનો જમાવડો પણ વધુ રહેશે.દેશ અને વિદેશના ઉદ્યોગપતિઓ આવશે

આવતીકાલે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદ આવશે ત્યારે અન્ય દેશના અધિકારીઓ, પ્રમુખ, વેપારીઓ અને ઉદ્યોગપતિઓ પણ અમદાવાદ આવશે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં હાજરી આપવા માટે દેશ અને વિદેશના ઉદ્યોગપતિઓ અમદાવાદ એરપોર્ટ પર જ પોતાની ચાર્ટર ફ્લાઇટ દ્વારા આવશે.

ચાર્ટર ફ્લાઈટ માટે ઇન્કવાયરી શરૂ
અમદાવાદ એરપોર્ટ પર 10 જાન્યુઆરીએ વહેલી સવારથી જ ચાર્ટર ફ્લાઇટ લેન્ડ થવાની શરૂઆત થશે, જેની અગાઉથી જ ઇન્ક્વાયરી આવવાનું શરૂ થઈ ચૂકી છે. અમદાવાદ એરપોર્ટ ઓથોરિટીના અંદાજ અનુસાર, 10થી 12 જાન્યુઆરી, એટલે કે ત્રણ દિવસ દરમિયાન અમદાવાદમાં સૌથી વધુ ચાર્ટર ફ્લાઈટ આવે એવી શક્યતા છે. આ તમામ ચાર્ટર ફ્લાઇટને લઈ આવતા VVIP અમદાવાદના જીએ ટર્મિનલથી અવરજવર કરી શકે એ માટે એને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું છે.

હાલ 40થી 50 ફ્લાઇટ રાખી શકાય એટલાં સ્ટેન્ડ
ઉલ્લેખનીય છે કે અમદાવાદ એરપોર્ટ પર 40થી 50 ફ્લાઈટ રાખી શકાય એટલાં સ્ટેન્ડ છે, પરંતુ એનાથી વધારે ચાર્ટર ફ્લાઇટ આવે તો એને અમદાવાદથી નજીકના એરપોર્ટ પર ડાઇવર્ટ કરી શકાય છે, જેમાં વડોદરા, સુરત, રાજકોટ એરપોર્ટને ચાર્ટર ફ્લાઇટના પાર્કિંગ માટે અગાઉથી જાણ કરવામાં આવી છે. આ ઉપરાંત મુંબઈથી આવતી અનેક ચાર્ટર ફ્લાઈટ VIPને અમદાવાદ ખાતે પહોંચાડીને મુંબઈ પરત ફરતી હોય છે, પરંતુ દૂરથી આવતી ચાર્ટર ફ્લાઈટ અમદાવાદ સહિત અન્ય નજીકના એરપોર્ટ પર ડાઇવર્ટ કરવામાં આવે છે.

આરોગ્ય વિભાગની ટીમો પણ સજ્જ
આ સમિટમાં દેશ-વિદેશના ઉદ્યોગકારો અને કંપનીઓ આવશે. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રીઓ પણ હાજરી આપશે. ત્યારે તેમના આગમનને લઈને એરપોર્ટ તેમજ હોટલ્સ ફૂલ થવાની પૂરી શક્યતા છે. આ આગંતુકોના સ્વાસ્થ્યની સાર સંભાળ માટે અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગની 4 ટીમ અસારવા સિવિલમાં રહેશે. આ ઉપરાંત ખેડા જિલ્લાની 4 ટીમ, સુરેન્દ્રનગર જિલ્લાની 4 ટીમ, આણંદ જિલ્લાની 3 ટીમ અમદાવાદ આવી પહોંચી છે.

સિવિલમાં ICU ઓન વ્હીલની સુવિધા
સિવિલમાં ICU ઓન વ્હીલની સુવિધા હશે. જ્યારે સાદી મેડિકલ સુવિધાઓ સહિતની એમ્બ્યુલન્સ અને ટીમ અમદાવાદ એરપોર્ટ ઉપર તેમજ વાઇબ્રન્ટ સમિટમાં આવનારા લોકોની હોટલ પર તહેનાત રહેશે. અમદાવાદ એરપોર્ટ ઉપર ટર્મિનલ 2, એટલે કે ઇન્ટરનેશનલ ફ્લાઈટમાં આવતા લોકોનું હેલ્થનું ધ્યાન અને સ્ક્રીનિંગ આ ટુકડીઓ કરશે. એક ટુકડીમાં 4 લોકો હશે, જેઓ મેડિકલ સારવાર ઉપરાંત ઈમર્જન્સી માટે કામ કરશે. આમ, અમદાવાદ સહિત નજીકના જિલ્લાઓમાંથી 15 જેટલી ટીમ વાઇબ્રન્ટની ડ્યૂટી માટે અમદાવાદમાં રહેશે.


adv

Related News

post
post
post
post
post
post
post